ગાંધીનગર : ભાવનગર રીજીયનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ લાલ આંખ કરી છે. સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના પ્લાન અને સર્ટીફિકેટ એપ્રુવલ આપવાના બહાને ૫ લાખની લાંચ માંગનાર ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર અને લાંચના નાણાં સ્વીકારનાર એક ખાનગી વ્યક્તિને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે.
ઝડપાયેલા આરોપીઓમાં ૧. મહેશકુમાર અમૃતભાઇ પટેલ – ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર (વર્ગ-૨), સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ, ભાવનગર રીજીયન અને
૨. પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ (ખાનગી વ્યક્તિ) – રહે. આનંદનગર, ભાવનગરનો સમાવેશ થાય છે. આ કેસની વિગત મુજબ, ફરિયાદીએ ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓની ૭૯ જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાનો પેટા કોન્ટ્રાક્ટ લીધો હતો. આ કામગીરી પૂર્ણ થયા બાદ, શાળાઓ માટે ‘ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ’ અને ‘ફાયર સેફ્ટી સર્ટીફિકેટ એપ્રુવલ’ મેળવવા માટે ફરિયાદીએ ઓનલાઇન અરજીઓ કરી હતી. આ મંજૂર થયેલી અને બાકી રહેલી અરજીઓના વ્યવહાર પેટે આરોપી ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મહેશકુમાર પટેલે રૂપિયા ૫,૦૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જે પૈકી રૂપિયા ૫૦,૦૦૦ અગાઉ આરોપી નં. ૨ પ્રકાશ ચૌહાણ મારફતે સ્વીકારી લેવામાં આવ્યા હતા. બાકીના રૂા. ૪,૫૦,૦૦૦ માંથી રૂા. ૨,૦૦,૦૦૦ આપવાનો આજે વાયદો કરવામાં આવ્યો હતો.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આજે તા. ૨૦/૦૪/૨૦૨૬ના રોજ ભાવનગરની સર ટી. હોસ્પિટલના ગેટ નંબર-૨ પાસે, એસ.બી.આઇ. એટીએમની સામે જાહેર રોડ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન, વચેટિયા પ્રકાશ ચૌહાણે ફરિયાદી સાથે લાંચ અંગે હેતુલક્ષી વાતચીત કરી અને રૂા. ૨,૦૦,૦૦૦ ની લાંચ સ્વીકારતા જ એસીબીએ તેને સ્થળ પર દબોચી લીધો હતો. ત્યારબાદ મુખ્ય આરોપી મહેશકુમાર પટેલ પણ તેમની કચેરી ખાતેથી મળી આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં રહીને સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક કરી છે. એસીબીએ લાંચના ૨ લાખ રૂપિયા રિકવર કરીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીને પગલે સરકારી વિભાગોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.