પાકિસ્તાનમાં ફરી એકવાર અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળીબારની ઘટના સામે આવી છે. આ વખતે નિશાન બન્યો છે લશ્કર-એ-તોઈબાનો મહત્વનો સભ્ય અને હાફિઝ સઈદનો નજીકનો સાથી અમીર હમઝા. લાહોરમાં એક ન્યૂઝ ચેનલની ઓફિસ બહાર તેના પર અચાનક હુમલો કરવામાં આવ્યો. મળતા અહેવાલ મુજબ, અમીર હમઝા બહાર હાજર હતો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. હુમલા બાદ હુમલાખોરો તરત જ ત્યાંથી ફરાર થઈ ગયા. ગોળી વાગતા હમઝા ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરો તેની હાલત નાજુક હોવાનું કહી રહ્યા છે.
ઘટના પછી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તરત જ સક્રિય થઈ ગઈ છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે હુમલાખોરોને શોધવાની કોશિશ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. અમીર હમઝા લશ્કર-એ-તોઈબાનો સ્થાપક સભ્ય ગણાય છે અને આતંકી હાફિઝ સઈદનો નજીકનો સાથી છે. ભારત વિરુદ્ધ અનેક આતંકી પ્રવૃત્તિઓમાં તેનો હાથ હોવાનું માનવામાં આવે છે. ભારત સરકારે પણ તેને લાંબા સમયથી વોન્ટેડ યાદીમાં રાખ્યો છે.
છેલ્લા થોડા સમયથી પાકિસ્તાનમાં આવા હુમલાઓ વધી રહ્યા છે, જેમાં ભારત વિરોધી આતંકીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ ઘણા આતંકીઓ અજાણ્યા હુમલાખોરોના નિશાન બન્યા છે. આ કારણે ત્યાં છુપાયેલા આતંકી તત્વોમાં ડરનો માહોલ ઉભો થયો છે. હાલમાં આ હુમલા પાછળ કોણ છે તે સ્પષ્ટ થયું નથી. આ આંતરિક ગૃપોની લડાઈ છે કે કોઈ બહારની શક્તિનો હાથ છે તે અંગે તપાસ ચાલી રહી છે. પરંતુ સતત આવી ઘટનાઓ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે.