Columns

અભિપ્રાય અને વિચારધારા

વ્યક્તિગત અભિપ્રાયને વિચારધારા તરીકે સ્થાપિત કરવાનો સમાજમાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. અભિપ્રાય અને વિચારધારા વચ્ચેનો જે સ્પષ્ટ ભેદ છે તે સમજ્યા વગર કોઈ ચોક્કસ પ્રયોજન હેઠળ આ પ્રકારનો પ્રયત્ન થતો હોય તેમ જણાય છે. વ્યક્તિગત અભિપ્રાયને તો ‘વ્યક્તિગત અભિપ્રાય’ તરીકે નજરઅંદાજ કરી પણ શકાય પરંતુ જ્યારે તેને વિચારધારાનું નામ આપવામાં આવે ત્યારે કોઈ પણ વ્યક્તિ તેને વધુ ‘ગંભીરતા’થી લેવા પ્રેરાય. સમાજ માટે આ એક જોખમી પરિસ્થિતિ છે. ઉદાહરણ તરીકે એમ કહી શકાય કે વ્યક્તિ એ સમાજ નથી, એક વૃક્ષ એ જંગલ નથી, એક છોડ એ બગીચો નથી, એક ફૂલ એ વેણી નથી તેમ વ્યક્તિગત અભિપ્રાય એ વિચારધારા નથી.    


