Gujarat

વિદેશી યાયાવર પક્ષીઓ માટે ગુજરાત બન્યું સુરક્ષિત આશ્રયસ્થાનએક વર્ષમાં ૩૫ લાખથી વધુ સ્થાનિક-વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા.

ગાંધીનગર,
ગુજરાત હવે માત્ર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે જ નહીં પરંતુ યાયાવર અને વિદેશી પક્ષીઓ માટે પણ સૌથી સુરક્ષિત અને પસંદગીનું રાજ્ય બની રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્યની પાંચ રામસર સાઈટ્સ, નડાબેટ અને કચ્છના ‘રોડ ટુ હેવન’ વિસ્તારમાં અંદાજે ૩૫ લાખથી વધુ સ્થાનિક અને વિદેશી પક્ષીઓએ આશ્રય લીધો હોવાનું વન વિભાગે જણાવ્યું છે.૦૯ મેના રોજ ઉજવાતા “વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી દિવસ” નિમિત્તે જાહેર કરાયેલા આંકડા મુજબ, સરહદી વિસ્તાર વાવ-થરાદમાં આવેલું નડાબેટ પક્ષીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બનીને ઉભર્યું છે. અહીં ચાલુ વર્ષે અંદાજે ૧૪.૯૦ લાખથી વધુ યાયાવર પક્ષીઓ નોંધાયા છે. જ્યારે જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે સૌથી વધુ ૩૪૭ પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા છે.

વન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં પક્ષીઓ માટે અનુકૂળ પર્યાવરણ, જળાશયો, સુરક્ષિત વેટલેન્ડ અને સંરક્ષણ નીતિઓના કારણે વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં ગુજરાત તરફ આકર્ષાઈ રહ્યા છે. મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન વિવિધ દેશોમાંથી પક્ષીઓ ગુજરાતમાં આવે છે. આ વર્ષે વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી દિવસની થીમ “પ્રત્યેક પંખી મહત્વનું છે, આપણું નિરીક્ષણ એટલે જ અગત્યનું છે” રાખવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ જતન માટે કડક કાયદા અને યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે, જેના પરિણામે રાજ્ય યાયાવર પક્ષીઓ માટે વધુ સુરક્ષિત બન્યું છે.

વાવ-થરાદ રેન્જના નડાબેટ વેટલેન્ડ વિસ્તારમાં જાન્યુઆરી ૨૦૨૬માં થયેલી ગણતરી દરમિયાન ૧૮૩ પ્રજાતિના કુલ ૧૪.૯૦ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા હતા. તેમાં મુખ્યત્વે લેસર ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો, ગ્રેટ વ્હાઇટ પેલિકન, બ્લેક વિંગડ સ્ટીલ્ટ, યુરેશિયન કૂટ અને કોમન સેન્ડપાઈપર જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે.

કચ્છના ધોળાવીરા નજીક આવેલા “રોડ ટુ હેવન” વિસ્તારમાં ચાલુ વર્ષે અંદાજે ૭.૯૦ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. સુરખાબ, પેલિકન, પેઈન્ટેડ સ્ટોર્ક, કુંજ અને અન્ય અનેક યાયાવર પક્ષીઓ અહીં જોવા મળ્યા હતા. અમદાવાદ નજીક આવેલું નળ સરોવર પક્ષી અભયારણ્ય યાયાવર પક્ષીઓ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અહીં ૨૭૦ પ્રજાતિના ૬.૪૨ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા હતા. નળ સરોવરને વર્ષ ૨૦૧૨માં રામસર સાઈટનો દરજ્જો મળ્યો હતો. તે જ રીતે વર્ષ ૨૦૨૧થી રામસર સાઈટનો દરજ્જો ધરાવતા થોળ વન્યજીવ અભયારણ્ય ખાતે ૨૦૫ પ્રજાતિના ૭૪ હજારથી વધુ પક્ષીઓ જોવા મળ્યા હતા.જામનગરના મરીન નેશનલ પાર્ક-ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આ વર્ષે ૩૪૭ પ્રજાતિના ૩.૧૨ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા હતા. અહીં સાઈબેરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, યુરોપ અને દક્ષિણ અમેરિકાથી પણ પક્ષીઓ આવે છે. આ અભયારણ્યને વર્ષ ૨૦૨૧માં રામસર સાઈટ તરીકે માન્યતા મળી હતી.કચ્છના છારી ઢંઢ મીઠા પાણીના સરોવરને ચાલુ વર્ષે ગુજરાતની પાંચમી રામસર સાઈટ તરીકે માન્યતા મળી છે. અહીં ૨૮૦થી વધુ પ્રજાતિના અંદાજે ૧.૫૦ લાખ પક્ષીઓ આવ્યા હતા.વઢવાણા સરોવર ખાતે આ વર્ષે ૧૫૯ પ્રજાતિના ૪૭ હજારથી વધુ યાયાવર પક્ષીઓ નોંધાયા હતા.વન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતની પાંચ રામસર સાઈટ્સ નળ સરોવર, થોળ તળાવ, ખીજડીયા પક્ષી અભયારણ્ય, વઢવાણા વેટલેન્ડ અને છારી ઢંઢ — રાજ્યને વૈશ્વિક સ્તરે પક્ષી સંરક્ષણ માટે આગવી ઓળખ અપાવી રહી છે.

Most Popular

To Top