વિદ્યાર્થી દીઠ રૂ. ૨૧૬૦ના બદલે હવે રૂ. ૨૫૦૦ મળશે; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
(પ્રતિનિધિ) વડોદરા, તા. ૨૧ એપ્રિલ
રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે ચાલી રહેલી આશ્રમ શાળાઓને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ વિદ્યાર્થીઓને મળતી નિભાવ ગ્રાન્ટમાં વધારો કરીને રૂ. ૨૧૬૦ના બદલે હવે વિદ્યાર્થી દીઠ રૂ. ૨૫૦૦ આપવામાં આવશે.
નિભાવ ગ્રાન્ટમાં વધારો થતાં હવે આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજિંદા ખર્ચ માટે વધુ આર્થિક સહાય ઉપલબ્ધ થશે. અગાઉ રહેઠાણ અને ભોજન માટે મળતી મર્યાદિત ગ્રાન્ટને કારણે વધતી મોંઘવારીના સમયમાં સંચાલકો તથા વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લે ૮ એપ્રિલ, ૨૦૨૨ના રોજ ઠરાવ બહાર પાડી નિભાવ ગ્રાન્ટ વિદ્યાર્થી દીઠ રૂ. ૧૫૦૦થી વધારીને રૂ. ૨૧૬૦ કરવામાં આવી હતી. હવે લગભગ ચાર વર્ષ બાદ ફરી એકવાર ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે. નિષ્ણાતોના મતે રાજ્ય સરકારનો આ નિર્ણય પછાત વર્ગના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેનો રસ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ વધારાથી એસઈબીસી આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે અને શિક્ષણની ગુણવત્તા સુધારવામાં પણ મદદ મળશે.
: નબળા વર્ગના વિદ્યાર્થીઓને નિર્ણયથી મળશે લાભ
સુવિધામાં સુધારો: રહેઠાણ, ભોજન અને શિક્ષણ સંબંધિત સુવિધાઓમાં સુધારો શક્ય બનશે.
ગ્રામ્ય વિદ્યાર્થીઓને લાભ: ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને વિશેષ રાહત મળશે.
સંચાલકોને રાહત: મર્યાદિત ગ્રાન્ટને કારણે વધતા સંચાલન ખર્ચમાં રાહત મળશે.
ગુણવત્તાયુક્ત સેવા: વધારાની ગ્રાન્ટથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક અને રહેણાંક સેવાઓ ઉપલબ્ધ થશે.