Gujarat

1 મે કેમ ખાસ છે? ગુજરાત અને મહારાષ્ટ્રના જન્મની રસપ્રદ કહાની, સંઘર્ષ, બલિદાન અને ગૌરવની સફર

ક્યારેય તમારા મનમાં પ્રશ્ન આવ્યો છે કે કેમ 1 મેના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ ઉજવવામાં આવે છે? આ દિવસ પાછળનો ઇતિહાસ શું છે? ચાલો સરળ શબ્દોમાં સમજીએ. દર વર્ષે 1 મેનો દિવસ ગુજરાત માટે ગૌરવનો દિવસ છે. આ જ દિવસે 1960માં ગુજરાત રાજ્યની સત્તાવાર રચના થઈ હતી. તેથી આ દિવસને ગુજરાત સ્થાપના દિવસ અથવા ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાત માત્ર ઉજવણી નથી, પરંતુ ગુજરાતના લોકોના સંઘર્ષ, બલિદાન અને એકતાનું પ્રતીક છે. સ્વતંત્રતા પછી ભારતભરમાં ભાષાના આધારે રાજ્યો બનાવવાની માંગ ઉઠી હતી. તે સમયે બોમ્બે રાજ્યમાં ગુજરાતી અને મરાઠી ભાષા બોલતા લોકો સાથે રહેતા હતા. બંને સમુદાયોની ભાષા, સંસ્કૃતિ અને જીવનશૈલી અલગ હોવાથી તેઓ પોતાનું અલગ રાજ્ય ઇચ્છતા હતા.

ગુજરાતમાં મહાગુજરાત ચળવળ શરૂ થઈ, જ્યારે મહારાષ્ટ્રમાં સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ ચાલી. ગુજરાતમાં આ આંદોલનનું નેતૃત્વ ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. લોકો મોટા પ્રમાણમાં રસ્તા પર ઉતર્યા અને અલગ રાજ્ય માટે લડત આપી. 1956માં અમદાવાદમાં એક મહત્વપૂર્ણ ઘટના બની. વિદ્યાર્થીઓએ અલગ ગુજરાતની માંગ સાથે પ્રદર્શન કર્યું, જેમાં પોલીસ ગોળીબાર થયો અને કેટલાક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો. આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાવ્યો અને આંદોલન વધુ મજબૂત બન્યું.

બીજી તરફ, મહારાષ્ટ્રમાં પણ મરાઠી લોકો પોતાની ઓળખ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. સૌથી મોટો વિવાદ મુંબઈ શહેરને લઈને હતો, કારણ કે બંને પક્ષો તેને પોતાના રાજ્યમાં સામેલ કરવા માંગતા હતા. આખરે સરકારએ મુંબઈને મહારાષ્ટ્રમાં સામેલ કરવાનો નિર્ણય લીધો. આ તમામ પરિસ્થિતિ બાદ ભારત સરકારે બોમ્બે પુનર્ગઠન અધિનિયમ પસાર કર્યો. તેના આધારે 1 મે 1960ના રોજ બોમ્બે રાજ્યનું વિભાજન કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો બનાવવામાં આવ્યા. ગુજરાતની રાજધાની અમદાવાદ રાખવામાં આવી અને જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

ગુજરાતનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન અને સમૃદ્ધ છે. વૈદિક સમયમાં તેને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતું હતું. દ્વારકા, સોમનાથ અને ગિરનાર જેવા ઐતિહાસિક સ્થળો તેની ગૌરવશાળી પરંપરાના સાક્ષી છે. માન્યતા મુજબ ભગવાન કૃષ્ણે દ્વારકામાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. ગુજરાતમાં લોથલ અને ધોળાવીરા જેવા સ્થળોએ સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળ્યા છે, જે દર્શાવે છે કે પ્રાચીન સમયમાં પણ ગુજરાત વેપાર અને સંસ્કૃતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. દરિયાકાંઠા હોવાને કારણે ગુજરાતનો વિદેશો સાથે વેપાર વિકસિત રહ્યો. ઇતિહાસ તરફ ડોકયું કરીએ તો ગુજરાત પર મૌર્ય, ગુપ્ત, રાજપૂત, મરાઠા અને બ્રિટિશ શાસન આવ્યું, પરંતુ તેની સંસ્કૃતિ અને પરંપરા હંમેશા જીવંત રહી. સ્વતંત્રતા પછી દેશના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જેના કારણે વિવિધ રજવાડાઓને એકત્ર કરીને ભારતને મજબૂત બનાવાયું. પછી રાજ્ય પુનર્ગઠન માટે ફઝલ અલી કમિશનની રચના થઈ, જેના અહેવાલના આધારે રાજ્યોની નવી રચના કરવામાં આવી. જોકે શરૂઆતમાં સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નહીં, અને અલગ રાજ્યની માંગ ચાલુ રહી. અંતે 1960માં ગુજરાત અને મહારાષ્ટ્રની રચના થઈ.

આજે 1 મે ગુજરાતમાં ખૂબ ઉત્સાહ સાથે ઉજવાય છે. રાજ્યભરમાં સરકારી કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે નિબંધ, ક્વિઝ અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન થાય છે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે. આ દિવસે રાજ્યમાં અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન થાય છે અને મહાગુજરાત ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ સિવાય વિશ્વભરમાં 1 મેને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર માટે આ દિવસ તેમની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલો છે. આજે ગુજરાત ઉદ્યોગ, વેપાર અને વિકાસના ક્ષેત્રોમાં દેશના અગ્રણીઓમાં ગણાય છે. આ સફળતા રાજ્યના લોકોની મહેનત અને એકતાનું પરિણામ છે. 1 મે ગુજરાતના ઇતિહાસ, સંઘર્ષ અને ગૌરવની યાદ અપાવતો દિવસ છે. આ દિવસ દરેક ગુજરાતી માટે ગર્વની લાગણી ઉભી કરે છે અને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે. તો બોલો જય જય ગરવી ગુજરાત…

Most Popular

To Top