Gujarat

રાજકોટ પોલીસનું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’: ₹2500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ, તેલંગાણાના માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 ઝડપાયા

ગાંધીનગર,

રાજકોટ ગ્રામ્ય પોલીસે સાયબર ક્રાઈમ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મેળવતા ₹2500 કરોડથી વધુના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ પોલીસે તેલંગાણાના મુખ્ય સૂત્રધાર આદિલુદ્દીન મહમદ સહિત વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં માત્ર સાયબર છેતરપિંડી જ નહીં, પરંતુ GST ચોરી અને ગેરકાયદે ગેમિંગના નાણાંની હેરાફેરી થતી હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.

એપીએમસી એકાઉન્ટ્સનો ઉપયોગ: ટેક્સ બચાવવાનો ખેલ

આ કૌભાંડની સૌથી ગંભીર કડી એ છે કે આરોપીઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) સાથે સંકળાયેલા એગ્રીકલ્ચર ફર્મ કે માર્કેટિંગ યાર્ડની પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. આ પ્રકારના એકાઉન્ટ્સમાં TDS કે GST કાપવામાં આવતો ન હોવાથી આવકવેરા વિભાગની નજરમાંથી બચી શકાય, તે હેતુથી આરોપીઓ ખેતીવાડીના બોગસ દસ્તાવેજોના આધારે ‘મ્યુલ એકાઉન્ટ’ (ભાડે રાખેલા ખાતા) ઓપરેટ કરતા હતા.રાજકોટ ગ્રામ્ય પોલીસે તાજેતરમાં તેલંગણાના આદિલુદ્દીન મહમદ, રાજકોટના મિહિર રંગાણી અને હિરેન લીંબાસીયાની ધરપકડ કરી છે. અગાઉ મનીષ કમાણી, જય નાદપરા, ઋષિ રૈયાણી, પ્રવિણસિંહ પરમાર, મયુરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આ સમગ્ર ગેંગના દેશવ્યાપી નેટવર્કનો ખુલાસો થયો છે.રાજકોટ ગ્રામ્ય પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ દેશવ્યાપી ફેલાયેલા વિશાળ સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સાયબર કૌભાંડમાં અંદાજે ₹2500 કરોડની હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું છે. કેસમાં અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય સુત્રધારોનો પણ સમાવેશ થાય છે.

આરોપીઓ પ્રાઈવેટ બેંકોમાં નકલી દસ્તાવેજો દ્વારા એકાઉન્ટ ખોલાવીને તેને APMC (માર્કેટિંગ યાર્ડ) સાથે લિંક કરતા હતા. કારણ કે આવા એકાઉન્ટમાં TDS કે GST જેવી ટેક્સ પ્રક્રિયા ઓછી હોવાથી ઇન્કમ ટેક્સ વિભાગની નજરથી બચી શકાય.આ ‘મ્યુલ એકાઉન્ટ’ મારફતે સાયબર ફ્રોડ, ઓનલાઈન ગેમિંગ અને GST કૌભાંડના નાણાંની હેરફેર કરવામાં આવતી હતી.રાજકોટ ગ્રામ્ય પોલીસ તપાસ મુજબ આ સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપીઓના બેંક ખાતાઓમાં કરોડો રૂપિયાની હેરાફેરી થયાનો ખુલાસો થયો છે. મનીષ કમાણીના ખાતામાં અંદાજે ₹539 કરોડ, જય નાદપરાના ખાતામાં ₹383 કરોડ, લાલો ઉર્ફે યાજ્ઞિક ઝાલાવડીયાના ખાતામાં ₹493 કરોડ, મિહિર રંગાણીના ખાતામાં ₹87 કરોડ અને આદિલુદ્દીન મહમદના ખાતામાં ₹23 કરોડની લેવડદેવડ થઈ હોવાનું સામે આવ્યું છે. કુલ મળીને 15 એકાઉન્ટમાં ₹1500 કરોડથી વધુની હેરાફેરી નોંધાઈ છે, જ્યારે અન્ય 10 ખાતામાં આશરે ₹23 કરોડની લેવડદેવડ થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.

