પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા Israel–Iran Warના વધતા તણાવ વચ્ચે ભારત સરકારે મહત્વપૂર્ણ આર્થિક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે જેટ ફ્યુઅલ પર લાગતી એક્સપોર્ટ ડ્યુટીમાં ભારે વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશમાં ઇંધણની પૂરતી ઉપલબ્ધતા જાળવવાનો અને વૈશ્વિક બજારમાં વધતા કાચા તેલના ભાવના પ્રભાવને નિયંત્રિત કરવાનો છે.
નવી જાહેરાત મુજબ ડીઝલ પર એક્સપોર્ટ ડ્યુટી ₹21.5 પ્રતિ લિટરથી વધારીને ₹55.5 પ્રતિ લિટર કરવામાં આવી છે, જ્યારે જેટ ફ્યુઅલ (ATF) પર એક્સપોર્ટ ડ્યુટી ₹29.5 પ્રતિ લિટરથી વધારીને ₹42 પ્રતિ લિટર કરવામાં આવી છે. આ વધારો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.
સરકારના નિર્ણય પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક કાચા તેલના ભાવમાં સતત વધારો થવો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાં અવરોધ સર્જાતા સપ્લાય પર અસર પડી રહી છે, જેના કારણે વિશ્વભરમાં ઊર્જા બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે.
કેન્દ્ર સરકારનો ઉદ્દેશ એ છે કે રિફાઇનરી કંપનીઓ વધુ નફા માટે ડીઝલ અને જેટ ફ્યુઅલનો મોટા પ્રમાણમાં નિકાસ ન કરે અને દેશની અંદર પૂરતું ઇંધણ ઉપલબ્ધ રહે. આ પગલાથી સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રાખવામાં અને મોંઘવારી પર નિયંત્રણ લાવવામાં પણ મદદ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ પર એક્સપોર્ટ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે હજુ પણ શૂન્ય રાખવામાં આવી છે. સરકારનું ધ્યાન હાલમાં ડીઝલ અને એરલાઇન ઉદ્યોગ માટે જરૂરી જેટ ફ્યુઅલની ઉપલબ્ધતા જાળવવા પર કેન્દ્રિત છે.
વિશેષજ્ઞોના મત મુજબ આ નિર્ણયથી દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બનશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે સ્થાનિક પુરવઠો જાળવવામાં મદદ મળશે. સાથે જ જેટ ફ્યુઅલના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને એરલાઇન ઉદ્યોગ પર પડતા ભારને પણ સરકાર નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઇંધણ પુરવઠા અને ભાવ સ્થિરતા ને લઇ ને અગામી દિવસોમાં પણ આવાં વધુ પગલાં લેવાની શક્યતા વ્યક્ત કરી છે.