Gujarat

અમદાવાદમાં આવેલા આસારામનો આશ્રમ તોડી પડાશે, હાઈકોર્ટે અપીલ ફગાવી

અમદાવાદ: અમદાવાદના મોઢેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમને લઈને ચાલી રહેલા જમીન કેસમાં ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આશ્રમ દ્વારા કરવામાં આવેલી અપીલ ફગાવી દેતાં હવે આશ્રમના બાંધકામ તોડી પાડવાની કાર્યવાહીનો માર્ગ લગભગ મોકળો બન્યો છે. આ પહેલા હાઈકોર્ટએ દ્વારા કલેક્ટરના આદેશને યથાવત રાખવામાં આવ્યો હતો, જેમાં આશ્રમે સરકાર દ્વારા આપવામાં આવેલી જમીન સંબંધિત શરતોનો ભંગ કર્યો હોવાનો ઉલ્લેખ હતો. આ નિર્ણય સામે આસારામ આશ્રમે હાઈકોર્ટ સમક્ષ અપીલ કરી હતી, જેમાં હાઈકોર્ટેની ડિવીઝન બેંચે સિંગલ જજનો આદેશ યથાવત રાખ્યો છે.

ગુજરાત હાઈકોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું છે કે આસારામ હેબિચ્યુઅલ ઓફેન્ડર છે, તેથી તેમને કોઈ પણ પ્રકારની વિશેષ રાહત આપી શકાય નહીં. આશ્રમે વારંવાર નિયમોનો ભંગ કર્યો છે અને સરકારી શરતોનું ઉલ્લંઘન કર્યું છે. સાથે જ સાબરમતી નદીના કિનારે આવેલી નદીની જમીન પર પણ ગેરકાયદેસર કબજો કર્યો હોવાનું સામે આવ્યું છે. નદીની જમીનનું કોઈપણ રીતે રેગ્યુલરાઇઝેશન થઈ શકે નહીં. સુનાવણી દરમિયાન આશ્રમ તરફથી 4 અઠવાડિયાનો સ્ટે માગવામાં આવ્યો હતો જેથી તેઓ ઉપરની અદાલતમાં અપીલ કરી શકે, પરંતુ હાઈકોર્ટે કડક વલણ અપનાવતા જણાવ્યું કે પહેલા જમીન ખાલી કરવામાં આવે પછી જ સ્ટે અંગે વિચારણા થઈ શકે. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ આશ્રમને નવી નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ જમીનનો કબજો સરકાર સંભાળશે.

Most Popular

To Top