રાજકારણનું બીજું નામ જ અનિશ્ચિતતા છે. તામિલનાડુના રાજકારણમાં અણધાર્યા વળાંકો આવી રહ્યા છે. પહેલો વળાંક ફિલ્મસ્ટાર વિજયની પાર્ટીનો અણધાર્યો વિજય હતો. હજુ તો બે વર્ષ પહેલાં જે પાર્ટીની રચના કરવામાં આવી હતી તેણે લગભગ ૬૦ વર્ષથી વારાફરતી સત્તા ભોગવતા ડીએમકે અને અન્ના ડીએમકેનાં સૂપડાં સાફ કરીને ૧૦૮ બેઠકો મેળવી હતી. તામિલનાડુની પ્રજાએ દ્રાવિડ રાજકારણ ખેલનારા પક્ષોને જાકારો આપ્યો હતો, તેમ છતાં વિજયના પક્ષ TVK ને સરકાર બનાવવા માટે જોઈતી બહુમતીથી માત્ર ૧૦ બેઠકો ઓછી મળી હતી.
આ ૧૦ બેઠકો પૈકી ૫ બેઠકો કોંગ્રેસ તરફથી બાહ્ય ટેકાના રૂપમાં મળવાની જાહેરાત થઈ ચૂકી હતી. કોંગ્રેસના મોવડીમંડળે સ્ટાલિન અને ઈન્ડિયા ગઠબંધનને નારાજ કરવાનું જોખમ ઉઠાવીને પણ વિજયને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો. હવે મુખ્ય મંત્રીની ખુરશી અને વિજય વચ્ચે માત્ર પાંચ જ બેઠકોનો ફાંસલો રહેતો હતો, જેના માટે નાના પક્ષો સાથે વાત ચાલી રહી હતી, ત્યાં ડીએમકે અને અન્ના ડીએમકે દ્વારા જબરી ચાલ ચાલવામાં આવી હતી. ૬૦ વર્ષથી એકબીજાના કટ્ટર દુશ્મન તરીકે વર્તતા આ બે પક્ષો વિજયને મુખ્યમંત્રી બનતાં અટકાવવા સાથે આવવા તૈયાર થયા છે.
તાજેતરમાં પૂર્ણ થયેલી તમિલનાડુ ચૂંટણીમાં વિજયની તમિલગા વેત્રી કઝગમ (TVK) એ ૧૦૮ બેઠકો જીતી છે, જે બહુમતીથી માત્ર ૧૦ બેઠકો ઓછી છે. બે વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડનારા વિજયને તેમાંથી એક બેઠક ખાલી કરવી પડશે, જેના કારણે TVK ની તાકાત ઘટીને ૧૦૭ થઈ જશે. કોંગ્રેસે સરકાર રચનામાં TVK ને ટેકો આપ્યો છે. આ જૂની પાર્ટી પાસે પાંચ ધારાસભ્યો છે. વિજય પાસે હવે ૧૧૩ ધારાસભ્યોનો ટેકો છે અને સરકાર બનાવવા માટે તેને વધુ પાંચ ધારાસભ્યોની જરૂર છે.
ડીએમકે ૫૯ બેઠકો જીતવામાં સફળ રહ્યું અને એઆઈએડીએમકેને ફક્ત ૪૭ બેઠકો મળી છે. જો બંને પક્ષો હાથ મિલાવશે તો પણ જે ગઠબંધન બનશે તે બહુમતીના આંકડાથી ૧૨ બેઠકો ઓછું રહેશે. આ ૧૨ બેઠકો મેળવવા તેણે મોટો ખેલ પાડવો પડશે. બીજી બાજુ DMK સાથે સરકાર બનાવવાની બાબતમાં AIADMK આંતરિક વિખવાદનો અનુભવ કરી રહ્યું છે. તેના ધારાસભ્યોમાં પક્ષના નેતૃત્વ પ્રત્યે નોંધપાત્ર અસંતોષ છે.
