અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. બીજી બાજુ નેતાઓ નિવેદનબાજી અને ભાષણોમાં બેફામ ઉચ્ચારણો કરી રહ્યાં છે. તેવા ગઈકાલેના આણંદના ભાજપના સાંસદના નિવદેન અંગે પ્રદેશ કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર કડક પ્રહાર કરતા જણાવ્યું હતુ કે ગ્રાન્ટના પૈસા કોઈના વ્યક્તિગત નથી, પરંતુ લોકોના પરસેવાના ટેક્સમાંથી આવે છે અને તે પ્રજાના હિત માટે જ વપરાવા જોઈએ.
આણંદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં, ભારતીય જનતા પાર્ટીના એક સાંસદે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં “જો કોંગ્રેસની એક પણ સીટ આવશે તો ગ્રાન્ટ નહીં આપીએ” જેવી ધમકી ભરેલી ભાષા વાપરતા વિવાદ સર્જાયો છે. અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતુ કે ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સત્તાના નશામાં અહંકારી બની ગયા છે અને મતદારોને ડરાવી-ધમકાવીને મત માંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મત નહીં તો વિકાસ નહીં જેવી વાતો લોકશાહી માટે ખતરનાક છે. ગ્રાન્ટના પૈસા કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતા, તે લોકોના પરસેવાના કમાણીના ટેક્સના પૈસા છે. સરકારને મળતા નાણાં લોકો દ્વારા ચૂકવાયેલા ટેક્સમાંથી આવે છે, જેના આધારે બજેટ તૈયાર થાય છે અને ત્યારબાદ વિકાસકાર્યો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આવા નાણાંને લઈને રાજકીય ભેદભાવ રાખવો યોગ્ય નથી.
તેમણે કહ્યું કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ અને વિકાસ કાર્યો કરવું સરકારની ફરજ છે, કોઈ દાન કે ઉપકાર નહીં. નાગરિકો હવે બધું સમજતા થઈ ગયા છે અને મતદારો યોગ્ય સમયે યોગ્ય જવાબ આપશે.