Gujarat

“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી

ગાંધીનગર

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ, તાપી, વલસાડ અને સુરત જિલ્લામાં ઝંઝાવતી પ્રચાર કરી ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય જનસભાઓને સંબોધન કર્યુ હતું. તેમણે વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જાગૃત જનતાએ ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો સફાયો કરી દીધો છે.

વિપક્ષ પાસે ઉમેદવારોની અછત અને ભાજપનો વિજય વિશ્વાસ

નાયબ મુખ્યમંત્રીએ આણંદના સામરખા અને આંકલાવ ખાતે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં ૧૦ ટકા બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય એ લોકોના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે. તેમણે કટાક્ષ કર્યો કે, કોંગ્રેસના પ્રદેશ નેતાઓના ગઢમાં જ આજે તેમના મેન્ડેટ પર ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી. સમગ્ર ગુજરાતમાં ૭૨૦થી વધુ બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય પ્રાપ્ત કરી ઈતિહાસ રચ્યો છે, જે બતાવે છે કે વિપક્ષ પાસે ઉમેદવારોની ભારે અછત છે.

આદિવાસી અને ગ્રામીણ વિકાસનો એજન્ડા

તાપીના વ્યારા અને સુરતના ચલથાણ ખાતે વિકાસ સંકલ્પ સભામાં સંઘવીએ કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં આદિવાસી ગામડાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ હતો. વડાપ્રધાન મોદીએ ‘નળ સે જળ’ યોજના દ્વારા ઘરે-ઘરે પાણી અને છેવાડાના ગામો સુધી વીજળી તથા પાકા રસ્તા પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ખેડૂતોને કિસાન સન્માન નિધિ દ્વારા સીધી આર્થિક સહાય મળી રહી છે, જે ભાજપની ખેડૂતલક્ષી કટિબદ્ધતા દર્શાવે છે.

ગુજરાત વિરોધી માનસિકતાને જડબાતોડ જવાબ

ગુજરાતની અસ્મિતા પર સવાલ ઉઠાવનારાઓને ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે, અમુક તત્વો માત્ર ગુજરાતને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, જેનો હિસાબ જનતા પોતે કરશે. તેમણે ‘નારીશક્તિ વંદન અધિનિયમ’નો ઉલ્લેખ કરી જણાવ્યું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ મહિલાઓને તેમનો અધિકાર મળતો અટકાવવાનું પાપ કર્યું છે, જે ગુજરાતની માતાઓ-બહેનો ક્યારેય ભૂલશે નહીં.
લોકનેતા ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ

આણંદની સભામાં તેમણે ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે કહયું હતું કે ગોવિંદભાઈના અધૂરા સપનાઓને પૂર્ણ કરવાની જવાબદારી પક્ષે હર્ષદભાઈ પરમારને સોંપી છે.અંતમાં, હર્ષ સંઘવીએ જનતાને આહ્વાન કર્યું હતું કે “લોકશાહીમાં જનતા જ સાચી શાસક છે અને અમે તમારા સેવક છીએ.” તેમણે વિકાસની આ યાત્રાને બરકરાર રાખવા માટે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા વિનંતી કરી હતી.

Most Popular

To Top