Gujarat

સુરત જેલમાં વકીલોને મળશે ખાસ એન્ટ્રી સુવિધા

વાહન પર ખાસ લોગો લગાવી મળશે પ્રવેશ,જેલ મુલાકાત દરમિયાન વકીલોને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવા , સંયુક્ત બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો

સુરતના વકીલોને જેલ મુલાકાત દરમિયાન લાંબા સમયથી પડી રહેલી વિવિધ મુશ્કેલીઓના ઉકેલ માટે હવે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન અને જેલ તંત્ર વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠકમાં વકીલો માટે ખાસ લોગો સિસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વકીલોની ગાડીઓ પર વિશેષ લોગો લગાવવામાં આવશે, જેના આધારે તેમને જેલમાં સરળતાથી પ્રવેશ આપવામાં આવશે.

માહિતી મુજબ, વકીલોને કેદીઓ સાથે મુલાકાત કરવા જેલ જવું પડે ત્યારે સુરક્ષા ચેકિંગ, વાહન પાર્કિંગ અને એન્ટ્રી પ્રક્રિયામાં ભારે સમય બગડતો હતો. અનેક વખત લાંબી રાહ જોવી પડતી હતી, જેના કારણે વકીલો તેમજ તેમના ક્લાયન્ટોને મુશ્કેલી ઓનો સામનો કરવો પડતો હતો. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના હોદ્દેદારો અને જેલ સુપરિન્ટેન્ડન્ટ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે જેલમાં મુલાકાત માટે આવનારા વકીલોની ગાડીઓ પર એક વિશેષ લોગો લગાવવામાં આવશે. આ લોગોના આધારે જેલ સિક્યુરિટી સ્ટાફ તરત ઓળખ કરી શકશે અને વકીલોને ઝડપી એન્ટ્રી આપવામાં આવશે. આ પગલાથી વકીલોનો કિંમતી સમય બચશે અને જેલ મુલાકાત પ્રક્રિયા વધુ સુગમ બનશે.

બપોરે 3 થી 4 વાગ્યા સુધીનો ખાસ સમય
બેઠક દરમિયાન વકીલો માટે જેલ મુલાકાતનો વિશેષ સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. વકીલોને બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી જેલ મુલાકાત માટે ખાસ સુવિધા આપવામાં આવશે. ઉપરાંત સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન પણ મુલાકાત પ્રક્રિયા સરળ બને તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાશે.આ અંગે જેલ તંત્રએ જણાવ્યું હતું કે મુલાકાત દરમિયાન ભીડ અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે સમય વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સાથે મુલાકાત માટે અલગ વ્યવસ્થા ગોઠવાશે.

સાંજે 5:30 સુધી જેલ સ્લીપ સ્વીકારાશે
મહત્વપૂર્ણ નિર્ણય મુજબ, વકીલો દ્વારા જેલ સ્લીપ હવે સાંજે 5:30 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. અગાઉ સમય મર્યાદાને કારણે ઘણા વકીલોને મુશ્કેલી પડતી હતી. હવે જો કોઈ વકીલ સાંજે 5 વાગ્યાથી 5:30 દરમિયાન વોટ્સએપ અથવા પીઓ આઈ મારફતે માહિતી મોકલશે તો પણ તેને સ્વીકારવામાં આવશે અને મુલાકાતની પ્રક્રિયા હાથ ધરાશે. જેલ તંત્રએ આ નિર્ણયને વકીલો માટે રાહતરૂપ ગણાવ્યો છે. ખાસ કરીને ઈમરજન્સી કેસોમાં આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી સાબિત થશે.

વકીલો માટે શેડ અને પીવાના પાણીની પણ વ્યવસ્થા
બેઠકમાં વકીલો માટે મૂળભૂત સુવિધાઓ વધારવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. જેલ બહાર વકીલોને રાહ જોવી પડે ત્યારે ગરમી અને વરસાદમાં તકલીફ ન પડે તે માટે શેડ બનાવવાની ખાતરી આપવામાં આવી છે. સાથે જ પીવાના ઠંડા પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના હોદ્દેદારોએ આ નિર્ણયોને આવકારતા જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલતી સમસ્યાઓના ઉકેલ માટે જેલ તંત્રએ સકારાત્મક અભિગમ દાખવ્યો છે. હવે આ નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ વકીલોને જેલ મુલાકાત દરમિયાન વધુ સરળતા અને સુવિધા મળશે.

Most Popular

To Top