તેના ૪૭ ધારાસભ્યોમાંથી લગભગ ૩૦ ધારાસભ્યો વિજયના પક્ષ TVK ને સમર્થન આપી રહ્યા છે, જે પક્ષની અંદર વફાદારીમાં સંભવિત પરિવર્તનનો સંકેત આપે છે. ચૂંટણી પછીનાં જોડાણો અને નેતૃત્વ સ્થિરતા માટે AIADMK ની સ્થિતિને આ આંતરિક ઝઘડાએ જટિલ બનાવી દીધી છે. સૂત્રોએ દાવો કર્યો છે કે બંને પક્ષોએ તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પત્ર મોકલ્યો છે કે તેમની પાસે વિધાનસભામાં બહુમતી હાંસલ કરવા માટે સંખ્યાબળ છે. બીજી બાજુ ડીએમકે એઆઈએડીએમકેમાં નેતૃત્વના સંકટનો અંત આવે તેની રાહ જોઈ રહ્યું હોવાના અહેવાલ છે.
તમિલનાડુમાં ખંડિત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછી સરકારની રચનામાં હોર્સ ટ્રેડિંગ થવાની સંભાવના વધી રહી છે. ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ ( AIADMK ) ના વિધાનસભ્યો વિજયના પક્ષમાં ભળી ન જાય તે માટે ગુરુવારે પાર્ટીના કેટલાક ધારાસભ્યોને પડોશી કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી ખસેડવામાં આવ્યા છે. AIADMKના મહાસચિવ એડાપ્પડી કે પલાનીસ્વામી (EPS) ની સંમતિ વિના ધારાસભ્યોને પુડુચેરી ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ પણ બહાર આવ્યા છે. તેના પર પ્રતિક્રિયા આપતાં AIADMK એ જણાવ્યું હતું કે બધા નવા ચૂંટાયેલા ધારાસભ્યો પહેલાથી જ પરામર્શ માટે EPS ને મળ્યા છે.
એઆઈએડીએમકેના વરિષ્ઠ નેતા સીવી ષણમુગમે પલાનીસ્વામીની મંજૂરી વિના વિજયતરફી ધારાસભ્યોને પુડુચેરીના એક રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો બાદ આ સ્પષ્ટતા કરવામાં આવી છે. આંતરિક ઝઘડાની અફવાઓને નકારી કાઢ્યા હોવા છતાં AIADMK એ કબૂલ કર્યું છે કે તેના ધારાસભ્યોને ખરેખર પુડુચેરી લઈ જવામાં આવ્યા છે. પાર્ટીના પ્રવક્તા કોવાઈ સત્યાને જણાવ્યું હતું કે ધારાસભ્યોને કેન્દ્રશાસિત પ્રદેશમાં રાખવામાં આવ્યા છે. જો કે, તેમણે કેટલા ધારાસભ્યોને પુડુચરી ખસેડવામાં આવ્યા છે તે જાહેર કર્યું નથી કે નિર્ણય પાછળનું કારણ સમજાવ્યું નથી.
સંભવિત રાજકીય જોડાણ અંગેની અટકળો વચ્ચે AIADMK ના ડેપ્યુટી જનરલ સેક્રેટરી કેપી મુનુસામીએ વિજયની પાર્ટીને ટેકો આપવાની વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે. મુનુસામીએ જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં AIADMK TVK ને સમર્થન આપશે નહીં. અમે અમારા પક્ષના મહાસચિવ એડાપ્પડી કે. પલાનીસ્વામીની સૂચના મુજબ આ સ્પષ્ટતા જારી કરી રહ્યા છીએ. ૪ મેનાં ચૂંટણી પરિણામો પછી એઆઈએડીએમકેના અનેક નેતાઓ અને નવા ચૂંટાયેલા ધારાસભ્યો પલાનીસ્વામીને તેમના નિવાસસ્થાને મળ્યા બાદ આ નિવેદન આવ્યું છે.
