Gujarat

મોદીની મુલાકાત હોવાથી સૌરાષ્ટ્ર પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મોકૂફ

ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મેયર, પ્રમુખ અને ઉપપ્રમુખ જેવા મહત્વપૂર્ણ હોદ્દાઓની વરણી માટે ભારતીય જનતા પાર્ટીએ કવાયત તેજ કરી છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 11 મેના ગુજરાત પ્રવાસને પગલે સૌરાષ્ટ્ર ઝોન માટે યોજાનારી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મોકૂફ રાખવામાં આવી છે. હવે આ બેઠક 12 મેના રોજ યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદી 11 મેના રોજ વડોદરા અને સોમનાથ મંદિર ની મુલાકાતે આવી રહ્યા છે. જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રમુખો, મેયરો અને અન્ય હોદ્દેદારોની પસંદગી પ્રક્રિયામાં થોડો વિલંબ થવાની સંભાવના છે. પરિણામે મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દાઓ માટે હવે વધુ રાહ જોવી પડી શકે છે.
આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપની ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી ટર્મ માટેના સંભવિત નામો પર ચર્ચા અને મંથન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના વરિષ્ઠ નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
ભાજપ દ્વારા 1 થી 3 મે દરમિયાન વિવિધ ઝોનમાં નિરીક્ષકોની ટીમો મોકલવામાં આવી હતી. નિરીક્ષકોએ સ્થાનિક સ્તરે જઈ ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો સાથે ચર્ચા કરીને રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ ઝોનવાઇઝ સંકલન બેઠકો યોજી પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ગાંધીનગરમાં મંત્રી નિવાસસ્થાને વિવિધ ઝોનની બેઠકો યોજાયા બાદ આજે પણ ચર્ચાનો દોર યથાવત રહ્યો હતો. નિરીક્ષકો દ્વારા સૂચવાયેલા નામો અને પેનલ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે.
આ સમગ્ર પ્રક્રિયાના અંતે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે. જેમાં વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખના નામો પર અંતિમ મહોર મારવામાં આવશે.હવે સૌની નજર ભાજપ નવા ચહેરાઓને તક આપે છે કે અનુભવી નેતાઓ પર ફરી વિશ્વાસ મૂકે છે તેના પર ટકેલી છે. સ્થાનિક સ્વરાજ્યની આ રાજકીય વરણીને ભાજપ માટે સત્તાના “સેમીફાઈનલ” તરીકે પણ જોવામાં આવી રહી છે.

Most Popular

To Top