Vadodara

પેટ્રોલ છે ના સરકારી દાવા પોકળ ? પંપો પર નો-સ્ટોકના બોર્ડ અને લાંબી કતારો

તંત્ર કહે છે ‘પુરવઠો પૂરતો છે’, તો પછી પંપો પર કેમ તાળાં ? ઓનલાઈન પેમેન્ટ બંધ કરી માત્ર રોકડા સ્વીકારાતા નાગરિકોમાં રોષ, અફવા કે અછત ? રહસ્ય ઘેરાયું.

પ્રતિનિધિ), વડોદરા. તા.24

વડોદરા અત્યારે ‘સંકટ નગરી’ બની ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. એકબાજુ સરકાર અને વહીવટી તંત્ર ગળું ફાડીને કહી રહ્યું છે કે “ગભરાશો નહીં, પેટ્રોલનો પૂરતો જથ્થો છે”, તો બીજી બાજુ શહેરના ખૂણે-ખૂણે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ લાંબી કતારો દ્રશ્યમાન થઈ રહી છે. સવાલ એ છે કે જો જથ્થો પૂરતો છે, તો પછી પંપો પર ‘સ્ટોક નથી’ ના બોર્ડ કોના ઈશારે લાગી રહ્યા છે ? શું આ કૃત્રિમ અછત ઊભી કરવાનું કોઈ સુનિયોજિત કાવતરું છે ? ગઈકાલ જેવી જ ભયાનક સ્થિતિ આજે સવારથી જ જોવા મળી રહી છે. નોકરિયાત વર્ગ હોય કે સામાન્ય નાગરિક, દરેકના ચહેરા પર એક જ ચિંતા છે, “ગાડીમાં તેલ ખૂટી જશે તો કામ પર કેવી રીતે જઈશું ?” તંત્ર દ્વારા વારંવાર અફવાઓથી બચવા અપીલ કરાય છે, પરંતુ જ્યારે નાગરિક પંપ પર જાય છે ત્યારે તેને ખાલી નળીઓ અને બંધ મશીનો જોવા મળે છે. ફતેપુરા ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલનો જથ્થો ન હોવાને કારણે પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ કારેલીબાગ ઉત્કર્ષ પેટ્રોલ પંપ ખાતે પણ પેટ્રોલનો જથ્થો ન હોવાને કારણે વેચાણ બંધ કરવામાં આવ્યું છે. તંત્રના દાવા અને જમીની હકીકત વચ્ચેનો આ ‘કોમ્યુનિકેશન ગેપ’ જનતાના રોષને બમણો કરી રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયાના બણગાં ફૂંકતા તંત્રની નાક નીચે વડોદરાના અનેક પેટ્રોલ પંપો પર સરેઆમ લૂંટ જેવી સ્થિતિ છે. અનેક જગ્યાએ જાણી જોઈને ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. “માત્ર કેશ (રોકડા) જ લેવાશે” તેવું કહીને મધ્યમ વર્ગના માણસને વધુ પાયમાલ કરવામાં આવી રહ્યો છે. શું આ રીતે રોકડા ઉઘરાવીને કોઈ મોટું આર્થિક કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે ? શું પુરવઠા વિભાગ ઊંઘી રહ્યો છે કે પછી પંપ સંચાલકો સામે પગલાં લેતા ડરી રહ્યો છે ? જો ખરેખર પેટ્રોલની અછત નથી, તો પુરવઠા વિભાગ કેમ સત્તાવાર રીતે પંપોનું ચેકિંગ નથી કરતું ? જે પંપો પર સ્ટોક હોવા છતાં વેચાણ બંધ રખાયું છે તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી કેમ નથી થતી ? જનતામાં ફેલાયેલો આ ફફડાટ માત્ર અફવા નથી, પણ તંત્ર પ્રત્યેના અવિશ્વાસનું પરિણામ છે. જ્યાં સુધી ટેન્કરો પંપો સુધી પહોંચતા દેખાશે નહીં, ત્યાં સુધી આ લાઈનો ઓછી થવાની નથી.
તંત્રને વેધક સવાલો :-
* સ્ટોક છે તો બોર્ડ કેમ ? જો ડેપોમાં જથ્થો છે તો પંપો સુધી પહોંચાડવામાં વિલંબ કેમ ?
* રોકડાનો આગ્રહ કેમ ? શું ટેક્સ ચોરી કે કાળાબજાર માટે જાણીજોઈને UPI બંધ કરાયું છે ?
* તંત્ર મૌન કેમ ? કલેક્ટર કચેરી કે પુરવઠા વિભાગ પંપ સંચાલકોને કડક સૂચના કેમ નથી આપતું ?
વડોદરાની જનતા અત્યારે લાચારીના ઉંબરે ઉભી છે. એક લિટર પેટ્રોલ માટે કલાકોના કલાકો લાઈનમાં ઉભા રહેવું એ વિકાસની કઈ ગાથા છે? હવે જોવાનું એ રહે છે કે સરકાર માત્ર નિવેદનો જ આપશે કે પછી પંપો પર ખરેખર પેટ્રોલ પહોંચાડશે.

Most Popular

To Top