સરકારની રચના અંગે અનિશ્ચિતતા વચ્ચે અહેવાલો સૂચવે છે કે અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયનું ટીવીકે છેલ્લા બે દિવસથી એઆઈએડીએમકે સાથે વાટાઘાટો કરી રહ્યું છે. એઆઈએડીએમકેના ભૂતપૂર્વ નેતા અને વર્તમાન ટીવીકે ધારાસભ્ય સેંગોટયન પાર્ટી માટે વાટાઘાટોનું નેતૃત્વ કરી રહ્યા છે, જ્યારે એઆઈએડીએમકેનું પ્રતિનિધિત્વ તેના ધારાસભ્ય લીમા રોઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ટીવીકેના મુખ્ય કાર્યકારી આધવ અર્જુનનાં સાસુ પણ છે. સ્થાનિક મીડિયા અહેવાલો સૂચવે છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા સીવી ષણમુગમ અને એસપી વેલુમણિ દ્વારા દબાણ કરવામાં આવ્યા બાદ એડપ્પડી પલાનીસ્વામીએ વાટાઘાટોને લીલી ઝંડી આપી હતી. એવી અટકળો છે કે એડપ્પડીએ પાંચ કેબિનેટ પદ અને સ્પીકર પદ માંગ્યું હતું.
તેઓ એ પણ ઇચ્છતા હતા કે ગઠબંધન ટીવીકે અને એઆઈએડીએમકે વચ્ચે વિશિષ્ટ હોય. તેઓ શાસનમાં સંપૂર્ણ સ્વતંત્રતા પણ ઇચ્છતા હતા. જો કે, વિજયે એડાપ્પડી પલાનીસ્વામીની શરત સ્વીકારી ન હોવાનું કહેવાય છે કારણ કે તેઓ એકલા AIADMK દ્વારા બંધક બનવા માંગતા નથી. તેના બદલે, તેઓ એક વ્યાપક ગઠબંધન ઇચ્છે છે જેમાં કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને અન્ય પ્રાદેશિક પક્ષોનો સમાવેશ થાય. મંગળવારે શરૂ થયેલી વાટાઘાટો બુધવારે બપોરની આસપાસ તૂટી પડી હતી.
ટીવીકેને શરતી ટેકો આપતી કોંગ્રેસ ભાજપ તરફી વલણ ધરાવતી પાર્ટીઓ સાથે કોઈ પણ જોડાણની વિરુદ્ધ હતી. જો કે, પલાનીસ્વામીએ વાટાઘાટોમાંથી પીછેહઠ કરી, કારણ કે બહુપક્ષીય ગઠબંધનમાં એઆઈએડીએમકેનો પ્રભાવ ઘટશે અને તેમની પાસે નિર્ણય લેવાની શક્તિ રહેશે નહીં. આના કારણે AIADMK એ તેના ધારાસભ્યોને પુડુચેરીના રિસોર્ટમાં ખસેડવાની ફરજ પડી હોવાનું પણ કહેવાય છે. પલાનીસ્વામીને ડર છે કે TVK ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી શકે છે. એવા પણ અહેવાલો છે કે TVK ને ટેકો આપવાને લઈને પાર્ટીમાં ભાગલા પડી રહ્યા છે.
ભાજપ અને ડૉ. અંબુમણિ રામદાસની આગેવાની હેઠળના પીએમકે સાથે જોડાણ કરીને ૪૭ બેઠકો જીતનાર AIADMK વિભાજન તરફ આગળ વધી રહ્યું છે. જો પાર્ટીના મહાસચિવ એડાપ્પડી પલાનીસ્વામી વિજય સાથે ગઠબંધનને સમર્થન આપવાનો ઇનકાર કરે તો AIADMK ધારાસભ્યોનો એક ભાગ તૂટી શકે છે. ભૂતપૂર્વ મંત્રીઓ ષણમુગમ અને વેલુમાણી TVK તરફી તરીકે ઊભરી આવ્યા છે, જ્યારે EPS TVK સાથેના ગઠબંધનનો વિરોધ કરે છે. ૪૭ ધારાસભ્યોમાંથી બે તૃતીયાંશ અથવા ઓછામાં ઓછા ૩૧ ધારાસભ્યો TVK ને સમર્થન આપે તેવી શક્યતા છે. જો બળવો સફળ ન થાય તો કેટલાક AIADMK ધારાસભ્યો વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન TVK સરકારની બહુમતી સુનિશ્ચિત કરવા માટે મતદાનથી દૂર રહી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.