Gujarat

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી- ગુજરાત દ્વારા એક કલાકની અંદર જરૂરિયાતમંદ સુધી રક્ત પહોંચાડવાની વ્યવસ્થા

અમદાવાદ,

દર વર્ષે ૮ મેના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડ ક્રોસ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને હેનરી ડ્યુનાન્ટના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે. તેમની પ્રેરણાથી ઇન્ટરનેશનલ રેડ ક્રોસ અને રેડ ક્રીસેએન્ટમુવમેન્ટની સ્થાપના થઈ હતી, જે આજે વિશ્વના સૌથી મોટા માનવતાવાદી નેટવર્ક તરીકે ઓળખાય છે. આ વર્ષે વિશ્વ રેડ ક્રોસ દિવસની થીમ “United in Humanity” (માનવતામાં એકતા) છે,

ગુજરાતમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી- ગુજરાત રાજ્ય શાખા દ્વારા રાજ્યભરમાં આરોગ્ય, રક્તદાન અને આપત્તિ રાહત ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. જેમાં હવે માત્ર એક કલાકની અંદર જરૂરિયાતમંદ સુધી રક્ત પહોંચાડવાની વ્યવસ્થા સફળતાપૂર્વક અમલમાં મૂકી છે.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી- ગુજરાતના ચેરમેન અજય પટેલના નેતૃત્વમાં ગુજરાત રેડ ક્રોસે નવી દિશામાં પ્રગતિ કરી છે. રાજ્યમાં એક સુવ્યવસ્થિત બ્લડ નેટવર્ક આવેલ છે જેમાં ગુજરાતમાં ૨૬ રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને ૨૧ બ્લડ સ્ટોરેજ સેન્ટર છે જેના માધ્યમથી હવે માત્ર એક કલાકની અંદર જરૂરિયાતમંદ સુધી રક્ત પહોંચાડવાની વ્યવસ્થા સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. આ સાથે, મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર અંગે વિશેષ જાગૃતિ અને સ્ક્રીનિંગ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે, જેનાથી અનેક બહેનોને વહેલી તકે નિદાન અને સારવાર મળી રહી છે. આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવા પહોંચાડવા માટે ૬ મોબાઇલ મેડિકલ વાન શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા ડોક્ટરથી લઈને દવાઓ સુધીની સંપૂર્ણ સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ બની છે. આ પહેલ દ્વારા અત્યાર સુધી ૧ લાખથી વધુ લોકોને આરોગ્ય સેવા પહોંચાડવામાં આવી છે. આ સાથે, નિદાન ક્ષેત્રે પણ ગુજરાત રેડ ક્રોસ મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે.

રાજ્યમાં હાલમાં ૧૫ પેથોલોજી લેબોરેટરી સફળતાપૂર્વક કાર્યરત છે, જેમાં દર વર્ષે ૩૨,૬૭૬થી વધુ દર્દીઓને સેવા આપવામાં આવે છે અને ૭.૭ લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવે છે. ગુજરાત રેડ ક્રોસ દ્વારા રાજ્યભરમાં ૧૭ ફિઝિયોથેરાપી સેન્ટર સફળતાપૂર્વક કાર્યરત છે, જ્યાં અનુભવી અને પ્રશિક્ષિતનિષ્ણાતો દ્વારા ખૂબ જ ઓછી કિંમતમાં વિવિધ પ્રકારની સારવાર અને એક્સરસાઇઝ સુવિધાઓ આપવામાં આવે છે. આ કેન્દ્રો દ્વારા અત્યાર સુધી ૩૮,૮૭૫થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે, જેના પરિણામે તેમની ચાલવાની ક્ષમતા, આરોગ્ય અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. ગુજરાત રેડ ક્રોસ પોતાના રાજ્ય અને જિલ્લા સ્તરના નેટવર્ક દ્વારા ગુણવત્તાસભર અને નજીવા દરે ફિઝિયોથેરાપી સેવા પહોંચાડી સમાજના દરેક વર્ગને લાભાન્વિત કરી રહ્યું છે.

Most Popular

To Top