ધજા ચઢાવવાથી રાજભોગ સુધીના દર ડબલ-ત્રણ ગણાં વધતા ભક્તોમાં રોષ
52 ગજની ધજા હવે ₹11 હજાર, તુલસી વિવાહ માટે ₹51 હજારનો લાગો
નડિયાદ: ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિરની ટેમ્પલ કમિટીએ પૂજા વિધિ અને વિવિધ મનોરથના લાગામાં કરેલા ભારે વધારાને લઈને ભક્તોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ધજા ચઢાવવાથી લઈને રાજભોગ, કુંજ મનોરથ અને તુલસી વિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમોના ચાર્જમાં સીધો બમણો કે ત્રણ ગણો વધારો કરવામાં આવતા સામાન્ય અને મધ્યમ વર્ગના ભક્તો પર મોટો આર્થિક બોજ આવી પડ્યો છે.
ભક્તોના જણાવ્યા મુજબ, ભગવાનના ચરણોમાં પોતાની માનતા અને બાધા પૂર્ણ કરવા માટે લોકો વર્ષોથી મનોરથ કરતા આવ્યા છે, પરંતુ હવે આસ્થા સાથે જોડાયેલી વિધિઓ સામાન્ય માણસના ગજાની બહાર જઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ મંદિર પ્રશાસનના નિર્ણય વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે.
મંદિર કમિટીએ ધજા ચઢાવવાના દરોમાં પણ ભારે વધારો કર્યો છે. અગાઉ સોનાના શિખર પર ધજા ચઢાવવા માટે ₹610 લેવામાં આવતા હતા, જે હવે વધારીને ₹2500 કરવામાં આવ્યા છે. જ્યારે 52 ગજની ધજાનો ચાર્જ ₹2500માંથી સીધો ₹11000 સુધી પહોંચાડાયો છે.
તે જ રીતે રાજભોગનો લાગો ₹3900માંથી વધારી ₹9345 કરવામાં આવ્યો છે, જ્યારે કુંજ મનોરથ માટે હવે ₹11000 ચૂકવવા પડશે. સૌથી વધુ ચર્ચા તુલસી વિવાહના વધારેલા લાગાને લઈને થઈ રહી છે. અગાઉ ₹25000માં થતી આ વિધિ માટે હવે ભક્તોએ ₹51000 ચૂકવવાના રહેશે.
આ નિર્ણયને લઈને સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે અને ધાર્મિક પરંપરાઓના વ્યાપારીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ ઉઠી રહી છે.