પ્રેમિકાએ આંખ બાંધી, બાંધી દીધો અને જીવતો સળગાવી દીધો, શહેરમાં ચકચાર
Bengaluruમાંથી એક અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જેમાં એક યુવતીએ પોતાના પ્રેમીને “વેસ્ટર્ન સ્ટાઇલ પ્રપોઝ”ના બહાને ઘરે બોલાવી બાંધી દીધો અને બાદમાં જીવતો સળગાવી દીધો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ બનાવે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસના જણાવ્યા મુજબ 27 વર્ષીય કિરણ, આરોપી યુવતી વચ્ચે લગભગ એક વર્ષથી સંબંધ હતો. બંને એક જ ટેલિકોમ સ્ટોરમાં સાથે કામ કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે મતભેદ વધી રહ્યા હતા, કારણ કે યુવતીને લાગતું હતું કે કિરણ તેને અવગણતો હતો અને લગ્ન માટે તૈયાર નહોતો.
“વેસ્ટર્ન સ્ટાઇલ પ્રપોઝ”ના બહાને બોલાવ્યો ઘરે : ઘટના મંગળવારે બપોરે બ્યાદરહલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંજના નગર વિસ્તારમાં બની હતી. આરોપી યુવતીએ કિરણને ઘરે ત્યારે બોલાવ્યો હતો જ્યારે ઘરનાં અન્ય સભ્યો બહાર હતા. ત્યારબાદ તેણે કિરણને જણાવ્યું કે તે “વેસ્ટર્ન સ્ટાઇલમાં પ્રપોઝ” કરવા માંગે છે, જેના ભાગરૂપે તેણે કિરણની આંખ પર પટ્ટી બાંધી અને હાથ-પગ દોરીથી બાંધી દીધા.
અગાઉથી તૈયાર રાખ્યું હતું જ્વલનશીલ પ્રવાહી : પોલીસ તપાસ મુજબ યુવતીએ પહેલેથી જ જ્વલનશીલ પ્રવાહી તૈયાર રાખ્યું હતું. કિરણ બંધાઈ ને બેઠો હતો ત્યારે તેણે તેના પર પ્રવાહી રેડી તેને આગ લગાવી દીધી.જે બાદ કિરણનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
અવગણના અને સંબંધમાં તણાવ બની કારણ : પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવતીને શંકા હતી કે કિરણ અન્ય સંબંધોમાં વ્યસ્ત હતો અને તેને પૂરતું ધ્યાન આપતો નહોતો. આ કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. પોલીસે આ ઘટનાને પૂર્વનિયોજિત હત્યા તરીકે તપાસ શરૂ કરી છે.
આરોપીની ધરપકડ, તપાસ ચાલુ :ઘટના બાદ પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી છે અને તેની સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસ હવે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે, જેમાં આરોપીના આયોજન અને ઘટનાના સંપૂર્ણ કારણો જાણવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ બનાવે ફરી એકવાર સંબંધોમાં વધતા તણાવ અને ગુસ્સાના ખતરનાક પરિણામો અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને આગળ વધુ ખુલાસા થવાની શક્યતા છે.