Vadodara

ગુજસીટોકના આરોપીનો જામીન બાદ ખૌફનાક કમબેક, સોશિયલ મીડિયા પર ખુલ્લી ધમકી

વડોદરામાં ફરી ગેંગસ્ટર રાજની દહેશત?

વડોદરા : શહેરમાં ફરી એકવાર ગુન્હેગારો બેફામ બનતા હોવાની ચર્ચાઓ તેજ બની છે. ગુજસીટોક હેઠળ કાર્યવાહી ભોગવી ચૂકેલા આરોપીએ જામીન પર બહાર આવ્યા બાદ ફરી ગેંગ એકઠી કરી સોશિયલ મીડિયા પર ભાઈગીરી દર્શાવતા વિડીયો વાયરલ કરતા પોલીસ તંત્ર સામે ખુલ્લો પડકાર ફેંકાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગત જુલાઈ મહિનામાં વડોદરા પોલીસે સૂરજ ઉર્ફે ચુઈ કહાર ગેંગના સાગરીતો સામે ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી બાદ ગેંગના સભ્યો જેલમાં મોકલાયા હતા. જોકે, ગેંગ સાથે સંકળાયેલા કૃણાલ કહારને થોડા સમય પહેલા જામીન મળતા તે જેલમુક્ત થયો હતો.
જામીન પર બહાર આવ્યા બાદ કૃણાલ કહારે ફરી જૂના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર ભાઈગીરી અને દહેશત ફેલાવતા વિડીયો પોસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા વિડીયોમાં “અમારો વનવાસ પૂરો થયો” અને “જે લોકો પોતાને શિકારી સમજે છે તેઓ તમામ માર્યા જશે” જેવી ગર્ભિત ધમકીઓ આપવામાં આવી હોવાનું કહેવાય છે.
આ વિડીયો બાદ શહેરમાં ફરી ગેંગવોર અને ગુન્હેગારી માથું ઊંચકે તેવી ભીતિ ઉભી થઈ છે. ખાસ કરીને યુવાઓમાં સોશિયલ મીડિયા મારફતે દહેશત ફેલાવવાનો ટ્રેન્ડ વધતો જતા પોલીસ માટે પડકારરૂપ સ્થિતિ સર્જાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, વાયરલ વિડીયોને આધારે પોલીસ દ્વારા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે અને ગેંગના અન્ય સભ્યો પર પણ નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ક્રાઈમ બ્રાંચ તથા સ્થાનિક પોલીસ સક્રિય બની હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top