ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા 18 એપ્રિલે બે ભારતીય જહાજો પર થયેલા ફાયરિંગ બાદ ભારતીય નૌસેનાએ નવી એડવાઇઝરી જાહેર કરી છે. હોર્મુઝના સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે ભારતીય જહાજોની સુરક્ષાને લઈને ભારત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ એડવાઈઝરી મુજબ, તમામ ભારતીય જહાજોને લારક આઇલેન્ડથી દૂર રહેવા અને નૌસેનાની મંજૂરી વગર આગળ ન વધવા કડક સૂચના આપવામાં આવી છે.
ઘટના મુજબ, ‘જગ અર્ણવ’ અને ‘સનમાર હેરાલ્ડ’ નામના ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે ઇરાની ગાર્ડ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા બંને જહાજોને પાછા ફરવું પડ્યું હતું. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તે જ દિવસે ‘દેશ ગરિમા’ નામનું બીજું ભારતીય જહાજ સફળતાપૂર્વક ખાડી પાર કરી શક્યું હતું, જેને હાલ ભારતીય નૌસેના સુરક્ષા આપી રહી છે. લારક આઇલેન્ડને ખાસ જોખમી માનવામાં આવે છે, કારણ કે તે હોર્મુઝના સૌથી સાંકડા વિસ્તારમાં આવેલું છે અને અહીં ઈરાનનું મહત્વપૂર્ણ તેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થિત છે. આ વિસ્તારમાં ઇરાની સેનાના અનેક બેઝ છે અને નાની, ઝડપી બોટ્સ દ્વારા જહાજોને ટાર્ગેટ કરવાની ક્ષમતા પણ છે. ઉપરાંત, ઓમાન કિનારે સમુદ્રી સુરંગો હોવાની આશંકાને કારણે પણ જોખમ વધી જાય છે.
હાલમાં પર્શિયન ગલ્ફમાં લગભગ 14 ભારતીય જહાજો હોર્મુઝ પાર કરવા માટે મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. ભારતીય નૌસેના આ તમામ જહાજો સાથે સતત સંપર્કમાં છે અને તેમની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી રહી છે. આ વિસ્તારમાં કુલ 7 યુદ્ધ જહાજો તૈનાત કરવામાં આવ્યા છે, જે પસાર થતા જહાજોને અરબી સમુદ્ર સુધી સુરક્ષિત રીતે એસ્કોર્ટ કરી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે, જ્યાંથી યુદ્ધ પહેલા વિશ્વના લગભગ 20% તેલનો પરિવહન થતો હતો. પરંતુ હાલની પરિસ્થિતિને કારણે આ માર્ગ લગભગ અસ્થિર બની ગયો છે. ભારત માટે પોતાના જહાજો અને ક્રૂની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાથી નૌસેનાએ સુરક્ષા ગ્રીડ વધુ મજબૂત કરી છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે અને હોર્મુઝ વિસ્તારમાં તણાવ વધુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.