SURAT

સચિન પોલીસ કસ્ટડીમાં સંદિગ્ધ ના મોતથી ચકચાર

પૂછપરછ દરમિયાન આરોપીએ શૌચાલયમાં ઝેરી પદાર્થ પી જીવન સમાપ્ત કર્યું

સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસ કસ્ટડીમાં રહેલા વાહન ચોરીના કેસના એક આરોપીનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ છે. આ ઘટના બાદ પોલીસ કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અનેક સવાલો ઊભા થયા છે.

માહિતી મુજબ, સચિન પોલીસે તાજેતરમાં વાહન ચોરીના ગુનામાં તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને મળેલા પુરાવાઓના આધારે પોલીસ ગોદરા ખાતે થી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડી સુરત લાવી હતી ,. પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફ દ્વારા તેની પૂછપરછ ચાલી રહી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ શૌચાલયમાં જવાની પરવાનગી માંગી હતી. પોલીસ કર્મચારીઓએ તેને કેબિનમાં આવેલા શૌચાલયમાં મોકલ્યો હતો. જોકે, અંદર જતાં જ આરોપીએ ત્યાં રહેલું સફાઈ માટે વપરાતું ઝેરી દ્રવ્ય પી લીધું હોવાનું સામે આવ્યું હતું ,થોડા જ સમયમાં તેની તબિયત બગડતા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.

આરોપીને તાત્કાલિક સારવાર માટે સુરત ની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી. પરંતુ ઝેરી અસર ગંભીર હોવાને કારણે તેને બચાવી શકાયો નહોતો અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

આ ઘટનાએ પોલીસ કસ્ટડીમાં સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે. આરોપી સુધી આવા ઝેરી પદાર્થ કેવી રીતે પહોંચ્યા અને દેખરેખમાં ક્યાં ખામી રહી તે મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.હાલમાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને જવાબદારી નિર્ધારિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top