Gujarat

2023ના અનામત બિલને તાત્કાલિક લાગુ કરો : મુકુલ વાસનિક

અમદાવાદ : મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે કોંગ્રેસ સતત સમર્થન આપતી આવી છે. પરંતુ મહિલા અનામત બિલના નામે રાજકીય ફાયદો મેળવવાનો પ્રયાસ અને તેનો અમલ ટાળવાની નીતિ સામે કોંગ્રેસે સ્પષ્ટ માગણી કરી છે કે 2023માં પસાર થયેલા બિલને તાત્કાલિક અમલ કરવામાં આવે અને તેમાં SC, ST અને OBC વર્ગની મહિલાઓને પણ યોગ્ય અનામત આપવામાં આવે, તેવું સાંસદ મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું.

મહિલાઓના સશક્તિકરણ માટેનો સાચો ઐતિહાસિક અને પ્રગતિશીલ પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. સરોજીની નાયડુને 1925માં કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાથી લઈને રાજીવ ગાંધીજીના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની શરૂઆત કરવી, તેમજ બાદમાં અનેક રાજ્યોમાં તેને 50 ટકા સુધી વધારવામાં કોંગ્રેસની વિચારધારા અને પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.

વડોદરામાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે,એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ છે અને બીજી તરફ દેશની સામાન્ય પ્રજા મોંઘવારી, બેરોજગારી અને આર્થિક મુશ્કેલીઓથી ત્રસ્ત બની ગઈ છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકાર દરેક મોરચે નિષ્ફળ સાબિત થઈ છે. રૂપિયો નબળો પડી રહ્યો છે, વિદેશ નીતિ અસરકારક રહી નથી અને સામાન્ય લોકો માટે જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે સરકાર મૂળ પ્રશ્નોનો ઉકેલ લાવવા બદલે મહિલા અનામત બિલના નામે રાજકીય લાભ લેવા અને દેશનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે.

2023માં પાર્લામેન્ટમાં પસાર થયેલ મહિલા અનામત બિલનો તાત્કાલિક અમલ થવો જોઈએ. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષો મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે એકજૂટ છે. પરંતુ ભાજપ સરકારે સીમાંકન અને સીટ વધારાના રાજકીય એજન્ડા સાથે આ મહત્વપૂર્ણ મુદ્દાને ગૂંચવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી સ્પષ્ટપણે માંગ કરે છે કે SC, ST અને OBC વર્ગની મહિલાઓને પણ યોગ્ય અનામત મળે અને મહિલાઓને તેમના અધિકાર, સન્માન અને સમાન ભાગીદારી મળવા માટે કોંગ્રેસની લડત પહેલા પણ હતી, આજે પણ છે અને આવનારા સમયમાં વધુ મજબૂતીથી ચાલુ રહેશે.

Most Popular

To Top