SURAT

લાજપોર જેલનાં તંત્ર વિરૂદ્ધ બેફામ આક્ષેપ કરનાર માથા ભારે શિવરાજ સિંહને વધુ એક વખત જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો

કાપડનાં વેપારી દ્વારા સલાબતપુરામાં ૧.૨૦ લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ…

સુરત શહેરની લાજપોર સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે, લાજપોર સેન્ટ્રલ જેલની અંદરથી જ ચાલતા હોવાના આક્ષેપો વચ્ચે હવે વધુ એક ખંડણી કાંડ સામે આવ્યું છે. કાપડના વેપારીને ધમકાવીને લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદ બાદ પોલીસે માથાભારે શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબારને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના વતની અને હાલ સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતા ૨૭ વર્ષીય અભિષેક ઉર્ફે રોહન રાજેન્દ્ર દેવરે કાપડના વેપાર સાથે સંકળાયેલા છે. વેપારી દ્વારા સલાબતપુરા પોલીસ મથકે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૫ના જુલાઈ મહિનામાં તેમજ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભાઠેના ઉમિયા માતાના મંદિર પાસે શિવરાજ સિંહ ઉર્ફે શિવો દરબાર, રામ ગઢવી અને તેમના સાગરિતોએ તેમને અટકાવી ધમકી આપી હતી.ફરિયાદ અનુસાર આરોપીઓએ વેપારીને કહ્યું હતું કે જો સુરતમાં ધંધો કરવો હોય તો તેમને “હપ્તો” આપવો પડશે.

શરૂઆતમાં વેપારીએ વિરોધ કર્યો હતો, પરંતુ આરોપીઓની ધમકી અને દબાણ વધતા આખરે જીવના ડરથી તેમને રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે અલગ-અલગ તબક્કે કુલ રૂ. ૧.૨૦ લાખ જેટલી રકમ ખંડણી પેટે પડાવવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાએ ત્યારે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે વેપારીએ ખુલાસો કર્યો કે આરોપી શિવરાજ સિંહ અગાઉથી જ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને લાજપોર જેલમાં રહેલા સમયમાં પણ તે બહારના લોકોને ધમકી આપતો અને ગેરકાયદેસર વસૂલી કરાવતો હોવાના આક્ષેપો થયા હતા. વેપારીએ એવો પણ આક્ષેપ કર્યો કે જેલની અંદરથી મોબાઈલ ફોન મારફતે ધમકીભરા કોલ કરવામાં આવતા અને કેટલાક કેસોમાં પૈસાની લેવડદેવડ માટે દબાણ કરવામાં આવતું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ, જેલમાં ચાલતી ગેરરીતિઓ અંગે અગાઉ પણ અનેકવાર સવાલો ઉઠ્યા હતા. નવા કેદીઓને સુરક્ષા અને સુવિધાના નામે રૂપિયા માંગવામાં આવતા હોવાના તેમજ જેલની અંદરથી જ મોબાઈલ ફોન દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંચાલિત થતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. જોકે, સત્તાવાર રીતે દરેક વખતમાં તંત્ર દ્વારા આક્ષેપોને નકારવામાં આવ્યા હતા.

આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ સલાબતપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શિવરાજ સિંહની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ તેના અન્ય સાગરિતો અને ખંડણીના નેટવર્ક અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે જેલની અંદરથી ખરેખર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી કે નહીં. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સુરતની લાજપોર જેલની સુરક્ષા વ્યવસ્થા અને જેલ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Most Popular

To Top