Business

ગુજરાત પોલીસની સાયબર સ્ટ્રાઈક : ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ હેઠળ ₹૬૨૨ કરોડના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ, ૪૦ આરોપીઓ ઝડપાયા

ગાંધીનગર

ગુજરાતમાં સાયબર ગુનાખોરીને જડમૂળથી ઉખેડવા માટે સી.આઈ.ડી. ક્રાઈમની ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ (CCOE) ટીમ દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ માં મોટી સફળતા મળી છે. છેલ્લા એક મહિનાની કામગીરીમાં પોલીસે સમગ્ર દેશમાં ફેલાયેલા ₹૬૨૨ કરોડ ના સાયબર ફ્રોડ નેટવર્કને શોધી કાઢી કુલ ૪૦ આરોપીઓની ધરપકડ કરી છે.આ આરોપીઓ પેઢીઓના નામે મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરતા હતા. ત્યારબાદ આ રકમ રોકડમાં ફેરવી આંગડિયા મારફતે હવાલા દ્વારા અન્ય સ્થળે મોકલવામાં આવતી હતી. આરોપીઓ કમિશનના લાલચમાં આવી પોતાની ઓળખ છુપાવીને ગેરકાયદેસર રીતે આ નેટવર્ક ચલાવતા હતા.રાજકોટમાંથી સાયબર પોલીસ ટીમ દ્વારા 40 લાખ રોકડા જપ્ત કરી લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” હેઠળ વધુ કડક પગલાં લેવામાં આવશે અને સાયબર માફિયાઓ સામે સખ્ત કાર્યવાહી ચાલુ રહેશે.

ઓપરેશનની હાઈલાઈટ્સ:

  • ​ કુલ પકડાયેલ આરોપીઓ: ૪૦
  • ​ કુલ ફ્રોડની રકમ: ₹૬૨૨ કરોડ
  • ​ નોંધાયેલ ફરિયાદો: ૧૦૩૯ (સમગ્ર દેશમાં)
    તાજેતરની સફળતા: છેલ્લા બે અઠવાડિયામાં ઊંઝા, ભાવનગર, રાજકોટ અને સુરત ખાતેથી ૦૮ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
    ૧. સુરત અને ભાવનગર: ₹૧૭૪ કરોડનું નેટવર્ક
    સુરત અને ભાવનગર ખાતેથી પોલીસે મુકેશ મેર અને ફરદિનખાન પઠાણ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ૪ મોબાઈલ, ૧ લેપટોપ અને ૧૨૫ પેઢીઓની વિગતો મળી આવી છે.
  • કૌભાંડ: આરોપીઓના ડિવાઈસમાંથી ૮૬૮ બનાવટી ઇનવોઈસ અને ૬૫ વ્યક્તિઓના આઈડી મળી આવ્યા છે.
  • ફરિયાદો: NCCRP પોર્ટલ મુજબ આ નેટવર્ક સામે દેશભરમાં ૧૮૧ અરજીઓ અને ૮૧ FIR નોંધાયેલ છે.
    ૨. ઊંઝા: મલ્ટિપલ બેંક એકાઉન્ટ્સ દ્વારા ₹૧૧૪ કરોડનું ફ્રોડ
    ઊંઝા ખાતેથી અક્ષય પટેલ અને દેવેન્દ્ર પટેલ નામના આરોપીઓ ઝડપાયા છે.
  • મોડસ ઓપરેન્ડી: અક્ષય પટેલ પોતાની પેઢીના નામે અનેક બેંક ખાતાઓ ખોલાવી ફ્રોડના નાણાં ઉપાડતો હતો, જ્યારે દેવેન્દ્ર પટેલ કમિશનના લાલચે મિત્રોના ખાતા ખોલાવતો હતો.
  • ફરિયાદો: સમગ્ર દેશમાં ૧૨૫ ફરિયાદો નોંધાઈ છે.
    ૩. રાજકોટ: ‘મિડિયેટર્સ’ પર તવાઈ
    રાજકોટ ખાતેથી ચેતન અમલાણી, જતીન કક્કડ, કપિલ કોટક અને મહેન્દ્ર કોકિયા નામના ૪ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી ૨૬ સાયબર ફ્રોડની અરજીઓ મળી આવી છે જેમાં ₹૬૦ લાખથી વધુની ઠગાઈ સામે આવી છે.રાજકોટમાં એક ખાનગી બેન્કના મેનેજરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.રાજકોટમાંથી 40 લાખ રોકડા જપ્ત કરી લેવામાં આવ્યા છે. આ બેન્ક મેનેજર બેન્કના ગ્રાહકોને મોટી રકમ વીથ્રો કરવા કરવા માટે મંજૂરી આપવાની આનાકાની કરી હતી. જયારે મોટી રકમ સાયબર માફિયાઓને ઉપાડવાની મંજૂરી આપી હતી.
    મોડસ ઓપરેન્ડી: કેવી રીતે આચરતા ગુનો ?
    આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં છે તેવું જાણતા હોવા છતાં, આર્થિક લાભ મેળવવા માટે પોતાની ઓળખ છુપાવીને નીચે મુજબના ગુના આચરતા હતા:
  • ​ કમિશન એજન્ટ્સ: અન્ય લોકોના નામે કમિશન આપીને બેંક ખાતાઓ મેળવવા.
  • ​ નકલી પેઢીઓ: બોગસ પેઢીના નામે મ્યુલ એકાઉન્ટ્સ (વાહક ખાતા) ખોલાવવા.
  • ​ નાણાંની હેરફેર: ફ્રોડના નાણાં ખાતામાં મેળવી તેનું રોકડમાં રૂપાંતર કરી આંગડિયા મારફતે સગેવગે કરવા.
  • ​ પ્રકાર: ઓનલાઈન ફાઈનાન્શિયલ ફ્રોડ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, યુપીઆઈ અને ડીમેટ સંબંધિત ઠગાઈ.

ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન
આ સફળ કામગીરી પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ (DGP, CID Crime), એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજયકુમાર કેશવાલા તથા વિવેક ભેડાના સીધા સુપરવિઝન હેઠળ CCOE ટીમ દ્વારા કરવામાં આવી છે.સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના સીનીયર પોલીસ અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કમિશનની લાલચે પોતાના બેંક ખાતા અન્ય કોઈને ઓપરેટ કરવા ન આપવા, કારણ કે આવા ખાતા ધારકો (મ્યુલ) પણ કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ શકે છે.

Most Popular

To Top