Kalol

અલાલી ગામે ડીજે ટ્રેક્ટર ખસેડવા કહેતા હુમલો: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ

ઓટલા પર મુકેલા ટ્રેક્ટરને લઈ ઉશ્કેરાટ બાદ મારામારી
ઇજાગ્રસ્તને ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

કાલોલ |
અલાલી ગામ ખાતે ઓટલા પર મુકેલા ડીજે વાળા ટ્રેક્ટરને સાઇડમાં ખસેડવા કહેતા થયેલી બોલાચાલી બાદ હુમલાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો છે.
ફરિયાદી વિક્રમભાઈ દલપતભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મંગળવારે સાંજે તેઓ પોતાના ઘરે આવ્યા ત્યારે તેમના ઘરના ઓટલા પર તેમના કૌટુંબિક ભત્રીજા અક્ષયકુમાર મહેન્દ્રસિંહ ચૌહાણનું ડીજે વાળું ટ્રેક્ટર મુકાયેલું હતું. ટ્રેક્ટર સાઇડમાં લેવા કહેતા અક્ષયકુમાર ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદીના વાડામાં આવી પાછળથી પકડી પાડી માથાના વાળ પકડી ગડદા-પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ લોખંડની નરાશથી ડાબા હાથમાં ઇજા પહોંચાડી હતી.
બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવતા અક્ષયકુમાર સ્થળ પરથી ભાગી ગયો હતો. ત્યારબાદ ફરિયાદીના ભાઈ નરેશભાઈના ઘરે જઈ ફરી ઝઘડો કરીને ગાળો બોલી ધર્મવીર ઉર્ફે ચેમાભાઈ શનાભાઈ પરમાર, જયાબેન સુનિલભાઈ ચૌહાણ અને જીગુબેન અક્ષયકુમાર ચૌહાણ સાથે મળી ગડદા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
આ હુમલામાં ઇજાગ્રસ્ત નરેશભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે વેજલપુર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top