SURAT

સુરતથી બંગાળ સુધી ફ્રી મુસાફરીનો મુદ્દો, ચૂંટણી પહેલાં રાજકીય તણાવ, બંગાળ માટે ખાસ ટ્રેનથી ચર્ચા તેજ

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર 19 એપ્રિલે એક તરફ ભારે ભીડ અને અવ્યવસ્થા જોવા મળી, તો બીજી તરફ ‘વોટર્સ સ્પેશિયલ’ ટ્રેનને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા જતી ટ્રેનો માટે 10,000થી વધુ લોકો સ્ટેશન પર એકત્ર થતા હાલત બેકાબૂ બની ગઈ હતી. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ટ્રેનોમાં જગ્યા ન મળતા હજારો મુસાફરોને પરત ફરી જવું પડ્યું હતું. આ જ સમયે, ઉધના સ્ટેશન પરથી પશ્ચિમ બંગાળ માટે ખાસ વોટર્સ સ્પેશિયલ ટ્રેન પણ રવાના કરવામાં આવી હતી, જેમાં અંદાજે 1300 શ્રમિકોને મોકલવામાં આવ્યા. આ ટ્રેનને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે, કારણ કે આ મુસાફરી મફતમાં કરાવવામાં આવી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, આવનારા દિવસોમાં આવી વધુ ટ્રેનોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. સુરતમાં રહેતા બંગાળી મૂળના શ્રમિકો મતદાન કરવા માટે પોતાના વતન જઈ શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આયોજન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ઘણા શ્રમિકો આર્થિક મુશ્કેલીઓ કે ટિકિટના અભાવે મતદાન કરવા જઈ શકતા નથી, તેથી તેમને સહાયરૂપ થવા માટે આ પહેલ કરવામાં આવી છે. આ ટ્રેનમાં જતા મુસાફરોના હાથમાં તિરંગા જોવા મળ્યા અને સ્ટેશન પર દેશભક્તિના નારા ગુંજતા રહ્યા. આયોજનકારોના જણાવ્યા અનુસાર, કુલ 4 ટ્રેનો દ્વારા આશરે 5000 જેટલા લોકોને પશ્ચિમ બંગાળ મોકલવાનો પ્લાન છે. તમામ ટ્રેનો સીધી કોલકાતા પહોંચશે, જેથી મુસાફરોને સરળતા રહે.

સામાન્ય મુસાફરોને પડતી મુશ્કેલીઓ અને આ ખાસ ટ્રેનની સુવિધા વચ્ચે તુલના થતાં સવાલો પણ ઉઠી રહ્યા છે. એક તરફ લોકો ટિકિટ લઈને પણ ભીડમાં મુશ્કેલી અનુભવે છે, જ્યારે બીજી તરફ ચોક્કસ વર્ગને ખાસ સુવિધા આપવામાં આવે છે, તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે. સુરતમાં અંદાજે 2.5 લાખ બંગાળી શ્રમિકો રહે છે, જે હીરા, ટેક્સટાઇલ અને જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ચૂંટણી દરમિયાન આ વર્ગ મહત્વપૂર્ણ મતદારો તરીકે જોવામાં આવે છે. આ પરિસ્થિતિએ રાજકીય વ્યૂહરચના અને સામાન્ય મુસાફરોની સમસ્યાઓ વચ્ચેના તફાવતને કેન્દ્રમાં લાવી દીધો છે.

Most Popular

To Top