Sports

DC vs KKRની આજની મેચમાં કોલકાતાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, બંને ટીમ માટે ‘કરો યા મરો’ની જંગ

IPLમાં શુક્રવારે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાઈ રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ચાલી રહેલી આ મેચ બંને ટીમ માટે ‘કરો યા મરો’ જેવી બની ગઈ છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે બંને ટીમોને જીત ખૂબ જરૂરી છે. કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. KKRએ પોતાની પાછલી મેચની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી તરફ દિલ્હી કેપિટલ્સે બે બદલાવ કર્યા છે. મુકેશ કુમાર અને વિપરાજ નિગમની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે ટી નટરાજન અને કરુણ નાયર આ મેચમાં રમતા નથી.

દિલ્હી કેપિટલ્સ માટે હાલની સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. ટીમે અત્યાર સુધી 10 મેચમાં માત્ર 8 પોઈન્ટ્સ મેળવ્યા છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને છે. હવે પ્લેઓફમાં પહોંચવા માટે દિલ્હીએ બાકી રહેલી ચારેય મેચ જીતવી પડશે. બીજી તરફ KKRની સ્થિતિ પણ બહુ અલગ નથી. કોલકાતા હાલમાં આઠમા સ્થાને છે અને તેને પણ આગળ વધવા માટે બાકી રહેલી તમામ પાંચ મેચ જીતવી જરૂરી બની ગઈ છે. આ મેચ કેએલ રાહુલ માટે ખાસ છે. દિલ્હીનો સ્ટાર બેટર તેની T20 કરિયરની 250મી મેચ રમી રહ્યો છે. સાથે જ આ તેની 157મી IPL મેચ પણ છે. આ સીઝનમાં રાહુલ દિલ્હી માટે સૌથી સફળ બેટર રહ્યો છે. તેણે અત્યાર સુધી 445 રન બનાવ્યા છે અને લગભગ 180ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે.

હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો KKRનું પલળું ભારે રહ્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 34 મેચ રમાઈ છે, જેમાં કોલકાતાએ 19 અને દિલ્હીએ 14 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી હતી, જે બાદમાં દિલ્હીએ જીતી હતી. પાછલી સીઝનમાં રમાયેલી મેચમાં પણ KKRને જીત મળી હતી. દિલ્હી માટે સૌથી મોટો પડકાર કોલકાતાના સ્પિનર્સ બનવાના છે. સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી આ સીઝનમાં સતત અસરકારક બોલિંગ કરી રહ્યા છે. નારાયણે અત્યાર સુધી ખૂબ ઓછી ઈકોનોમીથી રન આપ્યા છે, જ્યારે વરુણ પણ સતત વિકેટ લઈ રહ્યો છે. આ બંને સામે ટકી રહેવા માટે દિલ્હી મેનેજમેન્ટ સપાટ પિચની આશા રાખી રહ્યું છે. માહિતી અનુસાર આ મેચ પિચ નંબર-6 પર રમાઈ રહી છે. આ જ પિચ પર દિલ્હીએ અગાઉ પંજાબ કિંગ્સ સામે 264 રન બનાવ્યા હતા. જોકે, તે મેચમાં ટીમ જીત મેળવી શકી નહોતી. સપાટ પિચ પર બેટર્સને મોટા શોટ રમવામાં સરળતા રહેતી હોવાથી દિલ્હી ફરી એકવાર હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષા રાખી રહી છે.

દિલ્હીના બેટર્સ માટે સ્પિન સામે સંઘર્ષ ચિંતાનો વિષય રહ્યો છે. પાછલી કેટલીક મેચોમાં જ્યારે પિચ પરથી બોલર્સને મદદ મળી ત્યારે ટીમનો ટોપ ઓર્ડર ઝડપથી તૂટી પડ્યો હતો. RCB સામે એક સમયે દિલ્હીનો સ્કોર માત્ર 9 રન પર 6 વિકેટ હતો. ગુજરાત ટાઇટન્સના રાશિદ ખાન અને ચેન્નઈના સ્પિનર્સ સામે પણ દિલ્હીના બેટર્સ મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. દિલ્હીની બોલિંગ પણ આ સીઝનમાં નબળી સાબિત થઈ છે. મુખ્ય સ્પિનર કુલદીપ યાદવ પોતાની લયમાં દેખાઈ રહ્યા નથી. તેમણે 10 મેચમાં માત્ર 7 વિકેટ લીધી છે અને તેમની ઈકોનોમી પણ વધારે રહી છે. ફાસ્ટ બોલર્સ મુકેશ કુમાર અને ટી નટરાજન પણ મોંઘા સાબિત થયા છે. કેપ્ટન અક્ષર પટેલ 9 વિકેટ સાથે ટીમના ટોપ વિકેટ ટેકર છે.

બીજી તરફ KKR માટે સ્પિન બોલિંગ સૌથી મોટી તાકાત બની છે. વરુણ ચક્રવર્તીએ 10 અને સુનીલ નારાયણે 9 વિકેટ લીધી છે. જોકે, ટીમનો ટોપ ઓર્ડર સતત સારો દેખાવ કરી શક્યો નથી. અજિંક્ય રહાણે અને અંગકૃષ રઘુવંશી અપેક્ષા મુજબની શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યા છે. રિંકુ સિંહને છોડીને મિડલ ઓર્ડરમાં પણ સતત પ્રદર્શનનો અભાવ રહ્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. નાની બાઉન્ડ્રી અને સપાટ પિચને કારણે અહીં હાઈ-સ્કોરિંગ મેચો જોવા મળે છે. આ મેદાન પર અત્યાર સુધી IPLની 101 મેચ રમાઈ છે, જેમાં 52 વખત ચેઝ કરનાર ટીમને જીત મળી છે. હવામાનની વાત કરીએ તો દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાન 28થી 32 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે, એટલે મેચ સંપૂર્ણ રીતે રમાશે તેવી આશા છે.

Most Popular

To Top