World

ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ Canvas પર ફાઇનલ પરીક્ષા પહેલા સાયબર હુમલો, હજારો સ્કૂલ-કોલેજોની સિસ્ટમ ઠપ્પ

દુનિયાભરની હજારો શાળાઓ અને યુનિવર્સિટીઓમાં ઉપયોગ થતી લોકપ્રિય ઓનલાઇન લર્નિંગ સિસ્ટમ ‘Canvas’ પર મોટો સાયબર હુમલો થયો છે. આ હુમલાને કારણે સિસ્ટમ અચાનક બંધ થઈ જતા લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને ફાઇનલ પરીક્ષાઓ પહેલાં જ આ ઘટના બનતા વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ ફેલાયો છે. Canvas પ્લેટફોર્મનો ઉપયોગ વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ માટે કરે છે. તેમાં અસાઇનમેન્ટ સબમિટ કરવી, લેક્ચર વીડિયો જોવો, નોટ્સ વાંચવા, પરીક્ષાની તૈયારી કરવી અને માર્ક્સ ચેક કરવાનું કામ થાય છે. પરંતુ ગુરુવારે અચાનક સિસ્ટમ ઠપ્પ થઈ જતા વિદ્યાર્થીઓ પોતાના સ્ટડી મટિરિયલ સુધી પહોંચી શક્યા નહોતા. ઘણા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમના ફાઇનલ એક્ઝામના નોટ્સ અને લેક્ચર સ્લાઇડ્સ Canvas પર જ હતા અને સિસ્ટમ બંધ થતાં તૈયારી અધૂરી રહી ગઈ. ઘણા શિક્ષકો પણ વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ કે પરીક્ષા સંબંધિત માહિતી મોકલી શક્યા નહોતા.

સાયબર સિક્યોરિટી ફર્મ એમિસોફ્ટના નિષ્ણાત લ્યુક કોનોલીના જણાવ્યા મુજબ, ShinyHunters નામના હેકર ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી છે. હેકર્સનો દાવો છે કે તેમણે લગભગ 9 હજાર શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના અબજો ખાનગી મેસેજ, રેકોર્ડ્સ અને ડેટા સુધી પહોંચ મેળવી છે. રિપોર્ટ મુજબ, હેકર્સ છેલ્લા કેટલાક દિવસોથી ડેટા લીક કરવાની ધમકી આપી રહ્યા હતા. તેમણે 12 મે સુધીનો સમય આપ્યો છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ સમગ્ર મામલો ખંડણી અથવા રેન્સમવેર હુમલા સાથે જોડાયેલો હોઈ શકે છે. એટલે કે હેકર્સ ડેટા જાહેર ન કરવા માટે પૈસાની માંગ કરી શકે છે. Canvasની પેરેન્ટ કંપની Instructureએ હજુ સુધી સ્પષ્ટ માહિતી આપી નથી કે સિસ્ટમ સુરક્ષા કારણોસર બંધ કરવામાં આવી હતી કે હેકર્સે ટેકનિકલ રીતે સર્વર ઠપ્પ કરી દીધું હતું. જોકે કંપનીએ સમસ્યાની તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે.

અમેરિકાની ઘણી મોટી યુનિવર્સિટીઓએ આ ઘટનાને ગંભીર ગણાવી છે. યુનિવર્સિટી ઓફ આયોવાએ તેને રાષ્ટ્રીય સ્તરની સાયબર સુરક્ષા ઘટના ગણાવી છે. જ્યારે વર્જિનિયા ટેકે કહ્યું કે આ હુમલાની સીધી અસર ફાઇનલ પરીક્ષાઓ અને સેમેસ્ટરની કામગીરી પર પડી રહી છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એટ સેન એન્ટોનિયોએ તો કેટલીક ફાઇનલ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના એક વરિષ્ઠ લેક્ચરરે જણાવ્યું કે આજકાલ વિદ્યાર્થીઓ આખા સેમેસ્ટર માટે Canvas પર સંપૂર્ણ નિર્ભર રહે છે, એટલે સિસ્ટમ બંધ થવાથી સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થા પ્રભાવિત થઈ ગઈ છે. સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનો ખૂબ મોટો ડિજિટલ ડેટા સંગ્રહિત હોય છે. તેથી સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીઓ હેકર્સ માટે સરળ અને મોટું નિશાન બની રહી છે. અગાઉ પણ અમેરિકાની ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાયબર હુમલાનો ભોગ બની ચૂકી છે.

Most Popular

To Top