ઇન્ડોનેશિયાના માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં થયેલી ભયાનક દુર્ઘટનાએ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા માટે ખતરનાક સ્થળોના વીડિયો અને ફોટા બનાવવા ગયેલા કેટલાક હાઇકર્સ માટે આ સફર જીવલેણ સાબિત થઈ. જ્વાળામુખીના અચાનક થયેલા વિસ્ફોટમાં બે સિંગાપોરના પ્રવાસીઓ સહિત ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઉત્તર હાલમહેરા વિસ્તારમાં આવેલા માઉન્ટ ડુકોનો જ્વાળામુખી પાસે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ છેલ્લા ઘણા સમયથી જ્વાળામુખી વિસ્તારમાં વધતી ભૂકંપની ગતિવિધિઓ અંગે ચેતવણી આપી હતી. છતાં પણ 20 હાઇકર્સનો જૂથ ત્યાં ચઢવા ગયો હતો. તેમાં 9 સિંગાપોરના પ્રવાસીઓ અને અન્ય ઇન્ડોનેશિયન નાગરિકો સામેલ હતા.
આજરોજ શુક્રવારે અચાનક જ્વાળામુખી ફાટતાં સમગ્ર વિસ્તાર રાખ અને ઘાટા ધુમાડાથી છવાઈ ગયો હતો. વિસ્ફોટ બાદ રાખનો ગોટો લગભગ 10 કિલોમીટર સુધી આકાશમાં ઉડી ગયો હતો. ઘટનાસ્થળ પર ભારે ગભરાટ ફેલાઈ ગયો અને બચાવ કામગીરી શરૂ કરવી પડી હતી. અત્યાર સુધીમાં 15 લોકોને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પોલીસ અધિકારી એર્લિકસન પાસરીબુએ જણાવ્યું હતું કે, પર્વતારોહકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી ચેતવણીઓ અને ટ્રેઇલ પાસે લગાવાયેલા વોર્નિંગ બોર્ડ્સની અવગણના કરી હતી. સ્થાનિક લોકો સામાન્ય રીતે આ વિસ્તારમાં જવાનું ટાળે છે કારણ કે તેઓ જોખમથી સારી રીતે પરિચિત છે. પરંતુ ઘણા વિદેશી પ્રવાસીઓ સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવવા જોખમ લેતા હોય છે.
ઇન્ડોનેશિયા દુનિયાના સૌથી વધુ જ્વાળામુખી સક્રિય વિસ્તારોમાંનો એક દેશ છે. તે પેસિફિક મહાસાગરના રિંગ ઓફ ફાયર વિસ્તારમાં આવેલો હોવાથી અહીં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી કુદરતી આફતો સર્જાતી રહે છે. દેશમાં લગભગ 130 સક્રિય જ્વાળામુખી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર એ પ્રશ્ન ઊભો કર્યો છે કે સોશિયલ મીડિયા માટે લોકો કેટલું મોટું જોખમ લેવા તૈયાર થઈ જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે કુદરતી આફતોના વિસ્તારોમાં અધિકારીઓની ચેતવણીઓને ગંભીરતાથી લેવી અત્યંત જરૂરી છે, નહીં તો આવી દુર્ઘટનાઓ ફરી બની શકે છે.