World

એમેઝોનમાં 30,000 કર્મચારીઓની છટણી પછી, AIથી નવી તકો ઉભી થતા ફરી કરાઈ 11,000 કર્મચારીઓની ભરતી

ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે દુનિયાભરમાં નોકરીઓના સ્વરૂપમાં મોટો બદલાવ આવી રહ્યો છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગને કારણે મોટી કંપનીઓ પોતાના કામ કરવાની રીત બદલી રહી છે. આવી જ એક મોટી ખબર એમેઝોન કંપની તરફથી સામે આવી છે.એમેઝોને છેલ્લા એક વર્ષ દરમિયાન લગભગ 30,000 કર્મચારીઓની છટણી કરી હતી. આ છટણી બે તબક્કામાં થઈ હતી. પહેલા તબક્કામાં 2025ના અંત સુધીમાં લગભગ 14,000 કર્મચારીઓની નોકરી ગઈ હતી, જ્યારે જાન્યુઆરી 2026માં વધુ 16,000 કર્મચારીઓને કામમાંથી દૂર કરવામાં આવ્યા હતા. આને ટેક ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી છટણીમાંની એક માનવામાં આવે છે. પરંતુ હવે કંપનીએ નવી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. એમેઝોન હવે આશરે 11,000 નવા કર્મચારીઓની ભરતી કરવાની તૈયારીમાં છે. આથી ઘણા લોકોમાં પ્રશ્ન ઉભો થયો છે કે એક તરફ છટણી અને બીજી તરફ ભરતી કેમ?

આનો જવાબ છે AI. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે હવે તેઓ ખાસ કરીને AI અને ટેકનોલોજી સાથે જોડાયેલા ક્ષેત્રોમાં ભરતી કરશે. જેમાં સોફ્ટવેર એન્જિનિયર્સ, ટેક નિષ્ણાતો અને ઇન્ટર્ન્સનો સમાવેશ થાય છે. નિષ્ણાતો કહે છે કે AI નોકરીઓ ખતમ નથી કરતું, પરંતુ નોકરીઓનું સ્વરૂપ બદલી રહ્યું છે. જે કામ પહેલા માણસો કરતા હતા તે હવે AI દ્વારા થઈ શકે છે, તેથી કેટલીક નોકરીઓની જરૂરિયાત ઘટી રહી છે. પરંતુ બીજી તરફ નવી ટેકનોલોજી આધારિત નોકરીઓ ઊભી થઈ રહી છે, જેમાં વધુ સ્કિલ અને ટેક્નિકલ જ્ઞાન જરૂરી છે. એમેઝોન હવે પોતાના આંતરિક કામોમાં પણ AIનો વધુ ઉપયોગ કરી રહ્યું છે. ખાસ કરીને ભરતી પ્રક્રિયામાં AIનો ઉપયોગ વધારવામાં આવ્યો છે, જેથી યોગ્ય ઉમેદવારને ઝડપથી પસંદ કરી શકાય. સાથે જ ઘણી રૂટીન કામગીરી, જેમ કે ડેટા પ્રોસેસિંગ અને કસ્ટમર સપોર્ટના કેટલાક ભાગોમાં પણ AIનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ સમગ્ર પ્રક્રિયાને નિષ્ણાતો ટ્રાન્ઝિશન ફેઝ તરીકે જોવે છે. એટલે કે, એક સમય એવો છે જ્યાં જૂની નોકરીઓ ઘટી રહી છે અને નવી પ્રકારની નોકરીઓની તકો ઉભી થઈ રહી છે. આ બદલાવને સ્વીકારવો અને નવા સ્કિલ્સ શીખવા એ સમયની માંગ બની ગઈ છે. આથી એ વાત તો સ્પષ્ટ છે કે ભવિષ્યમાં ટેકનોલોજી અને AI સાથે જોડાયેલા ક્ષેત્રોમાં વધુ તકો મળશે. જે લોકો નવી સ્કિલ્સ શીખશે અને પોતાને અપડેટ રાખશે, તેમના માટે રોજગારના નવા દરવાજા ખુલશે. એમેઝોનનો આ નિર્ણય માત્ર એક કંપનીનો બદલાવ નથી, પરંતુ આખી ટેક ઈન્ડસ્ટ્રીમાં આવી રહેલા મોટા પરિવર્તનનું પ્રતિબિંબ છે.

Most Popular

To Top