Business

સ્વચ્છતા, હરિયાળી અને સામાજિક એકતાનું જીવંત ઉદાહરણ ગણાતું ભરૂચ જિલ્લાનું ગામ :નંદેલાવ

નંદેલાવની પ્રાથમિક શાળાની ઉત્ક્રાંતિ ગાથા

દેશ આઝાદ થયો તે પહેલાં જ ગામડે-ગામડે અક્ષરનો પ્રકાશ પહોંચાડવાના ઉમદા ઉદ્દેશ સાથે પ્રાથમિક શાળાઓની શરૂઆત થઈ ચૂકી હતી. તે જ ક્રમમાં અંગ્રેજોના જમાનામાં તા.1-8-1939ના રોજ નંદેલાવ ગામે પ્રાથમિક શાળાની સ્થાપના કરવામાં આવી હતી. તે વખતે માત્ર એટલો જ પ્રયાસ હતો કે બાળકોને મૂળાક્ષરોની ઓળખાણ મળી રહે. સમય બદલાયો, દેશમાં લોકશાહી આવી અને ગુજરાત રાજ્ય અલગ થયા બાદ ભૌતિક સુવિધાઓમાં દિન-પ્રતિદિન પ્રગતિ થતી ગઈ. આજે તે જ શાળા હાઈટેક સિસ્ટમથી સજ્જ થઈને બાલવાટિકાથી ધો.8 સુધીનાં બાળકોને આધુનિક શિક્ષણ આપી રહી છે. આ શાળામાં 9 જણાનો સ્ટાફ છે. હાલમાં આ પ્રાથમિક શાળામાં કુલ 189 જેટલાં બાળકો અભ્યાસ કરે છે. શાળાની વિશેષતા એ છે કે અહીં ધોરણ 6થી 8 સુધીમાં ત્રણ સ્માર્ટ ક્લાસ આવેલા છે. વધુમાં, ભરૂચ જિલ્લા પંચાયત અને GNFCના સહયોગથી 2 સ્માર્ટ ટીવી ક્લાસ પણ કાર્યરત છે. આ શાળામાંથી અભ્યાસ કરીને પરમાર અમીષા મહેશભાઈ બી.ફાર્મ સુધીનું શિક્ષણ મેળવ્યું છે, જે શાળાના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે. શાળામાં માત્ર અભ્યાસ પૂરતો જ અટકાવાતો નથી, પરંતુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળો અને ખેલ મહાકુંભ જેવી રાષ્ટ્રીય કક્ષાની પ્રવૃત્તિઓમાં ક્લસ્ટર સ્તર સુધી ભાગ લે છે. અન્ય શાળાકીય પ્રવૃત્તિઓ પણ નિયમિત રીતે કરાવવામાં આવે છે. ગ્રામ પંચાયત એટલી સક્રિય છે કે દર વર્ષે નોટબુક સહિતની સંપૂર્ણ શૈક્ષણિક કિટ

શાળાને આપે છે અને થોડા સમય પહેલાં નંદેલાવ ગ્રામ પંચાયત મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) ખાતે પ્રાથમિક શાળાનાં બાળકોને શૈક્ષણિક પ્રવાસ કરાવ્યો હતો. જ્યાં લોખંડી પુરુષ સરદાર પટેલનો સ્ટેચ્યુ, ડેમ અને જંગલ સફારીની મુસાફરી કરાવી હતી. શાળાનાં મુખ્ય શિક્ષિકા વૈભવીબેન મહેતા જણાવે છે કે, અમારા સ્ટાફની ટીમ અહીં આવતાં બાળકોને શિક્ષણની સાથે સાથે સારું ઘડતર આપવા માટે સતત કામ કરે છે. અમારું સદભાગ્ય છે કે અહીંનાં તમામ બાળકોમાં ‘અમારું ગામ અને અમારી શાળા’ પ્રત્યે ખૂબ જ હકારાત્મક અભિગમ જોવા મળે છે.
ગામનો દીકરો ડો.આદિત્ય પરમાર હવે બનશે MD

