Columns

વિજયે તામિલનાડુની ચૂંટણી જીતવા માટે સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો હતો

તમિલ ફિલ્મસ્ટાર જોસેફ વિજયની પાર્ટી TVK તામિલનાડુ વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. જાતજાતની અટકળો વચ્ચે રાજ્યપાલ દ્વારા તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે અને તેમની ટીમે બે રાજકીય પક્ષો વચ્ચે ઝૂલતા તમિલનાડુના રાજકારણમાં અસરકારક અભિયાન ચલાવીને પોતાના માત્ર બે વર્ષ જૂના પક્ષ માટે એક સ્થાન બનાવ્યું છે.

મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો સામાન્ય રીતે જાહેર સભાઓ કરે છે અથવા ઘરે ઘરે જઈને પ્રચાર કરે છે, પરંતુ TVK યંગ મતદરોને આકર્ષવા માટે એક સોશ્યલ મીડિયા ઝુંબેશ શરૂ કરી, જેમાં ટેકનોલોજીનો ઉપયોગ એ જ રીતે કરવામાં આવ્યો જે રીતે ગ્રાહક ઉત્પાદનના માર્કેટિંગમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઝુંબેશમાં યુવાનો, ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અને મહિલાઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા, જે બધાએ એક શાંત પણ અસરકારક રીતે ઝુંબેશ ઊભી કરી દીધી હતી.

રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધા પછી વિજયે જે વાતો કહી તે લોકોના હૃદયને સ્પર્શી ગઈ. આજે વિજય તમિલનાડુનો સૌથી મોટો અને લોકપ્રિય ફિલ્મસ્ટાર છે. તે એક ફિલ્મ માટે ૨૦૦ કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. તેથી જ્યારે તેણે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો, ત્યારે તેણે લોકોને કહ્યું કે જુઓ, હું મારી ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી છોડીને તમારા માટે આવી રહ્યો છું. આ સંદેશ સીધો સામાન્ય લોકોના હૃદયને સ્પર્શી ગયો હતો.

આ તેમની પહેલી મોટી સફળતા હતી. આ પછી તેમણે લોકો સાથે બીજું ભાવનાત્મક જોડાણ બનાવ્યું. વિજયે કહ્યું કે હું તમારો બાળક છું, કૃપા કરીને મારી સંભાળ રાખજો. રાજકારણીઓ મતદારો સાથે ભાવનાત્મક જોડાણ બનાવવાનો પ્રયાસ કરે છે તે કંઈ નવું નથી, પરંતુ વિજયે એક નવો રસ્તો પસંદ કર્યો. બાળકોને સીધું સંબોધન કરતાં તેમણે કહ્યું કે તમારાં માતા-પિતા, કાકા, કાકી, દાદા-દાદી, સાળા અને ભાભીઓને કહો કે આ વિજય મામાને એક તક આપે. બાકીના બે પક્ષોને પહેલેથી જ તક આપવામાં આવી છે.

વિજયના રાજકારણમાં પ્રવેશનો પાયો તેમના પિતા ફિલ્મ દિગ્દર્શક ચંદ્રશેખરન દ્વારા ઘણા સમય પહેલાં નાખવામાં આવ્યો હતો. ચંદ્રશેખરન કોઈ સામાન્ય દિગ્દર્શક નહોતા. તેમણે સુપરસ્ટાર રજનીકાંતનું દિગ્દર્શન પણ કર્યું હતું. છેલ્લાં ૧૦-૧૫ વર્ષોમાં વિજયની ફિલ્મોનું ધ્યાન તેમની એવી છબી બનાવવા પર રહ્યું છે જે સ્ત્રીઓ અને બાળકોને આકર્ષિત કરે. વિજયનું ચૂંટણી પ્રતીક સીટી તેમની તમિલ ફિલ્મ બિગિલમાંથી લેવામાં આવ્યું છે, જે ચક દે ઈન્ડિયાની રીમેક છે, જેમાં શાહરૂખ ખાન હોકી ટીમના કોચની ભૂમિકા ભજવે છે.

