11મા માળ સુધી પિંજરું લઈ જવું અશક્ય જણાતા વન્યજીવ પ્રેમીઓએ પાણીના પીપની મદદથી યુક્તિ લડાવી વન્યજીવોને ઉગાર્યા



વડોદરા: વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી જાણીતી એલએન્ડટી નોલેજ સિટીમાં આજે એક આશ્ચર્યજનક અને ભયજનક ઘટના સામે આવી હતી. કન્સ્ટ્રક્શન સાઇટ પર નિર્માણાધીન ઇમારતના 11મા માળ પર બે શાહુડી આવી પહોંચતા કામદારો અને ત્યાં હાજર સ્ટાફમાં ભારે કુતૂહલ સાથે ફાળકો પડ્યો હતો. સામાન્ય રીતે જમીન પર રહેતું આ વન્યપ્રાણી આટલી ઊંચાઈએ કેવી રીતે પહોંચ્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો.
ઘટનાની વિગતો મુજબ, વાઘોડિયા રોડ સ્થિત એલએન્ડટી નોલેજ સિટીમાં 11મા માળે બે શાહુડીઓ હોવાની જાણકારી મળતા જ સ્થાનિક હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અંગે વન્યજીવ પ્રેમી યશ તડવી અને તેમની ટીમને જાણ થતા જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વન વિભાગને આ અંગેની જાણકારી આપીને તેમની મંજૂરી મેળવ્યા બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ રેસ્ક્યુ ઓપરેશનમાં યશ તડવીની સાથે વિશાલ પટેલ, પ્રથમ વસાવા અને રોકી સાધુ પણ જોડાયા હતા. 11મા માળ જેટલી ઊંચાઈએ રેસ્ક્યુ કરવું પડકારજનક હતું કારણ કે ત્યાં પિંજરું લઈ જવું અત્યંત મુશ્કેલ હતું. આ મુશ્કેલીને જોતા ટીમે કોઠાસૂઝ વાપરી હતી અને પાણી ભરવાના ખાલી પીપની મદદ લીધી હતી. ખૂબ જ સાવચેતીપૂર્વક અને જહેમત બાદ બંને શાહુડીઓને આ પીપમાં સુરક્ષિત રીતે ઝડપી પાડવામાં આવી હતી.
રેસ્ક્યુ કરનાર ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બંને વન્યજીવોને કોઈ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. વન વિભાગના માર્ગદર્શન હેઠળ તેમને કુદરતી રહેઠાણમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નિર્માણાધીન સાઇટ પર આટલી ઊંચાઈએ વન્યજીવ આવી જવાથી થોડીવાર માટે કામગીરી થંભી ગઈ હતી, પરંતુ ટીમના સફળ ઓપરેશન બાદ તંત્ર અને કામદારોએ રાહતનો શ્વાસ લીધો હતો.