નંદેલાવ ગામના આભને અડકતા દીકરા ડો.આદિત્ય અશોકભાઈ પરમાર MBBS પૂર્ણ કરી હવે MD (ડોક્ટર ઓફ મેડિસિન)ની તૈયારી અર્થે આગળનું પગલું ભરશે. જેના માટે વહેલી તકે સરકારી સેવા બોન્ડ પૂર્ણ કરશે. ડો.આદિત્ય પરમારે પ્રાથમિક શિક્ષણ ભરૂચની પ્રતિષ્ઠિત એમએટી સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું, જ્યારે માધ્યમિક શિક્ષણ અમદાવાદની નવકાર સ્કૂલમાંથી લીધું હતું. NEETમાં સારા પોઈન્ટ હાંસલ કરી તેઓ વલસાડની જીમર્સ મેડિકલ કોલેજમાં MBBS માટે પ્રવેશ મેળવી શક્યા. હાલમાં MBBSનો અભ્યાસ પૂર્ણ થતાં જ, સરકારના નિયમ અનુસાર તેઓ બોન્ડ ઓફ સર્વિસ (અનિવાર્ય ગ્રામીણ સેવા) પૂર્ણ કરશે. ત્યાર બાદ સીધી MD માટેની તૈયારી શરૂ કરશે. નંદેલાવ ગામ માટે આ ગૌરવની ક્ષણ છે. કારણ કે, ગામનો દીકરો MBBS ડિગ્રી હાંસલ કરીને MD તરફ આગળ વધી રહ્યો છે. તેમની આ સિદ્ધિએ ગામજનોમાં ખુશીની લહેર ફેલાવી છે. ડો.આદિત્યની સફળતા ગ્રામ્ય વિસ્તારના યુવાનો માટે મિસાલ બની રહેશે.
નંદેલાવની બહેનોની ફાસ્ટ ફૂડથી મસાલા સુધીની સફળતાની કહાની

ગામની ગલીઓમાં આજકાલ એક નવી ઊર્જા છે. હાથમાં કામ, આંખોમાં સપના અને ઘરમાં સન્માન–આ છે નંદેલાવ ગામની સખી મંડળની બહેનોની વાત. GNFC નારદેશના સહયોગથી અહીં મહિલાઓ સ્વાવલંબી બની રહી છે અને બે સખી મંડળો આ ક્રાંતિના કેન્દ્રમાં છે. મહાલક્ષ્મી સખીમંડળની 10 બહેનો હવે ફાસ્ટ ફૂડના વ્યવસાયમાં સક્રિય છે. સવારે પૌઆભાજી, ચા, ભજિયાં અને સમોસા તો બપોરે દાળ-ભાત, શાક અને રોટલીની થાળી વેચે છે. GNFC નારદેશ તરફથી તેમને રો મટિરિયલ્સ (કાચો માલ) નિયમિત મળે છે. હમણા શરૂઆતના તબક્કામાં બહેનોએ કામનો વારો પાડી લીધો છે. આ મંડળનું સંચાલન જ્યોતિબેન રાહુલભાઈ વસાવા કરે છે. મહાકાળી સખીમંડળની 10 બહેનો ગયા દોઢ વર્ષથી મસાલાનું પેકિંગ કરી રહી છે. મરચું, હળદર, ધાણા-જીરું, ગરમ મસાલા, ચા-મસાલા અને બિરયાની મસાલા–બધું જ ઉચ્ચ ગુણવત્તા સાથે તૈયાર થાય છે. આ બહેનો પણ GNFC નારદેશ પાસેથી કાચો માલ મેળવે છે. મનીષાબેન રાજુભાઈ વસાવા આ મંડળના સંચાલનની ચાવી છે. બંને મંડળો પોતાની પ્રોડક્ટ ગામ અને આસપાસના વિસ્તારમાં સસ્તા ભાવે વેચે છે, જેનાથી ગ્રાહકોને પણ ફાયદો થાય છે. ગુણવત્તા અને ભાવે આ બહેનોએ સ્થાનિક બજારમાં પોતાની ઓળખ બનાવી છે. એક વાત સ્પષ્ટ છે. નંદેલાવ ગામ હવે માત્ર એક ભૌગોલિક સીમા નથી, પણ સ્ત્રી સશક્તિકરણનું મોડેલ બની રહ્યું છે.
નંદેલાવ ગામનું ગૌરવ: શિક્ષણ, રમત-સંગીત અને સેવાના ક્ષેત્રે ચમકતી વ્યક્તિઓ