બિગિલમાં વિજય એક ફૂટબોલ ટીમને કોચ કરે છે. જો તમે બિગિલ જોશો, તો તમને તેમાં વિજયના બધા યુવાન, વૃદ્ધ અને સ્ત્રી મતદારો દેખાશે. ૨૦૨૧ માં આવેલી તેમની એક ફિલ્મ બાળકો અને સુધાર ગૃહો પર કેન્દ્રિત હતી. તેમાં તેમણે પોતાને એક રક્ષક તરીકે રજૂ કર્યા છે. આ ખૂબ જ કાળજીપૂર્વક રચાયેલી છબી છે. લોકો માને છે કે જો તેઓ સત્તામાં આવશે, તો તેઓ તેમને મદદ કરશે. રાજકારણીઓથી વિપરીત, વિજય લાંબાં ભાષણો આપતા નથી. તેમની શૈલી ફિલ્મોની જેમ પંચ સંવાદો સાથે સરળ રહી છે.

વિજયે આખા રાજ્યનો પ્રવાસ કરીને ભાષણો આપ્યાં નહીં. તેમણે ફક્ત ૧૦ કે ૧૫ જાહેર સભાઓ અને રોડ શો કર્યાં. રજનીકાંત અને કમલ હાસનની જેમ વિજયમાં પણ દ્વિ-પેઢીનું આકર્ષણ છે, પરંતુ તેમણે સીધાં બાળકોને સંબોધ્યાં. ડીએમકેના એમ.કે. સ્ટાલિન બાળકોને કહેતા હતા કે સારી રીતે અભ્યાસ કરો, તમારાં માતાપિતા તમારા પર વિશ્વાસ કરે છે. એઆઈએડીએમકેના પલાનીસ્વામી શૈક્ષણિક સંસ્થાઓ માટે બનાવેલી માળખાકીય સુવિધાઓ વિશે વાત કરતા હતા. પરંતુ વિજયનો સંદેશ હતો કે સીટી વગાડો અને તમારાં માતા-પિતાને તમારા માટે મત આપવાનું કહો. જ્યારે લોકો તમારા પર આટલો બધો વિશ્વાસ કરે છે અને તમને ખૂબ પસંદ કરે છે, ત્યારે તમારે બાળકો સાથે શિક્ષણ અને જવાબદારી વિશે પણ વાત કરવી જોઈએ.

વિજય આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે એમ પણ કહ્યું છે કે મને સત્તા આપો અને પછી જુઓ હું શું કરું છું. વિજયની પાર્ટીના ઉમેદવારો સામાન્ય લોકો છે. આમાં વાન ડ્રાઇવરો અને માંસની દુકાનના માલિકો પણ સામેલ છે જેમણે ૧૦મું ધોરણ પાસ કર્યું છે. આવાં લોકો ચૂંટણી જીતી ગયા છે. તેમની સરકાર સામાન્ય લોકોની સરકાર હશે. આ ઉપરાંત, પાર્ટીએ અનુસૂચિત જાતિ પરિવારોનાં આઠ ઉમેદવારોને ટિકિટ આપી હતી અને તેમાંથી ચાર સામાન્ય બેઠકો પરથી જીત્યાં હતાં, આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે દ્રવિડિયન પક્ષો પર ઘણી વાર દલિત મુદ્દાઓ પર નબળા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

વિજયની જાહેર છબી ખૂબ કાળજીપૂર્વક બનાવવામાં આવી છે. પત્રકારો ‘અછત અસર’ને ઉદાહરણ તરીકે ટાંકે છે, જેનો ઉપયોગ માઈકલ જેક્સન દ્વારા કરવામાં આવ્યો હતો. અછતની અસરનો અર્થ એ છે કે વ્યક્તિ એટલી દુર્લભ અને અસ્પષ્ટ બની જાય છે કે તે પોતાનામાં એક બ્રાન્ડ બની જાય છે. આ કારણે લોકો તેમને જોવા માટે ઝંખતાં હતાં. આનાથી તેમની આસપાસ એક અલગ જ આભાનું નિર્માણ થયું. ટીવીકેએ એક મોબાઇલ એપ પણ લોન્ચ કરી. પાર્ટીએ એપ કયા વિસ્તારોમાં સૌથી વધુ ડાઉનલોડ થઈ હતી તેનો ડેટા એકત્રિત કર્યો અને તેનો ઉપયોગ એવા વિસ્તારોને ઓળખવા માટે કર્યો જ્યાં તેની લોકપ્રિયતા સૌથી વધુ હતી.

