નાસિકમાં આવેલી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ઓફિસમાં ચાલી રહેલા વિવાદમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તાજેતરમાં એક બીજી મહિલા કર્મચારીએ આગળ આવીને પોતાના સાથે થયેલા દુર્વ્યવહાર અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના સહકાર્યકરો દ્વારા તેની સાથે જાતીય સતામણી અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. પીડિતા 24 જૂન 2025થી નાસિકના અશોક માર્ગ પર આવેલી TCS બ્રાંચમાં કામ કરી રહી છે. તે મૂળ માલેગાંવની છે અને નાસિકમાં ભાડાના મકાનમાં રહે છે. તે ODC-2 વિભાગમાં ટેલિ કોલિંગનું કામ કરતી હતી, જ્યાં તે બેંકના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ અને લોન સંબંધિત માહિતી આપતી હતી.
પીડિતાના જણાવ્યા મુજબ, જાન્યુઆરી 2026થી તેની સાથે હેરાનગતિ શરૂ થઈ. એક દિવસ તેના સહકર્મચારી શાહરૂખ કુરેશીએ તેને પોતાના ડેસ્ક પર બોલાવી અને કામ સંબંધિત વાત કરવાની જગ્યાએ તેના અંગત જીવન વિશે પ્રશ્નો પૂછવા લાગ્યો. તેણે ‘શું તમારો બોયફ્રેન્ડ છે?’ અને ‘તમારો એક્સ બોયફ્રેન્ડ હતો?’ જેવા અશ્લીલ અને અંગત પ્રશ્નો પૂછ્યા, જેના કારણે પીડિતા અસ્વસ્થ થઈ ગઈ. આ પછી થોડા દિવસોમાં, રઝા મેમણ અને શાહરૂખ કુરેશીએ મળીને તેને ફરીથી તેમના ડેસ્ક પર બોલાવી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે રઝા મેમણે તેના શરીર વિશે અયોગ્ય ટિપ્પણીઓ કરી. તેણે કહ્યું કે ‘તું ખૂબ પાતળી છે, જીમમાં જઈશ તો વધારે સારી દેખાશે.’ સાથે સાથે તેણે તેના સંબંધો વિશે પણ અયોગ્ય પ્રશ્નો પૂછ્યા અને અન્ય સહકર્મચારીઓ સાથે જોડીને અપમાનજનક ટિપ્પણીઓ કરી.
19 માર્ચ 2026ના રોજ ગુડી પડવાના દિવસે બનેલી ઘટના પણ પીડિતાએ નોંધાવી છે. તે દિવસે પીડિતાએ નવો ડ્રેસ પહેર્યો હતો. રઝા મેમણે તેને ઘણી વાર પોતાના ડેસ્ક પર બોલાવી. શરૂઆતમાં તેણે અવગણના કરી, પરંતુ બધાની સામે ઈશારો કરતાં તેને જવું પડ્યું. ત્યાં રઝાએ તેને ધાર્મિક અને વ્યક્તિગત પ્રશ્નો પૂછ્યા, જેમ કે ‘તમે પ્રાર્થના નથી કરતા? ફક્ત સારા કપડા પહેરીને ઓફિસ આવો છો?’ આ પ્રકારની વાતો અને નજરના કારણે પીડિતા ખૂબ અપમાનિત અનુભવી. ફરિયાદમાં એવું પણ જણાવાયું છે કે શાહરૂખ કુરેશી સતત તેની ઉપર નજર રાખતો હતો અને તેના દૈનિક જીવન વિશે પૂછપરછ કરતો હતો. તે ઘણી વાર તેને બહાર જવા માટે દબાણ કરતો, અને ના પાડવા છતાં તેની પાછળ પડતો. આ બધાના કારણે પીડિતાને ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો. પીડિતાએ જણાવ્યું કે તે કંપનીમાં ફરિયાદ કરવા માંગતી હતી, પરંતુ તે ડરી ગઈ હતી કારણ કે આરોપીઓ ઓફિસમાં પ્રભાવશાળી હતા. તેને લાગતું હતું કે તેની વાત કોઈ સાંભળશે નહીં. આખરે, જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 સુધી ચાલેલી હેરાનગતિ બાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. હવે પીડિતાએ આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને આગળ વધુ ખુલાસા થવાની શક્યતા છે.