Gujarat

ગુજરાત પોલીસમાં હવે કરકસર અભિયાન, પાયલોટિંગ મર્યાદિત, વીડિયો કોન્ફરન્સ અને જાહેર પરિવહનના ઉપયોગ પર ભાર

ઈંધણ બચત અને ટેક્નોલોજીના ઉપયોગ માટે ડીજીપીના કડક નિર્દેશ

‘ન્યાયશ્રુતિ’ પ્રોજેક્ટ અંતર્ગત વીડિયો કોન્ફરન્સ મારફતે સાક્ષી અને જુબાની નોંધવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવા પણ નિર્દેશ
વડોદરા, તા.13
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત, કાર પુલિંગ અને જાહેર પરિવહનના વધુ ઉપયોગ અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત પોલીસ તંત્રમાં પણ ખર્ચ બચત અને સંસાધનોના કરકસરયુક્ત ઉપયોગ તરફ મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે તમામ શહેર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી.

ડીજીપી દ્વારા જણાવાયું હતું કે હવે એસ્કોર્ટ અને પાયલોટિંગની સુવિધા માત્ર નિર્ધારિત કેટેગરીના મહાનુભાવોને જ આપવામાં આવશે. સામાન્ય પરિસ્થિતિમાં ગાઈડ કાર અથવા પાયલોટિંગ ટાળવા અને અનિવાર્ય સંજોગોમાં શહેર વિસ્તારમાં મોટરબાઈક તથા હાઈવે પર ફોર-વ્હીલરનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.
કોર્ટ સંબંધિત કામગીરીમાં પણ હવે ડિજિટલ પદ્ધતિ અપનાવવા ભાર મૂકાયો છે. સરકારી વકીલ સાથે રૂબરૂ બેઠકને બદલે ટેલિફોનિક અથવા અન્ય ઓનલાઈન માધ્યમથી ચર્ચા કરવાની રહેશે. ‘ન્યાયશ્રુતિ’ પ્રોજેક્ટ અંતર્ગત વીડિયો કોન્ફરન્સ મારફતે સાક્ષી અને જુબાની નોંધવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
વહીવટી બેઠકો, ક્રાઈમ કોન્ફરન્સ અને સુપરવિઝન ચર્ચાઓ હવે વધુમાં વધુ ઓનલાઈન યોજવા જણાવાયું છે. તપાસ અધિકારીઓ અને સુપરવિઝન અધિકારીઓ વચ્ચેની ચર્ચા પણ ટેલિફોનિક માધ્યમથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.
બંદોબસ્ત દરમિયાન નજીકના પોલીસ સ્ટેશનમાંથી જ ફોર્સ ફાળવવી, સ્ટાફ માટે નિશ્ચિત પીક-અપ પોઈન્ટ નક્કી કરવા તેમજ શક્ય હોય ત્યાં સુધી એક જ વાહનમાં મુસાફરી અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

Most Popular

To Top