સુરત ગ્રામ્ય LCBએ ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત ગ્રામ્ય LCBએ કડોદરા ચાર રસ્તા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતાં ટ્રાવેલ્સ વ્યવસાયમાં ચાલી રહેલા ટેક્સચોરી અને છેતરપિંડીના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે કે “સદ્દગુરૂ શિવમ ટ્રાવેલ્સ”ના સંચાલકો એક જ રજીસ્ટ્રેશન નંબર પર બે અલગ-અલગ લક્ઝરી બસો દોડાવી રહ્યા હતા.પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, સુરત ગ્રામ્ય LCBની ટીમે કડોદરા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી ટ્રાવેલ્સની એક લક્ઝરી બસને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બસ પર લગાવવામાં આવેલ “AR-06-C-0444” નંબર શંકાસ્પદ લાગતા પોલીસે વધુ તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું કે આ જ નંબરનો ઉપયોગ બીજી એક બસ પર પણ કરવામાં આવી રહ્યો હતો.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ આર.ટી.ઓ. ટેક્સની ચોરી કરવા માટે એન્જિન અને ચેસિસ નંબર સાથે ચેડાં કરતા હતા અને બનાવટી દસ્તાવેજોના આધારે બસો રોડ પર દોડાવતા હતા. આ બસો નાસિક-સુરત તેમજ અમરેલી-સુરત જેવા લાંબા રૂટ પર નિયમિત રીતે ચલાવવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે.પોલીસે કાર્યવાહી દરમિયાન બસ ચાલક બિજલભાઈ ભુરખીયાની ધરપકડ કરી છે. જ્યારે ટ્રાવેલ્સના માલિક અજયભાઈ રમેશભાઈ વામજા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી બે લક્ઝરી બસ સહિત કુલ અંદાજે ₹30.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સમગ્ર મામલે કડોદરા GIDC પોલીસ મથકમાં આર.ટી.ઓ. તેમજ સરકાર સાથે છેતરપિંડી, ખોટા દસ્તાવેજોનો ઉપયોગ અને ટેક્સચોરી સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ પી.એસ.આઈ. એ.એન. ચૌહાણ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન પોલીસને વધુ એક મહત્વની માહિતી મળી છે કે આરોપીઓએ બસના મૂળ એન્જિન અને ચેસિસ નંબર સાથે ચેડાં કરી ડુપ્લિકેટ નંબર તૈયાર કર્યા હતા. પોલીસનું માનવું છે કે આવા ડુપ્લિકેટ નંબરનો ઉપયોગ માત્ર ટેક્સચોરી પૂરતો મર્યાદિત નથી, પરંતુ અન્ય ગંભીર ગુનાઓમાં પણ થઈ શકે છે.
હાલ પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આવી જ ગેરરીતિથી અન્ય કેટલી બસો રોડ પર દોડાવવામાં આવી રહી છે અને આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ-કોણ લોકો સંડોવાયેલા છે. આ ઘટનાએ ટ્રાવેલ્સ વ્યવસાયમાં ચાલતી ગેરરીતિઓ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.