અમદાવાદ,તા.7
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને રાજસ્થાન ATS એ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન જેસલમેર-બનાસકાંઠા નેશનલ હાઈવે 68 પરથી 5 કિલો મેથામ્ફેટામાઈન (Methamphetamine) ના જથ્થા સાથે બે ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹25 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.
ઓપરેશનની વિગત
ગુજરાત ATSના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાનના બે શખ્સો પાકિસ્તાની સ્મગલર પાસેથી માદક પદાર્થો મેળવીને તેના મળતિયાઓને ડિલીવરી કરવા માટે આવી રહ્યા છે. આ બાતમીના આધારે એસ.પી. કે. સિદ્ધાર્થ અને ડીવાયએસપી એસ.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી.
6 એપ્રિલ 2026 ના રોજ સાંજના સમયે રાજસ્થાનના જેસલમેરને બનાસકાંઠા સાથે જોડતા નેશનલ હાઈવે 68 પર નાકાબંધી દરમિયાન એક શંકાસ્પદ ઇકો કારની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાં સવાર બે વ્યક્તિઓ પાસેથી પીળા રંગની થેલીમાં રાખેલ 5 પારદર્શક પેકેટ મળી આવ્યા હતા, જે પ્રાથમિક તપાસમાં પ્રતિબંધિત ‘મેથામ્ફેટામાઈન’ હોવાનું સ્પષ્ટ થયું હતું.
ડ્રગ્સ પાકિસ્તાનથી ડ્રોપ કરવામાં આવ્યું હતું
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ડ્રગ્સ પાકિસ્તાનના થારપારકર વિસ્તારના રહેવાસી મસાત સખ્ખો મુબારક નામના વ્યક્તિએ સરહદ પાર કરાવીને ભારતની સીમામાં બારમેર જિલ્લામાં ડ્રોપ કર્યો હતો. ત્યાંથી આ બંને આરોપીઓએ આ જથ્થો મેળવ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીઓ
- શંકરરામ રમેશરામ: રહે. સજન કા પાર, રામસર, બારમેર (રાજસ્થાન).
- સલમાન લાલાખાન: રહે. સજન કા પાર, રામસર, બારમેર (રાજસ્થાન).
મહત્વના પુરાવાઓ મળ્યા
પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેમાં વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ અને વીડિયો જેવા મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે. આ પુરાવાઓ દ્વારા સમગ્ર ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ધરપકડ કરાયેલલા આરોપીઓ વિરુદ્ધ બારમેર પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટની વિવિધ કલમો (8, 21, 22, 23, 25, 28, 29) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.