બારોટ અને પટેલ સમાજના યુવકોને ખોટા કેસમાં ફસાવવાનો આક્ષેપ
તટસ્થ તપાસ નહીં થાય તો ડભોઈ બંધ અને ગાંધીનગર કૂચની ચીમકી
વડોદરા | તા. 1 મે
ડભોઈ ખાતે ઉમેદવારી ફોર્મ ખેંચવાની પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી ઘટના હવે જ્ઞાતિવાદ અને કાયદાકીય વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. બારોટ અને પટેલ સમાજના યુવકો સામે નોંધાયેલી એટ્રોસિટી ફરિયાદને ‘પૂર્વનિયોજિત કાવતરું’ ગણાવી સર્વ સમાજના મોટી સંખ્યામાં લોકો વડોદરા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ 13 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ખેંચવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ બે દિવસ બાદ એટલે કે 15 એપ્રિલે તેને ગંભીર એટ્રોસિટી ગુનામાં ફેરવી દેવામાં આવ્યો હતો. સમાજ અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે રાજકીય દબાણ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ ઘટનાના દિવસે સ્થળ પર હાજર જ નહોતી. તેમ છતાં સુધીરભાઈ બારોટ, રાકેશ પટેલ, અંકિત બારોટ, અક્ષય બારોટ અને અજય બારોટ જેવા યુવકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
સર્વ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ કાયદાનું સન્માન કરે છે, પરંતુ કાયદાનો દુરુપયોગ સહન કરવામાં નહીં આવે. જો સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન જેવી ટેકનિકલ તપાસ દ્વારા સત્ય બહાર નહીં આવે તો ડભોઈ બંધ રાખવાની સાથે જરૂર પડ્યે ગાંધીનગર સુધી કૂચ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
વડોદરા જિલ્લા પોલીસ વડાએ આવેદનપત્ર સ્વીકારી તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસ કોઈપણ દબાણમાં આવ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરશે.
હાલ ડભોઈમાં આ મુદ્દે સોશિયલ મીડિયા અને જનચર્ચાઓમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને નિર્દોષ યુવકોને ન્યાય મળે તેવી માંગ ઉગ્ર બની રહી છે.