એક એવું ઘર જ્યાં રાજ અને સોના પતિ પત્ની પોતાનાં બે બાળકો સાથે આનંદથી જીવન જીવે. આજુબાજુ પડોશીઓના ઘરેથી ક્યારેક ઝઘડાના અવાજ આવતા રહે ત્યારે રાજ અને સોના મીઠો ઝઘડો કરે કે આપણે તો આવા ઝઘડા થતા જ નથી. રાજ અને સોના વચ્ચે સુંદર સમજણ, ભારોભાર પ્રેમ અને અપાર વિશ્વાસ હતો. તેમની વચ્ચે ક્યારેય મોટેથી બોલાચાલી થતી જ નહિ. એક બાજુના ફ્લેટમાં પતિ પત્ની વચ્ચે બહુ મોટો ઝઘડો થયો અને રાજ અને સોનાએ વચ્ચે પડી શાંત કરાવવો પડ્યો. વાત બહુ મોટી ન હતી પણ નાની વાતમાં ઝઘડો મોટો થઈ ગયો. બીજે દિવસે બાજુમાં રહેતાં ભાભી અને સોના લીફ્ટમાં એક સાથે થઈ ગયાં ત્યારે સોનાએ પૂછ્યું, ‘‘હવે ઘરમાં શાંતિ છે ને?’’ ભાભીએ છણકો કર્યો. ‘‘હા અત્યારે તો છે પણ ફરી ક્યારે ઝઘડો થાય ખબર નહિ.’’ આટલું બોલી ભાભીએ સોનાને પૂછ્યું, ‘‘તમારે ત્યાંથી ક્યારેય ઝઘડાના અવાજ આવતા નથી શું તમારી વચ્ચે ઝઘડો થતો નથી?’’ સોના હસી અને બોલી, ‘‘ભાભી, અમે ઝઘડાથી બચીને ચાલીએ છીએ…ઝઘડો થાય તેવી પરિસ્થિતિમાં એકમેકને સાથ આપી ઝઘડાને હરાવી દઈએ છીએ.’’
ભાભીએ કહ્યું, ‘‘એટલે કંઈ સમજ પડે તેમ બોલ.’’ સોનાએ કહ્યું, ‘‘ભાભી, તમે મને કહો, તમારાથી શાકમાં મીઠું ભૂલી જાય તો શું થાય?’’ ભાભી બોલ્યાં, ‘‘પૂછ જ નહિ, મારું આવી જ બને. પતિ બડબડ કરી મૂકે અને જમ્યા વિના ઊઠી જાય.’’ સોનાએ કહ્યું, ‘‘અને જો ક્યારેક ભાઈ તમે જે મંગાવ્યું હોય તે લાવતાં ભૂલી જાય તો?’’ ભાભી બોલ્યાં, ‘‘તો એમનું આવી બને. હું પાછા લેવા મોકલું જ.’’ સોના બોલી, ‘‘જુઓ ભાભી, એકમેક સાથે આવા વર્તનથી ઝઘડો શરૂ થાય અને વાત વધી પડે.મારે ત્યાં જો હું શાકમાં મીઠું ભૂલી જાઉં તો રાજ શું કરે ખબર છે? મારાં સાસુ કે મમ્મીની સ્ટાઈલથી ‘‘આજે મીઠું ભૂલાયું છે. ચોક્કસ લાભ થશે’’ બોલતાં ઊઠે અને મીઠું લઈને શાકમાં નાખી લે અને અમે હસતાં હસતાં જમી લઈએ.
ઝઘડો થાય જ નહિ.’’ ભાભીએ કહ્યું, ‘‘પણ એ કહે કે રાજ કૈંક કામ કરવાનું ભૂલી જાય કે તે મંગાવ્યું હોય તે લાવવાનું ભૂલી જાય ત્યારે તું શું કરે? ત્યારે તો ઝઘડો થતો જ હશે.’’ સોના હસી અને બોલી, ‘‘ભાભી, આમ તો રાજ બહુ કંઈ ભૂલતા જ નથી પણ જુઓ આજે જ મેઇનટેનન્સનો ચેક સેક્રેટરીને આપવાનું ભૂલી ગયા હતા. હમણાં તે જ હું આપીને આવી! બસ હું આમ જ કરું. રાજ કંઈ ભૂલી જાય તો હું તે કરી લઉં અને જો હું ન કરી શકું તો રાજને નાનકડો મેસેજ કરી યાદ કરાવી દઉં.’’ સોનાની વાત સાંભળી ભાભીને સમજાયું કે દરેક નાની નાની બાબતોમાં બહુ મોટી ભૂલ થઈ હોય તેવો ઝઘડો કરવો જરૂરી નથી. થોડો પ્રેમ અને વધુ ધીરજ રાખીએ તો ઝઘડાથી બચી શકાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.