Vadodara

OBC અનામતની અસર: પછાત વર્ગના 338 કાર્યકરો મેદાનમાં, વોર્ડ નં. 12માં સૌથી વધુ 103 દાવેદારો સાથે રસાકસી

999 પુરુષ અને 435 મહિલાઓ રેસમાં; હવે હાઈકમાન્ડ કોના પર ‘કાતર’ ફેરવશે અને કોને ‘લોટરી’ લાગશે તેના પર સૌની નજર

વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સત્તાધારી પક્ષ ભાજપમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે. સેન્સ પ્રક્રિયાના અંતે સામે આવેલા સત્તાવાર આંકડા મુજબ, શહેરના 19 વોર્ડમાં કુલ 1434 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. સરેરાશ જોતા, મનપાની દરેક એક બેઠક માટે 19 જેટલા ઉમેદવારો વચ્ચે આંતરિક સ્પર્ધા જામશે, જે પક્ષના મોવડીમંડળ માટે પસંદગીની પ્રક્રિયાને જટિલ બનાવશે.
આ વખતે ચૂંટણીમાં પ્રથમ વખત 27% ઓબીસી અનામત અમલી બનતા પછાત વર્ગના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. કુલ 338 ઓબીસી દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. બીજી તરફ, મહિલા સશક્તિકરણની ઝલક પણ આંકડાઓમાં દેખાય છે, જેમાં કુલ 435 મહિલાઓએ મનપામાં પ્રતિનિધિત્વ મેળવવા ઉત્સુકતા દર્શાવી છે. જનરલ કેટેગરીમાં સૌથી વધુ 896 ઉમેદવારોએ ટિકિટની માંગ કરી છે.
શહેર ભાજપ દ્વારા આ તમામ નામોનું સ્ક્રિનિંગ કર્યા બાદ લિસ્ટ હાઈકમાન્ડને મોકલવામાં આવશે. ગત ચૂંટણીની ગાઈડલાઈન મુજબ જૂના જોગીઓ પર કાતર ફરે છે કે નવા ચહેરાઓને તક મળે છે તે જોવું રહ્યું.
બોક્ષ:- વડોદરા ભાજપ: દાવેદારોનું ફાઈનલ વિશ્લેષણ…
*​કુલ દાવેદારો: 1434
​કુલ પુરુષ ઉમેદવારો: 999
*​કુલ મહિલા ઉમેદવારો: 435
*​સામાન્ય કેટેગરી: 896
*​પછાત વર્ગ (OBC) કેટેગરી: 338
*​અનુસૂચિત જાતિ (SC) કેટેગરી: 173
*​અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરી: 27

Most Popular

To Top