અમદાવાદ,
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ખારાકાંડમાં બે માસૂમ બાળકીઓના મોતના ચકચારી કેસમાં તપાસ વધુ તેજ બની છે. પિતા વિમલ પ્રજાપતિ બાદ હવે માતા ભાવનાને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા પોલીસે માતાની સઘન પૂછપરછ શરૂ કરી છે, જેને કારણે કેસમાં મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ઘટના આકસ્મિક ફૂડ પોઈઝનિંગ છે કે કોઈ અન્ય ઘટના કે ગુનો છે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ શકી નથી. માતા ભાવનાના નિવેદન અને પરિવારજનોના જવાબોને આધારે પોલીસે તપાસ આગળ વધારી છે. ખાસ કરીને, માતાને હોસ્પીટલમાં રજા મળતા પોલીસે પૂછપરછ શરૂ કરી છે. જેમાં માતાનું નિવેદન મહત્વપૂર્ણ કડી બની રહેશે.
પોલીસે આ કેસમાં સત્ય બહાર લાવવા માટે લાઈ ડિટેક્શન ટેસ્ટ કરવાની તૈયારી પણ શરૂ કરી છે. સાથે જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)નો રિપોર્ટ આવ્યા બાદ વધુ ખુલાસો થશે.
ચાંદખેડા પોલીસની તપાસમાં પિતા વિમલ પ્રજાપતિની ભૂમિકા શંકાસ્પદ જણાતા ઘટનાના પાંચ દિવસ અગાઉથી તેમના લોકેશનની તપાસ શરૂ કરી હતી. આ માટે 50થી વધુ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ તારણ સામે આવ્યું નથી.
શું છે, સમગ્ર ઘટના?
ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિએ 6 એપ્રિલે સ્થાનિક ‘ઘનશ્યામ ડેરી’માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યું હતું. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ આખા પરિવારની તબિયત બગડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે ચાર વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત થયું હતું, જ્યારે માતા-પિતાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હાલમાં માતાની પૂછપરછ અને આવનારા FSL રિપોર્ટ પર સમગ્ર કેસનો દિશા નિર્ભર છે. ચાંદખેડા પોલીસે જણાવ્યું છે કે તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, ટૂંક સમયમાં કેસની હકીકતો બહાર લાવવામાં આવશે.