સામાન્ય રીતે એમ કહી શકાય અભિપ્રાય એટલે કોઈ વ્યક્તિ કે વ્યક્તિ-સમૂહ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ મંતવ્ય, વિચાર, માન્યતા કે તેમની દ્રષ્ટિનું સત્ય. અભિપ્રાય એ વ્યક્તિનું કોઈ વિષય, ઘટના, વિચાર અથવા વ્યક્તિ વિશેનું વ્યક્તિગત મૂલ્યાંકન અને તે માટે પ્રસ્તુત કરાયેલ મત છે. સરળ શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે આ ‘વ્યક્તિ-લક્ષી’ અંગત બાબત છે, જેને સંપૂર્ણ સમાજ સાથે સાંકળવાની કોઈ સંભાવના પણ નથી હોતી અને જરૂરિયાત પણ નથી હોતી. 
વ્યક્તિના જીવનનાં અનુભવો, જે તે વિષયની સર્વસ્વીકૃત જાણકારી, બૌદ્ધિક પ્રક્રિયાને અંતે સ્થાપિત થતી સમજ, ઉછેરમાં સિંચાયેલાં મૂલ્ય અને સંસ્કાર, વ્યક્તિનો જેતે સામાજિક, ધાર્મિક તેમ જ રાજકીય વિચારધારામાં વિશ્વાસ તેમ જ વિવિધ મીડિયાના પ્રભાવને આધારે વ્યક્તિનો અભિપ્રાય બંધાતો હોય છે. આ સાથે પરિવાર, મિત્રો, શિક્ષકો, વડીલો અને કેટલાક બુદ્ધિજીવીઓનો અભિપ્રાય પણ વ્યક્તિના અભિપ્રાયને નિર્ધારિત કરી શકે. વ્યક્તિનું વાંચન, તેનાં ચિંતન અને મનનને અસર કરી શકે તેથી તેની અસર અભિપ્રાય પર પણ થઈ શકે. જો પોતાના અભિપ્રાય માટે વિશ્વાસ હોય તો વ્યક્તિનો આત્મવિશ્વાસ દ્રઢ બની શકે. એ સ્વીકારવું પડે કે અભિપ્રાયની આવશ્યકતા છે, લોકશાહીમાં તો ખાસ પરંતુ દર વખતે અભિપ્રાય આપવો જરૂરી નથી હોતો.   
વિચારધારા એ ઘણા માનવીનાં વિચારો, મૂલ્યો, માન્યતાઓ, સિદ્ધાંતો કંઈક અંશે શ્રદ્ધાને આધારિત પણ ઘટના છે. અભિપ્રાય એક વ્યક્તિના જીવનને પ્રભાવિત કરી શકે જ્યારે વિચારધારા વ્યક્તિ-સમૂહના, સમાજના નિર્ણય અને જીવનશૈલીને પ્રભાવિત કરવા સમર્થ હોય છે. એક રીતે જોતાં એમ કહી શકાય કે વિચારધારા એ જોવાની, સમજવાની, જીવનમાં ઉતારવાની અને તે પ્રમાણે જીવી લેવાની એક સામૂહિક માનસિકતા છે. વિચારધારા  એક વિસ્તૃત વ્યક્તિ-સમૂહના અભિપ્રાયને પ્રભાવિત કરી શકે. સમાજનાં વૈચારિક ઘડતર માટે તે અગત્યની ભૂમિકા સમાન છે તેમ કહી શકાય. પ્રવર્તમાન સામાજિક, રાજકીય, કલાલક્ષી, ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ આર્થિક પરિસ્થિતિ પાછળ કોઈને કોઈ સૈદ્ધાંતિક વિચારધારા કાર્યરત  હોય છે. વિચારધારા સામુહિકતાને પોષે છે અને સહ-અસ્તિત્વ માટેની ભૂમિકા સ્થાપિત કરે છે. સમાજ છે એટલે વિચારધારા છે અને વિચારધારા છે એટલે સમાજ છે. અભિપ્રાય માટે આમ ન કહી શકાય, પણ એમ ચોક્કસ કહી શકાય કે વ્યક્તિ છે એટલે અભિપ્રાય છે અને અભિપ્રાય છે એટલે વ્યક્તિનું વજૂદ છે.  
સમાજમાં વિચારધારાનું મહત્ત્વ છે. સકારાત્મક વિચારધારાના પ્રભાવમાં ઘણી સકારાત્મક પરિસ્થિતિ સમાજમાં ઉદભવી શકે. વિચારધારાને આધારે શિક્ષણની નીતિ તૈયાર થઈ શકે, રાજકીય માળખાને માન્યતા મળી શકે,  ધાર્મિક શ્રદ્ધા વધુ સશક્ત બની શકે, એકબીજાનાં સહારે વિકાસની સંભાવના ઉભરી શકે, પરસ્પરનો મતભેદ તેમજ વૈમનસ્યતા ઓછાં થઈ શકે અને સમગ્રતામાં “એકમત”ની સંભાવના રહેતી હોવાથી પ્રત્યેક વ્યક્તિની જિંદગીમાં એક પ્રકારની સરળતા પણ સ્થાપિત થઈ શકે. વિચારધારા સકારાત્મક, સમાવેશીય, મૂલ્યનિષ્ઠ, સત્ય આધારિત, પરિણામ લક્ષી, સંસ્કૃતિ અને પરંપરાને યોગ્ય સ્થાન આપતી, સામાજિક ન્યાય તેમજ માનવ અધિકારો પ્રત્યે સંવેદનશીલ, રાષ્ટ્રવાદી તેમજ પ્રગતિશીલ હોય તે ઇચ્છનીય છે. પણ દર વખતે આમ હોતું નથી. સમાજમાં પ્રવર્તતી કેટલીક વિચારધારા તો સંપૂર્ણપણે ખંડનાત્મક અને વિધ્વંશક કહી શકાય તેવી હોય છે.          
આમ તો અભિપ્રાય અને વિચારધારા બંને માનસિક સ્થિતિનું પરિણામ છે પરંતુ તેમનો પ્રભાવ અને તેમની સાર્થકતા ભિન્ન ભિન્ન હોય છે. અભિપ્રાય એ વ્યક્તિગત દ્રષ્ટિકોણ કે માન્યતા છે જ્યારે વિચારધારા એ સમાજનાં મોટાં વર્ગ દ્વારા સ્વીકારાયેલ સામૂહિક સિદ્ધાંત છે. આમ તો બંનેમાં બદલાવ આવી શકે તો પણ અભિપ્રાય વધુ લવચીક જણાય છે બની શકે કે અભિપ્રાયનું આયુષ્ય ઓછું હોઈ શકે જ્યારે વિચારધારા તો લાંબાગાળા સુધી માન્ય રહી શકે તેવી પ્રભાવશાળી ઘટના હોય છે. અભિપ્રાયનો આધાર ‘વ્યક્તિ’ હોય છે જ્યારે વિચારધારાનો આધાર ‘વ્યાપક’ છે તેમ કહી શકાય. બંને માનસિક અને બૌદ્ધિક ઘટના છે જેમાં માન્યતા સહજ રીતે સમાયેલી હોય. બંને વર્તન અને નિર્ણયને પ્રભાવિત કરી શકવા સમર્થ હોય છે. બંનેમાં મતભેદની સંભાવના રહેતી હોવાથી સૌમ્ય કે ઉગ્ર ચર્ચા બંનેમાં સંભવી શકે. મજાની વાત એ છે કે અભિપ્રાય વિચારધારાને તો વિચારધારા અભિપ્રાયને અસર કરે છે. 
પ્રશ્ન ત્યારે ઉભો થાય જ્યારે કોઈ પોતાના વ્યક્તિગત અભિપ્રાયને વિચારધારા તરીકે સ્થાપિત કરવા પ્રયત્ન કરે.  ટીવી ચેનલમાં “લોકો એ જાણવા માંગે છે કે-” એમ જે વારંવાર કહેવામાં આવે છે એ ઘણી વાર વ્યક્તિગત પ્રશ્ન હોય છે. જ્યારે એમ કહેવામાં આવે કે “લોકો આમ માને છે-” ત્યારે એ ઘણીવાર વ્યક્તિગત અભિપ્રાય હોય છે. મીડિયા હાઉસ ઘણી વાર ચોક્કસ પ્રકારના અભિપ્રાયની વાત કરી તેને વિચારધારા તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરતાં હોય છે. ઉદાહરણો ઘણાં છે. આ પરિસ્થિતિ જોખમી છે. આમ પણ મીડિયા હાઉસનું કામ અભિપ્રાય આપવાનું નહીં – જેતે વિચારધારાને પ્રોત્સાહન આપવાનું નહીં, માત્ર વાસ્તવિકતા દર્શાવવાનું હોય છે. -હેમુ ભીખુ

Most Popular

To Top