ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં ગુજરાત પોલીસ ની ભવ્ય ‘મશાલ પી.ટી. ટોર્ચ લાઈટ ડ્રિલ’, જવાનોના સાહસિક કરતબોથી સુરતવાસીઓ મંત્રમુગ્ધ
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના પાવન અવસરે સુરત શહેરમાં યોજાયેલી ગુજરાત ગૌરવ દિન–2026ની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય મશાલ પી.ટી. (ટોર્ચ લાઈટ ડ્રિલ)નું આકર્ષક આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોના શૌર્ય, શિસ્ત, એકાગ્રતા અને શારીરિક સજ્જતાના અદ્ભુત પ્રદર્શનથી સમગ્ર કાર્યક્રમ સ્થળ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો અને સુરતવાસીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.
કાર્યક્રમની શરૂઆત ગુજરાત પોલીસ બેન્ડના સુમધુર અને જોશભર્યા સૂરો સાથે થઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી પોલીસ જવાનોના પ્રેરણાદાયી કરતબો નિહાળી તેમને ઉત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી, રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર વાબાંગ જમીર, જેસીપી (ક્રાઈમ) કરણરાજ વાઘેલા, ટ્રાફિક જેસીપી સજ્જનસિંહ, તેમજ સેક્ટર–1 અને સેક્ટર–2ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, સંદીપ દેસાઈ, સંગીતાબેન પાટીલ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનોએ કાર્યક્રમનો ઉત્સાહભેર આનંદ માણ્યો હતો.
ચેતક કમાન્ડોના ‘બસ હાઈજેક’ ડેમોએ આકર્ષણનું કેન્દ્ર બન્યું
કાર્યક્રમ દરમિયાન ચેતક કમાન્ડો દળ દ્વારા રજૂ કરાયેલ ‘બસ હાઈજેક’ ડેમો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ ડેમોમાં આતંકવાદી પરિસ્થિતિ સામે પોલીસ દળ કેવી રીતે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરે છે તેનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના કારણે ઉપસ્થિત નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો.
ત્યારબાદ અમદાવાદ જીપકા ટ્રેનિંગ સેન્ટરના 300થી વધુ પોલીસ જવાનોએ હાથમાં સળગતી મશાલ સાથે અદ્ભુત મશાલ પી.ટી. રજૂ કરી હતી. અંધકારમય વાતાવરણમાં મશાલોના પ્રકાશ સાથે જવાનોએ ‘નો ડ્રગ્સ’, ‘જય તાપી’, ‘ગુજરાત પોલીસ’ અને ‘જય હિંદ’ જેવી આકૃતિઓ અને રચનાઓ સર્જી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મશાલ સાથે ગરબાના તાલે રજૂ કરાયેલ તાલબદ્ધ પ્રદર્શન સુરતવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યું હતું.
આ ઉપરાંત સુરત પોલીસના 17 અશ્વસવાર જવાનોએ અશ્વદળની દોડ તથા વિવિધ સાહસિક કરતબો રજૂ કરી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. પોલીસ દળની શિસ્તબદ્ધતા, સાહસ અને કૌશલ્યને નગરજનોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા ગુજરાત પોલીસની સજ્જતા, કાર્યક્ષમતા, જનસુરક્ષાપ્રત્યેની પ્રતિબદ્ધતા અને દેશભક્તિના ઉત્તમ દર્શન થયા હતા, જે સુરત શહેર માટે ગૌરવની લાગણી સર્જનાર સાબિત થયો હતો.