Columns

કોઇ કોઇને સુખદુ:ખ આપતું નથી

થોડા દિવસ પૂર્વે મારે બારડોલી-નવસારી રોડ પર બારડોલીથી લગભગ 17 કિ.મી. દૂર તરભોણ ગામની હનુમાન ટેકરી પર શ્રી કષ્ટભંજન હનુમાનજીના દર્શને જવાનું થયું. ત્યાં જૂના સ્થાને દીવાલ પર એક માર્મિક વાક્ય વાંચવા મળ્યું. કર્મ કોઇને છોડતું નથી. કરેલું કર્મ ફોગટ જતું નથી. આજે વ્હોટસઅપ દ્વારા એવું જ એક જીવનસૂત્ર મળ્યું. કર્મ કયારેય સરનામું ભૂલતું નથી. ગોસ્વામી તુલસીદાસજી પણ શ્રી રામચરિત માનસમાં લખે છે ‘કર્મ પ્રધાન વિશ્વ રચિ રાખા! જો જસ કરહિ સો તસ ફલ ચાખા- જગતમાં કર્મની પ્રધાનતા છે. જે જેવું કરે છે તે તેવું જ ભોગવે છે.’ એ જ સૂરનો પડઘો પાડતી ‘જેવું કરશો તેવું ભોગવશો’ અને ‘જેવું વાવશો તેવું લણશો’ જેવી ઉક્તિઓ પણ પ્રચલિત છે. આ બધી જ ઉક્તિઓ, કહેવતો કે સંદેશાઓ આપણે સાંભળીએ પણ છીએ અને બીજાઓને સંભળાવીએ પણ છીએ પરંતુ તેના પર ગંભીરતાપૂર્વક વિચાર કરતાં નથી અને ઉચિત-અનુચિત કર્મો કરતા રહીએ છીએ. ભારે વિડંબણા તો એ છે કે મહદ્અંશે વ્યકિત પોતાને મળતાં દુ:ખ, કષ્ટ કે પ્રતિકૂળતા માટે બીજાને જ દોષી ગણે છે. પોતાની સાથે થતો અયોગ્ય કે પ્રતિકૂળ વ્યવહાર કે વર્તન માટે તે સામેની વ્યકિતને જ દોષિત માને છે. તે એવું માનવા તૈયાર જ નથી કે તેને તેનાં જ કર્મોનું ફળ મળી રહ્યું છે.


શ્રી રામચરિતમાનસના અયોધ્યાકાંડનો એ પ્રસંગ આપણને સમજાવે છે કે જો તમે તમારાં દુ:ખ માટે કોઇ બીજાને દોષિત ગણતાં હો તો તે તમારી ભૂલ છે અહીં કોઇ કોઇને સુખદુ:ખ નથી આપતું. વ્યકિત પોતાના જ પૂર્વ જન્મોનાં કર્મોનું ફળ પામે છે. હા કર્મ કોઇને છોડતું પણ નથી અને કર્મ કદી સરનામું ભૂલતું પણ નથી. શ્રી રામચરિતમાનસનો એ માર્મિક પ્રસંગ ધ્યાનથી સમજવા જેવો છે. જયાં લક્ષ્મણ સમજાવે છે નિષાદરાજ ગૃહને કર્મનો સિદ્ધાંત. બન્યું એવું કે વનવાસ દરમિયાન રાત્રે પોતના પ્રભુ શ્રીરામને નીચે જમીન પર ઘાસ-કૂસની પથારીમાં સૂતેલા જોઇને પ્રેમી નિષાદરાજનું હૃદય વિષાદથી ભરાય ગયું. તેની આંખોમાં આંસુ ઘસી આવ્યાં. તેમને ખૂબ દુ:ખ થતું હતું કે કયાં અયોધ્યાના રાજમહેલની સુખસભર શૈયા અને કયાં આ ખાડા-ટેકરાવાળી ભૂમિ પર કુશની શૈયા ? મારા પ્રભુ તો કેટલા સુકોમળ છે. કેવી રીતે સહન કરતા હશે આ બધું તેઓ?! આ બધાંનું કારણ કૈકયી જ છે. એવું વિચારતાં તેમના મનમાં કૈકયી પ્રત્યે આક્રોશ જાગ્યો. મનમાં ને મનમાં કૈકયીને ધિક્કારતાં તેઓ દુ:ખમિશ્રિત સ્વરમાં લક્ષ્મણને કહે છે, ‘‘કૈકયીને આ કેવી દુર્બુદ્ધિ સૂઝી કે તેમણે મારા નિર્દોષ શ્રીરામને માટે વનવાસ માગી લીધો? તેમને કારણે જ આજે મારા પ્રભુ શ્રીરામે આ દારૂણ દુ:ખ સહન કરવું પડે છે.’’ લક્ષ્મણ નિષાદરાજની વ્યથા સમજી શકતા હતા. તેમણે તેમને સમજાવતાં કહ્યું ‘‘ભાઇ! તમે શા માટે દુ:ખી થાવ છો? શા માટે માતા કૈકયીજી પ્રત્યે ધિક્કારની લાગણી ધરાવો છો? તેમને ધિક્કારવાની કે તેમની નિંદા કરવાની કોઇ જરૂર નથી. એમનો કોઇ વાંક નથી કારણ કે કાહુ ન કોઉ સુખદુ:ખ કર હાતા, નિજ કૃત કરમ ભોગ સબ ભ્રાતા- અહીં કોઇ કોઇને સુખદુ:ખ આપી શકતું નથી. શ્રીરામ તરફ જુઓ રાજમહેલની શૈયા કે ભૂમિ પર કુશની શૈયા તેમને મન તો સમાન છે. રાજ્યાભિષેકની ઘોષણા સાંભળીને તેમને હર્ષ થયો ન હતો અને વનવાસની સૂચના સાંભળીને તેમને શોક થયો ન હતો માટે તમે વ્યર્થ દુ:ખી ન થાઓ.’’
લક્ષ્મણજીના આ વાર્તાલાપ દ્વારા માનસકાર ગોસ્વામી તુલસીદાસજી આપણને એક અદભુત સંદેશો આપે છે કે કોઇ કોઇને સુખ કે દુ:ખ આપી શકતું નથી.

Most Popular

To Top