Gujarat

ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 500 કરોડનું કૌભાંડ, ઉત્પલ પટેલ વિદેશ ફરાર હોવાની ચર્ચા

ડેટા સેન્ટરમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી હજારો રોકાણકારો સાથે છેતરપિંડીના આક્ષેપ
ગાંધીનગર,
ગાંધીનગર નજીક ગીફટ સીટીમાં એક મોટા રોકાણ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ગામના વતની ઉત્પલ પટેલ સામે ગિફ્ટ સિટી ખાતે ડેટા સેન્ટરમાં રોકાણના નામે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવાના ગંભીર આક્ષેપો થયા છે. પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર કૌભાંડનો આંકડો ₹500 કરોડ સુધી પહોંચી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગિફ્ટ સિટી ખાતે કાર્યરત “શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ” નામની કંપની દ્વારા રોકાણકારોને ‘ટેરાબાઇટ ડેટા સ્પેસ’માં રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી હતી. કંપની 1 TB ડેટા સ્પેસ માટે આશરે ₹38,000નું રોકાણ કરાવતી હતી અને તેના બદલામાં દર મહિને ₹1,650 ભાડું અથવા અંદાજે 5 ટકા જેટલું વળતર આપવાની ખાતરી આપવામાં આવતી હતી.આ લોભામણી સ્કીમમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના હજારો લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. શરૂઆતના સમયમાં કંપની દ્વારા સમયસર વળતર ચૂકવવામાં આવતા રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બન્યો હતો. જોકે અચાનક ગિફ્ટ સિટીમાં આવેલી કંપનીની ઓફિસને તાળા વાગી જતા અને રોકાણકારોને ચુકવણી બંધ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
કૌભાંડના મુખ્ય આરોપી ઉત્પલ પટેલે ગિફ્ટ સિટી ઉપરાંત નોઈડા અને કાશ્મીરમાં પણ લક્ઝુરિયસ ઓફિસો ઉભી કરી હતી. તે હાઈપ્રોફાઇલ જીવનશૈલી માટે જાણીતો હતો અને BMW જેવી મોંઘી કારોનો શોખીન હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, તેણે ભૂતકાળમાં કેટલાક મંત્રીઓના હસ્તે એવોર્ડ મેળવ્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેનો ઉપયોગ તે રોકાણકારોમાં વિશ્વાસ ઉભો કરવા માટે કરતો હતો.હાલમાં ઉત્પલ પટેલ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બંધ કરીને ભુગર્ભમાં ઉતરી ગયો હોવાનું સામે આવ્યું છે. ચર્ચા મુજબ તે ચાર દિવસ પહેલાં જ વિદેશ ફરાર થઈ ગયો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અરવલ્લીના ઇસરી ગામે આવેલું તેનું નિવાસસ્થાન પણ હાલમાં બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલો બહાર આવતા ગિફ્ટ સિટીમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છેતરાયેલા રોકાણકારો મોટી સંખ્યામાં કંપનીની ઓફિસે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ ઉઠાવી હતી. પરિસ્થિતિને પગલે ડભોડા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ડભોડા પોલીસ મથકના પો.ઈ. અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે, રોકાણકારોને વળતર નહીં મળ્યાની અરજી મળી છે અને તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ભોગ બનનારાઓની ફરિયાદો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ કંપનીના સંચાલકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.પ્રાથમિક માહિતી મુજબ આશરે 33 હજારથી વધુ રોકાણકારો આ સ્કીમમાં ફસાયા હોવાની ભીતિ છે. કેટલાક લોકોએ ₹5 લાખથી લઈને ₹3 કરોડ સુધીનું રોકાણ ગુમાવ્યાની ફરિયાદો પણ સામે આવી રહી છે. સમગ્ર મામલે હવે કાયદેસરની કાર્યવાહી અને આરોપીઓની ધરપકડ અંગે લોકોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે.

Most Popular

To Top