Gujarat

‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ માટે રાજ્ય સરકારની સઘન ઝુંબેશ -વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિથી લઈને અદ્યતન સારવાર સુધીની વ્યવસ્થાઓ મજબૂત

ગાંધીનગર,
આજે ૮ મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે ‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે રાજ્યવ્યાપી જનજાગૃતિ અને નિદાન અભિયાનને વધુ વેગ આપ્યો છે. રાજ્યમાં થેલેસેમિયાના નિવારણ, નિદાન અને સારવાર માટે વિવિધ મહત્વપૂર્ણ પહેલો હાથ ધરવામાં આવી રહી છે.આ વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસની થીમ “Hidden No More: Finding the Undiagnosed, Supporting the Unseen” રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એક પણ દર્દી નિદાન વગર ન રહે અને દરેક જરૂરિયાતમંદને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “થેલેસેમિયા એ એક આનુવંશિક રક્ત વિકાર છે, જેને સમયસર તપાસ અને જાગૃતિ દ્વારા અટકાવી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલોમાં સગર્ભા મહિલાઓ તથા યુવાનો માટે થેલેસેમિયા ટેસ્ટિંગની સુવિધા સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવી છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે થેલેસેમિયાના દર્દીઓ માટે જરૂરી ‘ડેફેરાસિરોક્સ’ ટેબ્લેટ અને ઇન્જેક્શન ‘ડિફેરોક્સામિન’ની પૂરતી ઉપલબ્ધતા રાજ્યમાં સુનિશ્ચિત કરવામાં આવી છે. ઉપરાંત થેલેસેમિયા મેજરથી પીડિત બાળકોને નિયમિત બ્લડ ટ્રાન્સફ્યુઝન મળી રહે તે માટે ડે-કેર સેન્ટર્સ અને બ્લડ બેંક નેટવર્કને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.
રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં હાલમાં મોટી સંખ્યામાં થેલેસેમિયા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમાં ૪૮૪ દર્દીઓ, જામનગરની જી.જી. હોસ્પિટલમાં ૩૭૦ દર્દીઓ, ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ૧૬૬ દર્દીઓ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૯૫ દર્દીઓ, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ૯૮ દર્દીઓ અને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજ થેલેસેમિયા પીડિત બાળકો માટે આશાનું કેન્દ્ર બની રહી છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લ્યુકો-ડિપ્લિટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ચેલેશન થેરાપી જેવી અદ્યતન સેવાઓ શરૂ કરવામાં સિવિલ હોસ્પિટલ અગ્રેસર રહી છે.પીડિયાટ્રીક વિભાગના વડા ડો. જોલી વૈષ્ણવે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં દર મંગળવાર અને ગુરુવારે આશરે ૮૧ જેટલા બાળકોને બ્લડ ટ્રાન્સફ્યુઝનની સેવા આપવામાં આવે છે. દર્દીઓની સુરક્ષા માટે અહીં ‘લ્યુકો-ડિપ્લિટેડ પેક્ડ સેલ વોલ્યુમ’નો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તાવ જેવી આડઅસરો અટકાવી શકાય.

સિવિલ હોસ્પિટલમાં HPLC ટેસ્ટ દ્વારા ચોક્કસ નિદાન, સીરમ ફેરીટિન ટેસ્ટ, 2D ઇકો કાર્ડિયોગ્રાફી, આંખ અને કાનની તપાસ જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત શરીરમાં વધતા આયર્નને નિયંત્રિત કરવા માટે Deferasirox અને Deferiprone જેવી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. કાયમી સારવાર માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અંગે માર્ગદર્શન અને કાઉન્સેલિંગ પણ આપવામાં આવે છે.આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં કિશોરો, યુવાનો અને સગર્ભા સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આશા વર્કર્સ અને આરોગ્યકર્મીઓ દ્વારા શેરી નાટકો, પોસ્ટર અભિયાન અને સેમિનાર દ્વારા લોકોને થેલેસેમિયા અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

આઇએચબીટી વિભાગના વડા ડો. નિધિ ભટનાગરના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા આશરે ૫૦૦૦ આરોગ્ય કર્મચારીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવશે, જેથી તેઓ સમાજમાં વધુ સારી રીતે જાગૃતિ ફેલાવી શકે.આરોગ્ય વિભાગે લોકોને લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ કરાવવાની, HPLC ટેસ્ટ દ્વારા કેરિયર સ્ક્રીનિંગ કરવાની અને ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી તપાસ કરાવવાની અપીલ કરી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ થેલેસેમિયા કોઈ ચેપી રોગ નથી, પરંતુ પેઢી દર પેઢી ઉતરતો વારસાગત રોગ છે. સમયસર તપાસ અને જાગૃતિ દ્વારા આવનારી પેઢીને આ ગંભીર બીમારીથી બચાવી શકાય છે.

Most Popular

To Top