દીપિકા ગાર્ડન અને વાઘોડિયા રોડ પર ગેરકાયદે દબાણકર્તાઓમાં ફફડાટ; રોડ ડિવાઇડર અને ફૂટપાથો પરથી ગંદકી દૂર કરાઈ



વડોદરા શહેરને સ્માર્ટ સિટીની સાથે સ્વચ્છ અને સુવિધાજનક બનાવવાના મક્કમ નિર્ધાર સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત ‘વન ડે વન રોડ’ ઝુંબેશ હેઠળ બુધવારે શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં પાલિકા તંત્રએ આક્રમક કામગીરી હાથ ધરી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જાતે જ મેદાનમાં ઉતરીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને શહેરના માર્ગો પર ગંદકી કરનારા તત્વો સામે લાલ આંખ કરી હતી.
પાલિકા તંત્ર દ્વારા બુધવારે સવારથી જ શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પર આવેલા ઉમા ચાર રસ્તાથી પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા સુધીના મુખ્ય માર્ગ પર વિશેષ સફાઈ અને દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમે રસ્તા પર નડતરરૂપ એવી લારી-ગલ્લા, પથારા અને દુકાનોની બહાર ગેરકાયદેસર રીતે લગાડવામાં આવેલા બોર્ડ-હોર્ડિંગ્સ દૂર કર્યા હતા. આ કામગીરી દરમિયાન અંદાજે ત્રણ ટ્રક જેટલો માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, કારેલીબાગ વિસ્તારમાં આવેલા દીપિકા ગાર્ડન આસપાસના માર્ગો પર પણ પાલિકાની ટીમે સપાટો બોલાવ્યો હતો. અહીં ફૂટપાથ અને માર્જિનની જગ્યા રોકીને બેસતા લારી-ગલ્લા તેમજ રસ્તા પર ઊભા કરી દેવાયેલા શક્કરટેટીના ગેરકાયદે તંબુઓ અને ચાની કિટલીઓ હટાવી દેવામાં આવી હતી. અહીંથી વધુ બે ટ્રક સામાન જપ્ત કરાતા બુધવારની સમગ્ર કામગીરી દરમિયાન કુલ પાંચ ટ્રક જેટલો સામાન પાલિકાના ડેપોમાં જમા લેવાયો હતો.
નિરીક્ષણ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરની સુંદરતા બગાડતા તત્વો સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે નાગરિકોને નમ્ર અપીલ કરતા જણાવ્યું હતું કે, પાલિકા તંત્ર શહેરને સ્વચ્છ રાખવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યું છે, ત્યારે નાગરિકોએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ. પાન-પડીકી ખાઈને જાહેર રસ્તાઓ કે ડિવાઈડર પર પિચકારીઓ મારી ગંદકી કરવી એ સભ્ય સમાજને શોભતું નથી. તેમણે લોકોને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપવા વિનંતી કરી હતી.
માત્ર દબાણ હટાવવા જ નહીં, પરંતુ માર્ગોના સૌંદર્યીકરણ માટે રોડ ડિવાઈડર પર જામેલી ધૂળ, કચરો અને નકામા ઘાસનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં શહેરના અન્ય વોર્ડ અને મુખ્ય માર્ગો પર પણ ‘વન ડે વન રોડ’ ઝુંબેશ હેઠળ સઘન સફાઈ અને દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.