Sukhsar

ફતેપુરા-સુખસર તાલુકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો, પ્રજામાં રોષ

ગ્રામ પંચાયતોમાં લાખોની ગેરરીતિના મામલે કાર્યવાહી નહીં થતાં વહીવટી તંત્ર પર સવાલો
પ્રતિનિધિ | સુખસર, તા.13
ફતેપુરા અને સુખસર તાલુકામાં સરકારની વિવિધ યોજનાઓ હેઠળ થયેલી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં લાખો રૂપિયાના કૌભાંડો થયા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક નાગરિકોએ તાલુકા કક્ષાથી લઈ રાજ્ય કક્ષા સુધી અનેક રજૂઆતો કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી નહીં થતાં વહીવટી તંત્રોની ભૂમિકા સામે પ્રશ્નો ઊભા થયા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એન.આર.જી યોજના, કિસાન નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, તાલુકા કચેરીમાંથી ચેક ચોરીના બનાવો તેમજ 15મા નાણાપંચની ગ્રાન્ટમાં ગેરરીતિ જેવા અનેક મુદ્દાઓ અગાઉ સામે આવી ચૂક્યા છે. છતાં સંડોવાયેલા જવાબદારો સામે માત્ર સામાન્ય કાર્યવાહી કરીને મામલો દબાવી દેવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
ખાસ કરીને સુખસર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતો સામે 15મા નાણાપંચની ગ્રાન્ટમાં લાખો રૂપિયાની ગેરરીતિના આક્ષેપો છેલ્લા દોઢ વર્ષથી ચર્ચામાં છે. ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કર્યા બાદ તાલુકા અને જિલ્લા કક્ષાએ તપાસ પણ હાથ ધરાઈ હોવાનું કહેવાય છે. કેટલાક સ્થળોએ કામ માત્ર કાગળ ઉપર દર્શાવી નાણાં ઉપાડી લેવાયા હોવાના આક્ષેપો જમીન સ્તરની તપાસમાં સામે આવ્યા હોવાની ચર્ચા છે. છતાં અત્યાર સુધી કસૂરવારો સામે કોઈ દૃઢ કાર્યવાહી હાથ ધરાઈ નથી.
સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે, “તપાસમાં ગેરરીતિ બહાર આવતી હોવા છતાં જવાબદાર અધિકારીઓ કયા સંબંધથી આવા તત્વોને બચાવી રહ્યા છે?” આ મુદ્દે લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
તાજેતરમાં ફતેપુરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા એક વીસીઇ કર્મચારી દ્વારા જન્મનો દાખલો આપવા માટે નિયત ફી કરતાં વધુ રૂપિયા વસૂલવાનો વીડિયો વાયરલ થયો હતો. રૂપિયા 50ની જગ્યાએ રૂપિયા 200 લેવામાં આવતા મામલો બહાર આવતા સંબંધિત કર્મચારીને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
તે જ રીતે અગાઉ કરોડીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગડા પ્રાથમિક શાળાના જૂના કોટના નામે અંદાજે રૂ.1.60 લાખની ઉચાપત કરવાના મામલે સરપંચને પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોનું માનવું છે કે, ફતેપુરા અને સુખસર તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોમાં 15મા નાણાપંચની ગ્રાન્ટમાં સરપંચ, તલાટી અને મળતિયાઓની સંડોવણીથી લાખો રૂપિયાની ગેરરીતિ આચરાઈ હોય તો જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરી નાણાંની વસૂલાત સાથે કડક દંડાત્મક પગલાં ભરવા જોઈએ.
પ્રજામાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે, નાના કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે લાખો રૂપિયાના કૌભાંડના આક્ષેપોમાં સંડોવાયેલા “મગરમચ્છો” સામે કાર્યવાહી કેમ અટકી જાય છે?
લોકોમાં એવી લાગણી વ્યાપી રહી છે કે, ગેરરીતિ આચરનારા લોકો પોતાનો લાભ લઈ રહ્યા છે, પરંતુ તેની સીધી અસર સરકારની છબી ઉપર પડી રહી છે.

રિપોર્ટર : બાબુભાઈ સોલંકી

Most Popular

To Top