ચોંકાવનારી બાબત એ છે કે કુલ ₹2500 કરોડના આ વિશાળ કૌભાંડમાંથી ફક્ત ₹23.14 કરોડ જ બેંક ખાતાઓમાં ટ્રેસ થઈ શક્યા છે, જેને પોલીસે તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દીધા છે. બાકીની મોટાભાગની રકમ ઓનલાઈન ગેમિંગ અને જીએસટી ફ્રોડ મારફતે અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે હિરેન લીંબાસીયા આ સમગ્ર નેટવર્કમાં ‘મિડિયેટર’ તરીકે કાર્યરત હતો, જ્યારે આદિલુદ્દીન મહમદ વિવિધ એકાઉન્ટમાં નાણાં એકત્ર કરીને તેને રોકડમાં પરિવર્તિત કરી આંગડિયા મારફતે આગળ મોકલતો હતો. ખાસ વાત એ છે કે આરોપીઓ નાના કમિશન, એટલે કે પ્રતિ લાખ ટ્રાન્ઝેક્શન દીઠ ₹300થી ₹400 મેળવવાની લાલચે પોતાના બેંક ખાતાઓ આ ગેંગને આપતા હતા, જેના કારણે આ વિશાળ સાયબર ફ્રોડને સરળતાથી અંજામ આપવામાં આવતો હતો.

કોના ખાતામાં કેટલા કરોડની હેરાફેરી ?

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય 5 આરોપીઓના 15 એકાઉન્ટ્સમાં જ ₹1500 કરોડની હેરફેર થઈ છે.

​• મનીષ કમાણી: ₹539 કરોડ
​• લાલો ઉર્ફે યાજ્ઞિક ઝાલાવડીયા: ₹493 કરોડ
​• જય નાદપરા: ₹383 કરોડ
​• મિહિર રંગાણી: ₹87 કરોડ
​• આદિલુદ્દીન મોહમ્મદ: ₹23 કરોડ

દેશભરમાં 180 ફરિયાદો, ₹23 કરોડ ફ્રીઝ

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, આ નેટવર્ક વિરુદ્ધ સમગ્ર ભારતમાં સાયબર હેલ્પલાઇન ‘1930’ પર કુલ 180 ફરિયાદો નોંધાયેલી છે. જેમાંથી 21 ફરિયાદો ગુજરાતની છે, જેમાં ₹2.94 કરોડની છેતરપિંડી થઈ છે. પોલીસે હાલમાં વિવિધ બેંક ખાતાઓમાંથી ₹23.14 કરોડની રકમ ફ્રીઝ કરી દીધી છે.

માસ્ટરમાઇન્ડની મોડસ ઓપરેન્ડી

તેલંગાણાથી ઝડપાયેલા આદિલુદ્દીન મહમદે ‘અલ આદીન’ અને ‘અલ મુનીર’ જેવી શંકાસ્પદ પેઢીઓ બનાવી હતી. તે ફ્રોડના નાણાં ખાતામાં જમા કરાવી, રોકડ ઉપાડી આંગડિયા મારફતે આગળ મોકલતો હતો. ધરપકડ કરાયેલ મિહિર રંગાણી ‘લોરીલ એગ્રી એક્સપોર્ટ’ નામે પેઢી ચલાવતો હતો, જ્યારે હિરેન લીંબાસીયા આ સમગ્ર નેટવર્કમાં ‘મિડિયેટર’ તરીકે નાણાકીય લેવડદેવડ સંભાળતો હતો.

ઓપરેશન મ્યુલ હન્ટ : કમિશનની લાલચે બનતા વાહક

રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા આ ઓપરેશનનો ઉદ્દેશ્ય એવા ‘મ્યુલ’ (વાહક) લોકોને પકડવાનો છે જેઓ માત્ર 1 લાખના વ્યવહાર પર ₹300 થી 400 જેવી નજીવી કમિશનની લાલચે પોતાના બેંક ખાતા સાયબર ઠગોને ઓપરેટ કરવા આપી દે છે.હાલમાં આ કેસમાં ધરપકડનો આંકડો 9 પર પહોંચ્યો છે અને પ્રાઈવેટ બેંકના કર્મચારીઓની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં GST ફ્રોડના એંગલથી વધુ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.

Most Popular

To Top