Vadodara

વેકેશનગાળા દરમિયાન ટ્રાવેલ બુકિંગમાં 50 ટકાનો મોટો ઘટાડો

અમેરિકા-ઈરાન યુદ્ધ તણાવની અસરથી પ્રવાસ અંગે લોકો મૂંઝવણમાં

ટ્રાવેલ સેક્ટરમાં અસમંજસની સ્થિતિ,એક મહિનાને બદલે હવે માત્ર 10 દિવસ અગાઉ જ બુકિંગનો ટ્રેન્ડ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.22

દર વર્ષે લોકો ઉનાળાના વેકેશનની આતુરતાથી રાહ જુએ છે. સ્કૂલ કોલેજની રજાઓ પડતાં જ હજારો પરિવારો દેશ-વિદેશના પર્યટન સ્થળોએ રવાના થાય છે. ખાસ કરીને એપ્રિલ અને મે મહિનામાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી માટે સોનાનો સમય ગણાય છે. પરંતુ આ વર્ષે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.

વૈશ્વિક સ્તરે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ, ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી ચાલતા યુદ્ધના પ્રત્યાઘાત હવે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે. ઉદ્યોગ, વેપાર, ટ્રાન્સપોર્ટ સહિતના અનેક ક્ષેત્રો સાથે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પણ ગંભીર અસર હેઠળ આવી ગઈ છે. અગાઉ લોકો એક મહિના પૂર્વે જ એડવાન્સ બુકિંગ કરી લેતા, પરંતુ હાલની પરિસ્થિતિમાં તેઓ છેલ્લી ઘડીએ નિર્ણય લેવાનું પસંદ કરી રહ્યા છે. દર વર્ષે એપ્રિલ મહિનામાં શાળાઓની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વેકેશન શરૂ થાય છે અને પર્યટન સ્થળોએ ભારે ભીડ જોવા મળે છે. ટિકિટ અને હોટેલ્સની અછત સર્જાતી હોવાથી લોકો પહેલેથી જ બુકિંગ કરી લેતા હતા. પરંતુ, આ વર્ષે લોકો ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ બંને પ્રકારના પ્રવાસ ટાળી રહ્યા છે. યુદ્ધને કારણે જો કોઈ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો વિદેશમાંથી પરત ફરવું મુશ્કેલ બની શકે છે તેવી ભીતિ પણ લોકોમાં છે. સાથે જ જો યુદ્ધ વધુ વિકરાળ બનશે તો ખર્ચમાં વધારો થવાની શક્યતા પણ છે. આ ઉપરાંત ગેસ પુરવઠામાં ખલેલ પહોંચતા અનેક ઉદ્યોગો પર તેની અસર પડી છે. હોટેલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય પણ મંદી તરફ ધકેલાઈ રહ્યા છે. કેટલાક સ્થળોએ તો બંધ થવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી ગયો છે, જેના સીધા પ્રભાવ તરીકે ફ્લાઇટ ટિકિટ અને હોટેલ ભાડામાં વધારો થયો છે. પરિણામે ટૂર પેકેજ મોંઘા બન્યા છે, અને લોકો હવે ખર્ચ કરતા પહેલા વધુ વિચારતા થયા છે. જે શાહી કેસરિયા જણાવે છે કે, યુદ્ધ પહેલા જ્યાં લોકો એક મહિના અગાઉ બુકિંગ કરતા હતા, હવે તેઓ માત્ર 10 દિવસ પહેલા જ બુકિંગ કરી રહ્યા છે. વેઇટ એન્ડ વોચ નીતિ અપનાવીને લોકો પરિસ્થિતિ સ્પષ્ટ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પ્રવાસ કરવાની ઇચ્છા હોવા છતાં ભય અને અનિશ્ચિતતા તેમને અટકાવી રહી છે.

કોરોના મહામારી બાદની આ સૌથી નબળી સીઝન ગણાય :

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે માત્ર 50 ટકા જેટલું જ બુકિંગ થયું છે. લોકોમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ હોવાને કારણે તેઓ મુસાફરીના પ્લાન બનાવવામાં સંકોચ અનુભવી રહ્યા છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ ટૂર માટેની માંગમાં ભારે ઘટાડો નોંધાયો છે. ડોમેસ્ટિક ટૂર માટે આશરે 50 ટકા બુકિંગ થયું છે. જ્યારે ઇન્ટરનેશનલ માટે માત્ર 25 ટકા જ બુકિંગ નોંધાયું છે. કોરોના મહામારી બાદની આ સૌથી નબળી સીઝન ગણાય છે. યુદ્ધની સ્થિતિ અને મોંઘવારીના કારણે લોકો રિસ્ક લેવા તૈયાર નથી. અમે આશા રાખીએ છીએ કે પરિસ્થિતિ જલ્દી થાળે પડે. : ચિરાગભાઈ પટેલ,ટુર્સ એન્ડ ટ્રાવેલર્સ એસોસિએશન

Most Popular

To Top