નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 9,383 ખેલાડીઓ ઝળક્યા
ગાંધીનગર,
આવતીકાલે તા.7 મેના રોજ ઉજવાતા વિશ્વ એથ્લેટિક્સ દિવસ નિમિત્તે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે થયેલી પ્રગતિ ફરી એકવાર ઉજાગર થઈ છે. રાજ્યમાં ખેલ મહાકુંભ જેવી પહેલના કારણે ગ્રામ્ય વિસ્તારોથી લઈને રાજ્યકક્ષા સુધી ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનું મંચ મળી રહ્યું છે. ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતમાં એથ્લેટિક્સને નવી ઉડાન મળી છે અને યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ સતત વધી રહ્યો છે.
વર્ષ 2026 માટે વિશ્વ એથ્લેટિક્સ દિવસની થીમ ‘Sport: Building Bridges, Breaking Barriers’ રાખવામાં આવી છે. આ થીમ યુવાનોમાં ફિટનેસ, શિસ્ત અને સામાજિક એકતા માટે રમતગમતની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરે છે. એથ્લેટિક્સને તમામ રમતોનો આધાર માનવામાં આવે છે અને ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા આ દિશામાં મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે.પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. આ પહેલના પરિણામે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાંથી અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ સામે આવ્યા છે અને રમતગમત ક્ષેત્રે ગુજરાતની ઓળખ મજબૂત બની છે.
રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં હજારો ખેલાડીઓનો ઉત્સાહભેર ભાગ
ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ ખાતે 16 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ હાઈ પર્ફોર્મન્સ સેન્ટર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યભરના કુલ 9,383 ખેલાડીઓએ ભાગ લીધો હતો.સ્પર્ધામાં અંડર-9, અંડર-11, અંડર-14, અંડર-17 તેમજ ઓપન કેટેગરીના 4,694 ભાઈઓ અને 4,689 બહેનોએ ભાગ લઈને રમતગમત પ્રત્યે વધતી જાગૃતિ અને રસનો પરિચય આપ્યો હતો.
390 ઇવેન્ટમાં ખેલાડીઓએ દેખાડ્યો જુસ્સો
રાજ્યકક્ષાની આ એથ્લેટિક્સ સ્પર્ધામાં 30 મીટરથી 5000 મીટર દોડ, 80મી, 100મી, 110મી અને 400મી હર્ડલ્સ, લાંબી કૂદ, ઊંચી કૂદ, વાંસ કૂદ, લંગડીફાળ કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, ભાલા ફેંક, હેમર થ્રો, રીલે અને જલદ ચાલ જેવી કુલ 390 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મેડલ અને ટ્રેકસૂટ એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ખેલ મહાકુંભથી ગુજરાતને મળ્યા આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ
ખેલ મહાકુંભ પહેલના કારણે ગુજરાતને અનેક પ્રતિભાશાળી એથ્લીટ મળ્યા છે. ડાંગની ‘ગોલ્ડન ગર્લ’ સરિતા ગાયકવાડ એ એશિયન ગેમ્સ 2018માં મહિલા 4×400 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે મુરલી ગાવિત એ 2019ની એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 10,000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું હતું.ગુજરાત સરકાર રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન આપી રાજ્યને સ્પોર્ટ્સ હબ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.