વિજયની સફળતાનું બીજું મહત્ત્વનું પાસું બૂથ મેનેજમેન્ટ હતું. વિજયનાં ચાહકોનું નેટવર્ક ખૂબ જ મજબૂત અને ભાવનાત્મક રીતે સમર્પિત બન્યું. તેમનું એકમાત્ર લક્ષ્ય વિજયને મુખ્યમંત્રી બનાવવાનું હતું. આ જ કારણ છે કે ટીવીકે પાસે બૂથ સ્ટ્રક્ચર કે પ્રચાર મશીનરી નહોતી એમ કહેવું જૂની ચૂંટણી વિચારસરણી છે. ટીવીકેએ સોશ્યલ મીડિયા અને ટેકનોલોજી પર આધારિત ચૂંટણી રાજકારણનો નવો યુગ રજૂ કર્યો. વિજયના સોશ્યલ મીડિયા પર લગભગ ૧.૬૯ કરોડ ફોલોઅર્સ છે.

ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ૨૦ મિનિટના ભાષણમાં વિજયે બાળકોને સીધા સંબોધિત કરતાં કહ્યું કે જ્યારે તમને કિન્ડર જોય અથવા ચોકલેટ જોઈએ છે, ત્યારે તમે તમારાં માતાપિતાને ત્યાં સુધી હેરાન કરો છો જ્યાં સુધી તેઓ તે ખરીદીને તમને ન આપે. તેવી જ રીતે તેમને વ્હિસલ પ્રતીક માટે મત આપવા કહો. તે જ રાતથી ઇન્સ્ટાગ્રામ અને એક્સ પર પાંચ-છ વર્ષનાં બાળકોના વીડિયો દેખાવા લાગ્યા, જેમાં તેઓ રડી રહ્યાં હતાં અને તેમનાં માતાપિતાને વિજય મામા માટે મત આપવા માટે કહી રહ્યાં હતાં અને મજાકમાં તેમને ધમકીઓ પણ આપી રહ્યાં હતાં.

ઘણાં વાલીઓએ પણ આવા વીડિયો શેર કર્યા હતા. રાજકીય રીતે વિજયે પોતાનું સમગ્ર રાજકીય વર્ણન ડીએમકે વિરુદ્ધ ટીવીકેની આસપાસ બનાવ્યું હતું. તેમણે એઆઈએડીએમકેને સંપૂર્ણપણે અવગણ્યું અને તેમનું નામ પણ લીધું નહીં. તેમણે કહ્યું કે તે ફક્ત ડીએમકે અને ટીવીકે વચ્ચેની લડાઈ હતી અને તમિલનાડુના રાજકારણમાં ભાજપનો બહુ પ્રભાવ ન હોવાથી, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આપણો રાજકીય હરીફ ડીએમકે છે, જ્યારે આપણો વૈચારિક હરીફ ભાજપ છે.

લોકો તેમની સરખામણી એમજીઆર, કરુણાનિધિ અને એન.ટી. રામારાવ જેવા નેતાઓના યુગ સાથે કરી રહ્યા છે. જો તમે એમજીઆરની ફિલ્મો જુઓ છો, તો તેમણે ક્યારેય દારૂ પીધો નથી, ક્યારેય તમાકુનો ઉપયોગ કર્યો નથી અને ભાગ્યે જ નકારાત્મક ભૂમિકાઓ ભજવી હતી. તેમની છબી હંમેશા તેની માતા માટે એક સારા પુત્ર, તેની બહેન માટે એક સારા ભાઈ અને એક સારા પતિ જેવી રહી છે.  વિજયની જેમ આંધ્ર પ્રદેશના એન.ટી. રામારાવની પણ કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નહોતી. તેમણે તેલુગુ દેશમ પાર્ટીની રચના કરી અને એક વર્ષમાં જ મુખ્યમંત્રી બની ગયા હતા.

Most Popular

To Top