નંદેલાવ ગામ પણ આવા જ કેટલાક અનોખા વ્યક્તિત્વોથી સમૃદ્ધ બન્યું છે, જેમણે શિક્ષણ, સંગીત, રમતગમત અને સેવાભાવી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી ગામનું નામ રોશન કર્યું છે. નંદેલાવની દીકરીએ શિક્ષણના ક્ષેત્રે નવી ઊંચાઈ સ્થાપી છે. ડો.નિશા અલ્પેશભાઈ જાદવે MBBSની સત્તાવાર પદવી હાંસલ કરીને ગામ માટે ગૌરવની ક્ષણ ઊભી કરી છે. તેમની આ સિદ્ધિને ધ્યાનમાં રાખી નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા તેમને લાગણીભર્યા સન્માન સાથે નવાજવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે શિક્ષણ ઉપરાંત રમતગમતમાં પણ આ જ ગામની દીકરીએ નામ કમાયું છે. નંદેલાવના આભને એક વધારે તારો રમતગમતના ક્ષેત્રે ચમક્યો છે. આર્ચી હિતેશ ચાંદીવાલાએ ગત વર્ષે હુતાઈક્વોન્ડો સંસ્થા દ્વારા યોજાયેલી ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને માત્ર પોતાનું જ નહીં, પરંતુ આખા નંદેલાવ ગામનું નામ રોશન કર્યું છે. નંદેલાવના વતની ચીમનભાઈ નરોત્તમભાઈ પરમાર એક એવું નામ છે, જે શિક્ષણ સાથે સંગીત અને સાહિત્યના ક્ષેત્રે પણ પ્રતિભાનો ડંકો વગાડે છે. તેઓ સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરવાની અનોખી કુનેહ ધરાવે છે. તેમની કલા અને સેવાભાવી વૃત્તિ માટે ગામજનો તેમને હંમેશાં યાદ કરે છે. નંદેલાવના 51-વર્ષીય ભીખાભાઈ મંગુભાઈ આહીર કાર્ટિંગ (માલસામાનની હેરફેર) વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમની દિનચર્યા વ્યસ્ત હોવા છતાં, ગામ માટે કોઈપણ કામ હોય ત્યારે તેઓ સૌથી તત્પર રહે છે. તળાવ સાફ કરવાના કામમાં તેમનો ઉલ્લેખનીય ફાળો રહ્યો છે. સ્વચ્છતા અને જળસંચયની તેમની ભાવના સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે. આમ, નંદેલાવ ગામે સાબિત કર્યું છે કે અહીંની માટીમાં મમતા, શિક્ષણ, કલા, રમતભૂમિ અને સેવાના અનોખા ગુણો સમાયેલા છે.
નંદેલાવની બહેનોની ફાસ્ટ ફૂડથી મસાલા સુધીની સફળતાની કહાની
ગામની ગલીઓમાં આજકાલ એક નવી ઊર્જા છે. હાથમાં કામ, આંખોમાં સપના અને ઘરમાં સન્માન–આ છે નંદેલાવ ગામની સખી મંડળની બહેનોની વાત. GNFC નારદેશના સહયોગથી અહીં મહિલાઓ સ્વાવલંબી બની રહી છે અને બે સખી મંડળો આ ક્રાંતિના કેન્દ્રમાં છે. મહાલક્ષ્મી સખીમંડળની 10 બહેનો હવે ફાસ્ટ ફૂડના વ્યવસાયમાં સક્રિય છે. સવારે પૌઆભાજી, ચા, ભજિયાં અને સમોસા તો બપોરે દાળ-ભાત, શાક અને રોટલીની થાળી વેચે છે. GNFC નારદેશ તરફથી તેમને રો મટિરિયલ્સ (કાચો માલ) નિયમિત મળે છે. હમણા શરૂઆતના તબક્કામાં બહેનોએ કામનો વારો પાડી લીધો છે. આ મંડળનું સંચાલન જ્યોતિબેન રાહુલભાઈ વસાવા કરે છે. મહાકાળી સખીમંડળની 10 બહેનો ગયા દોઢ વર્ષથી મસાલાનું પેકિંગ કરી રહી છે. મરચું, હળદર, ધાણા-જીરું, ગરમ મસાલા, ચા-મસાલા અને બિરયાની મસાલા–બધું જ ઉચ્ચ ગુણવત્તા સાથે તૈયાર થાય છે. આ બહેનો પણ GNFC નારદેશ પાસેથી કાચો માલ મેળવે છે. મનીષાબેન રાજુભાઈ વસાવા આ મંડળના સંચાલનની ચાવી છે. બંને મંડળો પોતાની પ્રોડક્ટ ગામ અને આસપાસના વિસ્તારમાં સસ્તા ભાવે વેચે છે, જેનાથી ગ્રાહકોને પણ ફાયદો થાય છે. ગુણવત્તા અને ભાવે આ બહેનોએ સ્થાનિક બજારમાં પોતાની ઓળખ બનાવી છે. એક વાત સ્પષ્ટ છે. નંદેલાવ ગામ હવે માત્ર એક ભૌગોલિક સીમા નથી, પણ સ્ત્રી સશક્તિકરણનું મોડેલ બની રહ્યું છે.

Most Popular

To Top