Gujarat

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી: શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવનો એક્શન પ્લાન

ગાંધીનગર,તા.13
ગુજરાતની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવા માટે રાજ્યના પોલીસ વડા (DGP) ડો. કે. એલ. એન. રાવે આજે આણંદની મુલાકાત લીધી હતી. જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં તેમણે સ્પષ્ટ કહયું હતું કે રાજ્ય પોલીસ મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે પૂરેપૂરી રીતે સંકલ્પબધ્ધ છે.
ડીજીપી ડો. રાવે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને નીચે મુજબની મહત્વની સૂચનાઓ આપી હતી.

  • સઘન દેખરેખ: મતદાન પ્રક્રિયા પર આકાશમાંથી ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે અને ફરજ પરના કર્મચારીઓ માટે બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
  • એરિયા ડોમિનેશન: મતદારોમાં વિશ્વાસ જાગે તે માટે સમગ્ર ઉમરેઠ મતવિસ્તારમાં ‘એરિયા ડોમિનેશન’ કવાયત હાથ ધરવામાં આવશે.
  • બહુસ્તરીય સુરક્ષા: ઈવીએમ (EVM) માટેના સ્ટ્રોંગ રૂમ ખાતે બહુસ્તરીય સુરક્ષા પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવા અને તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવા આદેશ અપાયા છે.
    સાયબર સેલને ‘એલર્ટ’ રહેવા આદેશ
    ચૂંટણીમાં ખલેલ પહોંચાડવા માંગતા તત્વો સામે લાલ આંખ કરતા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ સામે સાયબર સેલ સતત સક્રિય રહેશે. વાંધાજનક કન્ટેન્ટ સામે ત્વરિત અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
    સંવેદનશીલ મથકો પર વિશેષ નજર
    જિલ્લામાં જે મતદાન મથકોને ‘ક્રિટિકલ’ (સંવેદનશીલ) જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષા મજબૂત કરવા જણાવાયું છે. બેઠકમાં સ્થાનિક પોલીસની સાથે સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ (CAPF) અને SRPF ના તૈનાતી પ્લાન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, હથિયારો જમા કરાવવાની પ્રક્રિયા અને અસામાજિક તત્વોની અટકાયતી કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી.અંતમાં, રાજ્ય પોલીસ વડાએ ઉમરેઠના તમામ નાગરિકોને કોઈપણ ડર રાખ્યા વગર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

Most Popular

To Top